વેબ-શોને કારણે ધીરજ રાખતાં અને નૅચરલ ઍક્ટિંગ શીખી છું : દિવ્યાંકા

06 September, 2019 11:31 AM IST  |  મુંબઈ | લેટી મરિયમ એબ્રાહમ

વેબ-શોને કારણે ધીરજ રાખતાં અને નૅચરલ ઍક્ટિંગ શીખી છું : દિવ્યાંકા

દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

દિવ્યાંકા ત્રિપાઠી દહિયા ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ છે અને તેણે હવે વેબ-સિરીઝમાં પણ એન્ટ્રી કરી છે. રાજીવ ખંડેલવાલ સાથેની ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ શોને Zee5 અને ALTBalaji પર રિલીઝ કરવામાં આવ્યો છે. તેના પહેલા વેબ-શોમાંથી તેને ઘણું શીખવા મળ્યું છે. ‘મિડ-ડે’ સાથે તેણે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ :

આ શોનું પોસ્ટર એક વર્ષ પહેલાં લૉન્ચ થયું હતું, એને રિલીઝ થતાં કેમ વાર લાગી?

એકતા કપૂરને આ શોમાં પૂરેપૂરો વિશ્વાસ હતો એથી અમે પોસ્ટરનું શૂટ ગયા વર્ષે કર્યું હતું અને એને રિલીઝ કર્યું હતું. અમે એનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હતું અને એ ગયા મહિનામાં પૂરું થયું હતું. આથી જોવા જઈએ તો શોને લંબાવવામાં નથી આવ્યો.

તું શોમાં કુકિંગ કરે છે. તને એનો એક્સ્પીરિયન્સ છે ખરો?

મેં શો માટે બેઝિક કુકિંગ શીખ્યું હતું. શાકભાજી કેવી રીતે કાપવામાં આવે છે એ શીખવવા માટે સેટ પર શેફ આવતો હતો. હું વેજિટેરિયન છું અને પહેલા જ દિવસે મારે ચિકન ડિશ બનાવવાની હતી. શાકભાજી કાપવી એટલું મુશ્કેલ નથી, પરંતુ હું શેફ હોવાથી મારે એ તરફ જોયા વગર એને કાપવી જરૂરી હતું અને એ ખૂબ જ મુશ્કેલ હતું.

પહેલી વેબ-સિરીઝમાંથી શું શીખવા મળ્યું?

ધીરજ કેવી રીતે રાખવી એ હું શીખી છું. ટીવી-ઍક્ટર તરીકે હું સ્પીડમાં કામ કરવા માટે ટેવાયેલી છું. હું ‘યે હૈ મોહબ્બતેં’નું શૂટિંગ પૂરું કરીને આ શોના સેટ પર પહોંચી જતી હતી. પ્રદીપ દાદા (પ્રદીપ સરકાર, ડિરેક્ટર) મને પૂછતા કે હું ‘યે હૈ મોહબ્બતેં’નાં કેટલાં દૃશ્યો શૂટ કરીને આવી છું? હું તેમને કહેતી કે ત્રણ કલાકમાં અમે ૨૦થી ૨૫ દૃશ્યો શૂટ કર્યાં હતાં તો તેમને શૉક લાગતો હતો. આ શોમાં અમે એક દિવસમાં ફક્ત ત્રણથી ચાર દૃશ્યોને શૂટ કરતાં હતાં. ધીરજની સાથે જો હું કંઈ શીખી હોય તો મારી ઍક્ટિંગને કેવી રીતે નૅચરલ બનાવવી એ. ટીવીમાં અમે એક્સપ્રેશન વધુપડતાં આપતાં હોઈએ છીએ, પરંતુ વેબ-શોમાં નૅચરલ રહેવું પડે છે.

પ્રદીપ સરકાર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

તેઓ ખૂબ જ સારી રીતે વિઝ્યુઅલ કરે છે. તેઓ મૉનિટરની બાજુમાં બેસે છે અને ત્યાંથી જ તેઓ કૅન્વસ પર પેઇન્ટિંગ કરતા હોય એવું લાગે છે. દરેક શૉટને લઈને તેઓ ખૂબ જ ક્લિયર હોય છે. સેટ પર કયાં પ્રૉપ્સનો ઉપયોગ કરવો અને કયા ઍક્ટર્સનો સમાવેશ કરવો એ તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે. પ્રદીપ દાદા સાથે કામ કરીને હું ઘણી બાબતો શીખી છું. હું તેમની અસિસ્ટન્ટ ડિરેક્ટર હોઉં એવો હું વર્તાવ કરતી હતી.

કૅમેરાની પાછળ કામ કરવા માટે તને પ્રેરણા મળી ખરી?

મને પ્રોસેસ શીખવાનું ગમશે, પરંતુ ડિરેક્શનમાં મને કોઈ રસ નથી.

રાજીવ ખંડેલવાલ અને તેં સ્ક્રીન પર પહેલી વાર સાથે કામ કર્યું છે.

રાજીવ ખૂબ જ સપોર્ટિંગ ઍક્ટર છે, પરંતુ એટલો જ તોફાની પણ છે. તે સેટ પર હંમેશાં મારા કુકિંગને લઈને ટાંગ ખેંચતો, કારણ કે તે સારી રીતે કુક કરી શકે છે અને હું હજી શીખી રહી છું.

આ પણ વાંચો : વેબ-સિરીઝની જેમ ટીવી સિરિયલમાં એક્સપરિમેન્ટ કરવા શક્ય નથી : દિવ્યાંકા ત્રિપાઠી

‘યે હૈ મોહબ્બતેં’ બંધ થઈ રહી છે એવી ચર્ચા ચાલી રહી છે.

આ શોના ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ આસમાને છે અને એથી એને બંધ કરવાનો કોઈ મતલબ નથી. આ શોને કારણે ઘણા લોકોનું ઘર ચાલી રહ્યું છે. આ શોમાં કામ કરનાર દરેક વ્યક્તિ ખુશ હોય ત્યારે હું કોણ છું તેમની ખુશી છીનવવાવાળી?

divyanka tripathi