'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ અભિનેત્રી દિવ્યા ભટનાગર વેન્ટિલેટર પર

29 November, 2020 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ અભિનેત્રી દિવ્યા ભટનાગર વેન્ટિલેટર પર

દિવ્યા ભટનાગર (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

કોરોના વાયરસ (COVID-19)ના વધતા કહેરે વધુ એક ટીવી સેલેબ્ઝને તેની ચપેટમાં લઈ લીધો છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ ટીવી અભિનેત્રી દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અભિનેત્રીની માતા તથા ભાઈને તેની તબિયત અંગેની માહિતી મળતા તેઓ દિલ્હીથી મુંબઈ આવી ગયા છે. અભિનેત્રીને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ થયો છે અને તેની તબિયત વધારે ગંભીર છે. અત્યારે તે વેન્ટિલેટર પર છે.

દિવ્યા ભટનાગરને પહેલા મુંબઈની એસ આર વી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, તેની તબિયત વધુ ગંભીર થતાં હવે તેને સેવન હિલ્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. અભિનેત્રીની માતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'છેલ્લાં છ દિવસથી દિવ્યાને તાવ આવતો હતો અને તેને વીકનેસ જેવું લાગતું હતું. હું તથા મારો દીકરો દિલ્હીથી મુંબઈ આવ્યા. ઘરમાં ઓક્સિમીટર પર દિવ્યાનું ઓક્સિજન લેવલ ચેક કર્યું તો તે 71 જેટલું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. હૉસ્પિટલમાં તરત જ તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. હવે તેનું ઓક્સિજન લેવલ 84 છે. જોકે, તેની તબિયત હજી પણ નાજુક છે. તેનો કોરોનાના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.'

દિવ્યાએ પોતાની તબિયત અંગે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેણે હૉસ્પિટલના પલંગ પર હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું ઝડપથી સાજી થાઉં તે માટે પ્રાર્થના કરજો.' તસવીરમાં દિવ્યાએ ઓક્સિજન માસ્ક પહેર્યો છે અને તેના ચહેરા પર હાસ્ય છે.

અભિનેત્રીએ પરિવારની મરજી વિરુદ્ધ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગગન સાથે લગ્ન કર્યાં હતાં. ગગન પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે. દિવ્યા છેલ્લાં કેટલાંક દિવસથી બીમાર હતી અને આવી હાલતમાં ગગન ઘર છોડીને જતો રહ્યો હતો. દિવ્યાની માતાએ દાવો કર્યો હતો, 'ગગન એક ફ્રોડ વ્યક્તિ છે. તેણે દિવ્યાને આવી હાલતમાં તરછોડી દીધી અને પછી તેણે એકવાર પણ ફોન કરીને તેના હાલચાલ પૂછ્યાં નથી. લગ્ન પહેલાં દિવ્યા મીરા રોડ સ્થિત આવેલા મોટા ઘરમાં રહેતી હતી. જોકે, લગ્ન બાદ તે ઓશિવારામાં રહેવા આવી ગઈ હતી. અહીંયાનું ઘર બહુ જ નાનું છે.'

દિવ્યા ભટનાગર હાલમાં 'તેરા યાર હૂ મેં'માં કામ કરતી હતી. દિવ્યાની માતા સિરિયલના પ્રોડક્શન હાઉસ શશિ-સુમિતના સતત સંપર્કમાં છે. તેઓ દિવ્યાની સારવાર માટે આર્થિક મદદ કરી રહ્યાં છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિવાય અભિનેત્રીએ 'ઉડાન', 'જીત ગઈ તો પિયા મોરે', 'વિશ', 'સિલસિલા પ્યાર કા' જેવી સિરિયલમાં કામ કર્યું છે.

coronavirus covid19 entertainment news indian television television news yeh rishta kya kehlata hai