13 July, 2022 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કામ્યા અને શેફાલી લઈને આવ્યાં ‘સંજોગ’
કામ્યા પંજાબી અને શેફાલી શર્મા હવે ‘સંજોગ’માં જોવા મળવાનાં છે. ઝી ટીવી પર શરૂ થઈ રહેલો આ શો ફૅમિલી ડ્રામા પર છે. આ શોમાં બે અલગ-અલગ કલ્ચરની મમ્મીઓ અને તેમનાં બાળકોની સ્ટોરી છે. જોધપુર પર આધારિત આ સ્ટોરીમાં બે મમ્મીઓ કરતાં તેમની દીકરીઓ એકદમ અલગ હોય છે એમ દેખાડવામાં આવશે. આ વિશે કામ્યાએ કહ્યું કે ‘ઝી કુટુંબમાં ફરી આવવાની મને ખુશી છે. ગૌરીનું પાત્ર ભજવવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. એક ઍક્ટર તરીકે તમને ઘણી વાર એવું લાગે છે કે અમુક પાત્રો તમારા માટે જ લખવામાં આવ્યાં છે અને આ એમાંનું જ પાત્ર છે. મેં આજ સુધી સ્ક્રીન પર જે પાત્રો ભજવ્યાં છે એના કરતાં મારો લુક એકદમ અલગ છે. દર્શકો મારા પાત્રને પસંદ કરે અને મને સપોર્ટ કરે એ માટે હું આતુર છું.’
આ શો વિશે શેફાલીએ કહ્યું કે ‘અમ્રિતાનું પાત્ર ભજવવા માટે હું આતુર છું. તે એકદમ સૉફિસ્ટિકેટેડ અને કાઇન્ડ હોય છે. તે હાઉસવાઇફ હોય છે, પરંતુ તેના પતિ સાથે જ્વેલરી બિઝનેસ ચલાવે છે. મને ખાતરી છે કે અમ્રિતાને લોકો પસંદ કરશે. હું પહેલી વાર મમ્મીનું પાત્ર ભજવી રહી છું આથી હું ઉત્સાહી હોવાની સાથે નર્વસ પણ છું.’