ગુજરાતી એલિયન બનીને મોજ કરાવશે ભવ્ય ગાંધી

10 March, 2019 10:57 AM IST  |  | હર્ષ દેસાઈ

ગુજરાતી એલિયન બનીને મોજ કરાવશે ભવ્ય ગાંધી

ગુજરાતી એલિયન બનશે ભવ્ય ગાંધી

ભવ્ય ગાંધી બહુ જલદી ગુજરાતી એલિયન બનીને ટીવીમાં કમબૅક કરી રહ્યો છે. &TV પર શરૂ થઈ રહેલા નવા શો ‘શાદી કે સિયાપ્પે’માં તે ગુજરાતી એલિયનની ભૂમિકા ભજવી રહ્યો છે. આ એલિયન ધરતી પર આવી મનુષ્યનું રૂપ લઈ લે છે અને એક લગ્નની ઇવેન્ટને હૅન્ડલ કરતી મહિલાને મદદ કરવાનું નક્કી કરે છે. આ એક લાઇટ હાર્ટેડ ટીવી-શો છે જેમાં લગ્ન અને એમાં થતા સિયાપ્પાને રજૂ કરવામાં આવશે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ બાદ તેણે ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’માં કામ કર્યું હતું. ભવ્ય લગભગ ત્રણ વર્ષ બાદ ટીવીમાં કમબૅક કરી રહ્યો છે. તેની સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ:

આ શોમાં એવું તો શું ખાસ છે કે તેં કમબૅક કરવા માટે એને પસંદ કર્યો?

આ શોમાં તમને એક વિયર્ડ કૉમ્બિનેશન જોવા મળશે. લગ્નમાં નાના-નાના ઘણા કિસ્સાઓ થતા જોવા મળે છે જે મોટા ભાગે ફની હોય છે. લગ્નમાં ભાગ્યે જ કોઈ સિરિયસ ઘટના થતી હોય, પરંતુ આ ફની વાતોને ખૂબ જ સરસ રીતે આ શોમાં વણી લેવામાં આવી છે. તેમ જ આ સ્ટોરીની સાથે મારું પાત્ર પણ ખૂબ જ સરસ છે.

તું ગુજરાતી એલિયનનું પાત્ર ભજવી રહ્યો છે એ વિશે જણાવ.

હું ગુજરાતી એલિયન છું, પરંતુ હવે માણસનું રૂપ ધારણ કરી લીધું છે. અમને પૃથ્વી પર શું થઈ રહ્યું છે એ વિશે કંઈ ખબર નથી હોતી અને એથી જ અમે લગ્નમાં કેવી રીતે બંધ બેસીશું એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ કન્સેપ્ટ મને ખૂબ જ પસંદ પડ્યો છે. મને ખબર છે કે આ પાત્ર ગુજરાતી છે, પરંતુ મને ગુજરાતી હોવાનો ગર્વ છે.

આ શોમાં તારી પાસે શું સુપરપાવર છે?

હું આ શોમાં ખૂબ જ ઝડપથી ભાગી શકું છું. ‘શક્તિમાન’ અને ‘ફ્લેશ’ની જેમ મારી પાસે પણ એવો જ સુપર પાવર છે.

તારી પાસે સુપરપાવર તો છે, પરંતુ એમાં કોઈ માઇન્સ પૉઇન્ટ છે?

મારા પાત્રને લૅન્ગ્વેજ ડિફર્મિટી છે એટલે કે બોલવામાં પ્રૉબ્લેમ થાય છે. મારે કહેવું હોય કે આજે જમવામાં ખમણ-ઢોકળાં બનાવ્યાં છે તો હું કહીશ કે આજે ટમન-ઢોઢલા બનાવ્યાં છે. એ પહેલા બે શબ્દને મિક્સ કરી નાખે છે અને એને સમજાતું જ નથી.

આ પાત્રમાં ફની શું છે?

મારું પાત્ર દરેક વખતે એક નવી લાઇન બોલતું જોવા મળશે. શોમાં હું એક જ વાત છે બાપુ, એક જ વાત છે નણદોઈ, એક જ વાત છે કાકા એમ નવાં-નવાં વાક્યો બોલતો જોવા મળીશ. મહિલાઓ માટે પણ હું એક જ વાત છે મોટી વહુ, એક જ વાત છે નવી વહુ જેવાં વાક્યોનો ઉપયોગ કરીશ.

તારી સાથે અન્ય કેટલા એલિયન છે અને એ ક્યાંના છે?

મારી સાથે આ શોમાં ટોટલ ચાર એલિયન છે. હું ગુજરાતી છું. અન્ય એક છોકરી છે તે ભોજપુરી છે. અન્ય એલિયન દિલ્હીનો છે અને પંડિત બનેલો એલિયન હિન્દી બોલે છે. આ ચારેય એલિયન જ્યારે ઑનસ્ક્રીન ત્યારે અલગ-અલગ ભાષા સાંભળવા મળશે. જોવા જઈએ તો આ શોની USP પણ છે.

આ પણ વાંચોઃ બે વર્ષ બાદ નાના પડદે પાછો ફરશે 'ટપુડો', જુઓ ફોટોઝ

તારે હવે કેવાં પાત્રો ભજવવાં છે?

મારે હવે પોતાની જાતને એક્સપ્લોર કરવી છે. મને ખબર છે કે હું ઘણુંબધું કરી શકું છું અને એ તરફ પ્રયાણ કરી રહ્યો છું. શું કરવું અને શું નહીં એ વિશે પણ હું ખૂબ જ ધ્યાન રાખું છું. હું નવાં-નવાં પાત્રો કરવા માગું છું અને એમાંથી શીખવા માગું છું.

 

Bhavya Gandhi television news