17 August, 2020 01:26 PM IST | Mumbai | Sheetal Patel
ગુલ્કી જોશી
“પોલીસનો રોલ ભજવીને હું ખરેખર પોતાની જાતને એક પોલીસ ઑફિસર સમજવા લાગી હતી. રસ્તા પર પણ પોલીસની ગાડી કે નાકાબંધી દેખાઈ જાય તો એવું લાગે છે કે અરે આ તો આપણા જ લોકો છે. હકીકતમાં મને લૉકડાઉનમાં પણ એવું મન થયું કે પોલીસનો પોશાક પહેરીને જાઉં અને તેમની બાજુમાં ઊભી રહી જાઉં.” આ શબ્દો છે ગુલ્કી જોશીનાં. સબ ટીવીના શો મેડમ સર સીરિયલમાં પોલીસ ઑફિસરના પાત્રમાં લોકપ્રિય થઇ રહેલી અભિનેત્રી ગુલ્કી જોશીએ ગુજરાતી મિડ-ડે.કોમને આપેલા EXCLUSIVE ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરી.
ચાર મહિના પછી શૂટિંગ પર પાછી ફરેલી ગુલ્કી કહે છે, “વાઇરસને કારણે લોકપ્રિયતા મેળવી રહેલો શો અટકી ગયો હતો અને ફરી કામ શરૂ થયું તો મજા તો આવી પણ સેટ પર લોકોની સંખ્યા ઓછી અને સેનિટાઇઝેશનના ચક્રવ્યુહમાંથી ય નિકળવાનું. હવે ન્યુ નોર્મલની ટેવ પડી રહી છે. શૂટિંગ શરૂ થયું તે સારું જ છે કારણકે એવું ય ટેન્શન આવે કે શૉ બંધ થઇ જશે તો, જો કે પ્રોડક્શને અમને ખાતરી આપી હતી કે એવું નહીં થાય.” ગુલ્કી જોશીનું લૉકડાઉન મજાનું રહ્યું કારણકે તેને સ્પેસ મળી, ટાઇમ મળ્યો. ઘરકામમાં સમય જાય અને પછી જુની ફિલ્મો જોવાથી માંડીને તેણે પુસ્તકો વાંચ્યા તથા ટેક્નોલૉજી સાથે દોસ્તી વધારી.
કૉલેજમાં થિએટર અને બાદમાં એડ ફિલ્મ્સ કરનાર ગુલ્કીએ મેડમ સરમાં લીડ રોલ કર્યો તે પહેલાં ટીવી શૉ ફીર સુબહ હોગી, નાદાન પરિન્દે, સ્વાભિમાન, યે અલબેલા, રાહુકાલ, નક્કાશ વગેરે સિરિયલ અને ફિલ્મોમાં કામ ક્રયું. તે કહે છે,”મમ્મી પપ્પા સામે તો હું આર્કિયોલોજિસ્ટ, એન્જિનિયર એવું બધું બનવાની વાતો કરતી પણ મનમાં એક્ટર બનવાનું જ વિચારતી.”
પોલીસનું પાત્ર અને અનુભવ
તે શૉના પાત્ર વિશે કહે છે, “એસ.એચ.ઓ હસીના મલિક એકદમ શાંત, સમજી વિચારીને બોલનારી, વધારે ઉત્સાહી નહીં અને વધારે દુઃખી પણ નહી, ઓછાં શબ્દોમાં ઘણુ બોલનારી છે. હું પોતે આવી બિલકુલ નથી, હું એનિમેટેડ, મસ્તી ખોર, સેટ પર લોકો સાથે પ્રેન્ક્સ કરવા વાળી છું પણ જ્યારે તમે કોઈ રોલ પ્લે કરો છે ત્યારે તે પાત્રનો પ્રભાવ તમારી પર પડે જ.”
પોલીસ સાથેના પોતાના અનુભવ અંગે ગુલ્કી કહે છે, “મારી ઓળખાણમાં એક વ્યક્તિને કોઈ હેરાન કરી રહ્યું ત્યારે અમે પોલીસ સ્ટેશન ગયા હતા. મેં સાંભળ્યું હતું કે તેઓ સરખી રીતે વાત નથી કરતા, સાંભળતા નથી, પણ એવું કંઈ ન થયું. મુંબઈ પોલીસે અમારી ફરિયાદ સાંભળીને અમને સારા સલાહ-સૂચન આપ્યા.” તેણે ઉમેર્યું કે, “જ્યારે પોલીસ સારું કામ કરે છે ત્યારે કોઈ કહેતું નથી કે પોલીસે સામેથી આવીને મદદ કરી છે. આ એ સમય છે જેમાં લોકોને ડૉક્ટર અને પોલીસનું મહત્વ સમજાયું છે. ઘરે બેસીને તમે કોઈને પણ જજ નથી કરી શકતા. પણ પૂરા દિવસ બહાર રસ્તા પર પીપીઈ કિટ પહેરીને લોકોની સુરક્ષા કરવીએ સરળ કામ નથી.” તે કહે છે કે, “હસીના મલિકના કેરેક્ટરમાંથી ગુલ્કીએ ધીરજ કેવી રીતે રાખવી એ શીખવાની જરૂર છે.”
રિજેક્શન પણ વેઠ્યું
આજે પોતાના કામથી ઓળખાતી ગુલ્કીએ પણ રિજેક્શન ફેસ કર્યું છે. તે કહે છે, “મેં એવું બહુ વાર સાંભળ્યું છે કે તમને તો બહેનનો કે સાઈડનો એકાદ રોલ મળી જશે. તમે રિજેક્ટેડ છો કારણકે તમે સુંદર નથી, ફિટ નથી. પણ હું બહું જ સાદી છું મને તૈયાર થવાનું બિલકુલ ગમતું નથી. મારું કામ પર્ફોમ કરવાનું છે, કામ સારું હોય તો કંઇ એળે નથી જતું.”
ગમા-અણગમા
જો ગુલ્કી એક્ટર ન બનત તો તે એડવેન્ચર્સ સ્પોર્ટ્સમાં હોત, લોકોને ટ્રેક પર લઇ જાત અથવા પેરગ્લાઇડિંગ શિખવાડત. ગુલ્કીને ગમતા ટેલિવિઝન શૉમાં પોતાના જ શૉનું નામ ટોચ પર છે કારણકે આ એકમાત્ર એવો કૉમેડી છો જેમાં ચાર સ્ટ્રોન્ગ મહિલા પોલીસ પર આધારિત છે. ગુલ્કી જોશીને થ્રિલર, ડોક્યુમેન્ટરી, હોરર અને એક્શન ફિલ્મો ગમે છે. તેને મોકો મળે તો એક્શન અને બાયોપિક ફિલ્મ કરવી છે અને રણવીર સિંહ સાથે રોમેન્ટિક ફિલ્મ કરવાની તક મળે તો જરૂર કરશે કારણકે રણવીર એમનો ફેવરેટ એક્ટર છે. આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ ગમતી એક્ટ્રેસ છે. કોરોનાના ડર અંગે તે કહે છે કે, ‘નકારાત્મકતા દૂર રાખવી અને ઇમ્યુનિટી મજબુત રાખવી આ જ હું અનુસરું છું.’