વિપુલ શાહ સવારે વેબ-સિરીઝનું અને રાતે ફિલ્મનું શૂટિંગ કરે છે

06 February, 2021 02:56 PM IST  |  Mumbai | Agency

વિપુલ શાહ સવારે વેબ-સિરીઝનું અને રાતે ફિલ્મનું શૂટિંગ કરે છે

વિપુલ શાહ

ફિલ્મમેકર વિપુલ શાહ ફિલ્મ અને વેબ-સિરીઝ બન્નેનું કામ સંભાળતા સેટ પર દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. થ્રિલર વેબ-સિરીઝ ‘હ્યુમન’ને મોઝેસ સિંહ સાથે મળીને વિપુલ શાહ ડિરેક્ટ કરી છે. આ સિરીઝમાં ડ્રગ્સના ગોરખધંધા અને મેડિકલ સ્કૅમ વિશે દેખાડવામાં આવશે. બીજો પ્રોજેક્ટ એક ફિલ્મ ‘સનક’ છે. આ ફિલ્મને વિપુલ શાહે કો-પ્રોડ્યુસ કરી છે. આ બન્નેનું કામ કેવી રીતે સંભાળે છે એ વિશે વિપુલ શાહે કહ્યું હતું કે ‘દિવસ દરમ્યાન અમે ‘હ્યુમન’નું શૂટિંગ અને રાતે ‘સનક’નું શૂટિંગ કરીએ છીએ. મારો દિવસ લગભગ સવારે પાંચ વાગ્યે શરૂ થઈ જતો હતો અને રાતે ૧ અથવા ૨ વાગ્યે પૂરો થતો હતો. વહેલી સવારથી માંડીને સાંજ સુધી ‘હ્યુમન’ને ડિરેક્ટ કર્યા બાદ હું સાંજે ‘સનક’ના સેટ પર સવાર સુધી હોઉં છું. જોકે આ મારા માટે ચૅલેન્જિંગ છે, એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર છે. બન્ને પ્રોજેક્ટ્સ એકસાથે શૂટ નહોતા કરવા, પરંતુ કેટલીક વાર બધું તમારા કન્ટ્રોલમાં નથી હોતું. જોકે સમયને ધ્યાનમાં રાખતાં અમારે આ કરવું પડ્યું, પરંતુ એ પ્રોસેસને હું એન્જૉય કરું છું. એક ક્રીએટિવ વ્યક્તિ હોવાને કારણે ચૅલેન્જને એક ફન તરીકે લેવાની મારી ટેવ છે. આ ચૅલેન્જ આપણે સૌએ લેવી જોઈએ અને અમે એની સાથે આગળ વધી રહ્યા છીએ.’

vipul shah television news web series entertainment news