18 August, 2024 07:20 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
ફ્લૅટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શું રાખવું જોઈએ એ વિશે આપણે ગયા રવિવારે વાત કરી. હવે આજે આપણે વાત કરવાની છે પ્રવેશદ્વાર પાસે કે સામે શું રાખવાનું ટાળવું જોઈએ એની. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર લક્ષ્મીના આગમનનો માર્ગ છે એવા સમયે આ માર્ગ પર વિઘ્ન ન હોય કે પછી એ માર્ગ પર એવું કશું ન હોય જે નકારાત્મક હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે પ્રવેશદ્વાર પૉઝિટિવ ન બનાવી શકાય તો ચાલશે, પણ પ્રવેશદ્વાર પર કોઈ પ્રકારની નકારાત્મકતા ન હોય એનું ખાસ ધ્યાન રાખવું.
પ્રવેશદ્વાર પર નકારાત્મકતા ન આવે એ માટે શું-શું ધ્યાન રાખવું એ જોઈએ? એમાં સૌથી પહેલું છે સફાઈ. સવારે જાગ્યા પછી સૌથી પહેલું કામ જો કોઈ કરવું જોઈએ તો એ છે આંગણું સાફ કરી લેવું. ધારો કે એવી કોઈ સોસાયટીમાં રહેતા હો જ્યાં જનરલ સફાઈ રોજ સવારે થઈ જતી હોય તો પણ પરિવારની વ્યક્તિએ ફ્લૅટની બહારનો ભાગ જાતે સાફ કરવો જોઈએ
૧. ન રાખો શૂઝ કે ચંપલ
પ્રવેશદ્વાર પર ક્યારેય શૂઝ-ચંપલ ખુલ્લાં ન રાખવાં જોઈએ અને આ વાતનું દિવસ દરમ્યાન સતત પાલન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. મહેમાનોને આ વાત લાગુ નથી પડતી, પણ પરિવારના સભ્યોએ પોતાનાં ચંપલ આંગણામાં કે ફ્લૅટના મેઇન ડોર પાસે રાખવાં ન જોઈએ. શક્ય હોય તો પ્રવેશદ્વાર પાસે બંધ શૂ-રૅક રાખવી જોઈએ અને શૂઝ-ચંપલ એમાં મૂકવાં જોઈએ. આ શૂ-રૅક પણ મુખ્ય દ્વારને નડતર બને એ રીતે મૂકવી નહીં તો સાથોસાથ ઘરના મેઇન ડોરમાં નડતર બનતું હોય એવું પણ કશું રાખવું જોઈએ નહીં.
ચોમાસાના દિવસોમાં જો ભેજને કારણે મુખ્ય દ્વાર ચડી જાય તો એનું રિપેરિંગ સૌથી પહેલાં કરાવવું જોઈએ. મેઇન ડોરમાંથી મિજાગરાનો અવાજ પણ આવવો ન જોઈએ, જેના માટે નિયમિત મિજાગરામાં ઑઇલ મૂકતા રહેવું. અવાજ કરતો દરવાજો કે પછી જમીન સાથે ઘસાતો દરવાજો લક્ષ્મીને રોકવાનું કામ કરે છે.
૨. ન મૂકો કાંટાવાળા પ્લાન્ટ
ઘરમાં રહેલા કાંટાવાળા પ્લાન્ટને ઘણા વાસ્તુશાસ્ત્રીઓ ઘરની બહાર કઢાવે ત્યારે વ્યક્તિ એ પ્લાન્ટને મેઇન ડોર પાસે મૂકી દે છે, પણ એવી ભૂલ કરવી નહીં. કાંટાવાળા પ્લાન્ટ કે પછી ડેકોરેટિવ કેક્ટસને ઘરમાં જ નહીં, ફ્લૅટના મેઇન ડોર પાસે પણ રાખવા જોઈએ નહીં. જો આંગણામાં રાખવા હોય તો કોઈ પણ ફૂલના છોડ રાખી શકાય. જો યલો કે સૅફ્રન કલરના ફૂલનો પ્લાન્ટ રાખવામાં આવે તો ઉત્તમ.
ઘણા લોકો મનીપ્લાન્ટ પણ પ્રવેશદ્વાર પાસે રાખે છે અને એને વધતો જોઈને રાજી થતા હોય છે, પણ એ વૃદ્ધિ ઘરમાં આવતી નથી! પૈસાના પ્રતીક સમાન મનીપ્લાન્ટને ફ્લૅટની બહાર નહીં પણ ફ્લૅટમાં રાખવાનો હોય અને જો શક્ય હોય તો નૉર્થ કે સાઉથ-વેસ્ટમાં.
૩. ડોરના હૅન્ડલને બાંધો નહીં
ઘણા ભાવિક જીવો એવા હોય છે જેઓ પોતાના ઘરના દરવાજા પર લગાવવામાં આવેલા હૅન્ડલને પણ દોરો કે રાખડી બાંધે છે! ભાવના સારી છે અને તમારી ઇચ્છા પણ સારી છે, પણ એવું ક્યારેય કરવું નહીં. ડોરના હૅન્ડલ પર બાંધેલો કોઈ પણ પ્રકારનો દોરો સમય જતાં બંધન બને છે અને ઘરની મુખ્ય વ્યક્તિને પ્રગતિમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. એ જે મુશ્કેલી આવે છે એ ફૅમિલી-ફ્રન્ટથી જ ઊભી થાય છે, જેનું કારણ છે ઘરના હૅન્ડલ પર બાંધેલો દોરો!
જો શ્રદ્ધાથી ક્યારેય કોઈ એવો દોરો બાંધવાનું મન થાય કે પછી કોઈ એ બાંધે અને તમે તેને ના પાડી શકો તો બાંધેલો દોરો ચોવીસ કલાક પછી ઉતારી લેવો.
૪. ખીલી કે સ્ટિકરને દૂર રાખો
ફ્લૅટ કે ઘરનો મેઇન ડોર શક્ય હોય એટલો ચોખ્ખો રહેવા દેવો અને દરવાજા કે એની બારસાખ પર જરૂરી ન હોય ત્યાં સુધી કોઈ ખીલી કે સ્ટિકર લગાવવું નહીં. ઘણાં ઘરોમાં એવું બનતું હોય છે કે નાનાં બાળકો મુખ્ય દરવાજા પર સ્ટિકર લગાડે અને પેરન્ટ્સ તેમને રોકતા નથી. બાળકોને રોક-ટોક ન કરવી એ સારી વાત છે, પણ મેઇન ડોરને તેમનાથી બચાવીને રાખવામાં આવે એ બધા માટે હિતની વાત છે. ખીલીની બાબતમાં પણ કહેવાનું કે અનેક લોકો જુદાં-જુદાં તોરણો લગાવવા માટે બારસાખ કે દરવાજાઓ પર ખીલીઓની હારમાળા કરી દે છે જે અયોગ્ય છે.
ચોક્કસ માપ લઈને કાયમ કામ લાગે એ રીતે એક જ વખત ખીલી લગાવવી અને એ પછી દરવાજા પર કોઈ પણ જાતનો પ્રહાર ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. દરવાજા પર મારવામાં આવતી ખીલી એ તકમાં પાડવામાં આવતા પંક્ચર સમાન છે.