‘ખાલી પીલી’ રિવ્યુ: ટૉપ સ્પીડ, પરંતુ સ્ટોરીમાં દમ નથી

06 October, 2020 12:38 PM IST  |  Mumbai | Harsh Desai

‘ખાલી પીલી’ રિવ્યુ: ટૉપ સ્પીડ, પરંતુ સ્ટોરીમાં દમ નથી

‘ખાલી પીલી’ માં ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડે

ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડેની ‘ખાલી પીલી’ને પે-પર-વ્યુ કન્સેપ્ટ હેઠળ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને ઑનલાઇનની સાથે અમેરિકા અને ન્યુ ઝીલૅન્ડ જેવા ઘણા દેશમાં રિલીઝ કરવામાં આવી છે જ્યાં થિયેટરને છૂટ મળી છે. ઇન્ડિયામાં પણ ઓપન-થિયેટરમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. 1980 અને 1990ના દાયકાની સ્ટોરીને એક અલગ જ અંદાજમાં અને અત્યારની સ્ટાઇલમાં કહેવાની કોશિશ કરવામાં આવી છે. એક સંપૂર્ણ મસાલા ફિલ્મ છે જેને મકબૂલ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી બ્લૅકી એટલે કે વિજય ચૌહાણ એટલે કે ઈશાન ખટ્ટર અને પૂજા એટલે કે અનન્યા પાન્ડેની આસપાસ ફરે છે. બ્લૅકી એક લોકલ ગુંડા અને વેશ્યાવૃત્તિ કરતા દલાલ યુસુફભાઈ એટલે કે જયદીપ અહલાવતની છત્રછાયામાં મોટો થાય છે. જોકે યુસુફભાઈને ત્યાં એક નાની છોકરી આવે છે અને તેના બિઝનેસ પાર્ટનરને તે પસંદ પડે છે. અઢાર વર્ષની થાય ત્યારે તેની સાથે લગ્ન કરાવવા માટે તે યુસુફભાઈને કહે છે. પૂજા અને બ્લૅકી જ્યારે નાનાં હોય ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે. જોકે યુસુફભાઈના ધમકાવવાથી બ્લૅકી પૂજાને છોડીને ભાગી જાય છે. વર્ષો બાદ તેઓ ફરી મળે છે. જોકે તેમને પહેલાં ખબર નથી હોતી કે તેઓ બાળપણનાં પ્રેમી છે. આ કોઈ જૂના જમાનાની સ્ટોરી કહેવી ખોટી નથી, પરંતુ એને નવી રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રેમ, કપટ, મારપીટ બધું જ છે.

મકબૂલ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી સ્ટોરી શરૂઆતમાં ખૂબ જ સારી રીતે ચાલે છે. ઇન્ટરવલ સુધી ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ ત્યાર બાદ એ ધીમે-ધીમે ટ્રૅક પરથી ઊતરી જાય છે. મકબૂલ ખાને તેના ડિરેક્શન દ્વારા ખૂબ જ સારું કામ કર્યું છે અને એક કમજોર સ્ટોરીને દર્શકો પસંદ કરે એ માટે તેમનાથી બનતા તમામ પ્રયત્નો તેમણે કર્યા છે. જોકે સ્ટોરી જ સારી ન હોય તો ડિરેક્ટર પણ કંઈ કરી શકે એમ નથી. સીમા અગરવાલ અને યશ કેશવાણીએ સ્ક્રીન પ્લેને ખૂબ જ સારી રીતે લખ્યો છ જેથી ટૉપ ગિયરમાં સ્ટોરી ચાલતી રહે છે. તેમ જ તેમણે સૂરજ ગિયાનાની સાથે મળીને ડાયલૉગ લખ્યા છે. કેટલાક ડાયલૉગ એટલે કે વન લાઇનર ખૂબ જ સારા છે. જોકે ઈશાન અને અનન્યાની ટપોરી સ્ટાઇલ જોઈએ એટલી સુઘડ નથી.

ઈશાન ખટ્ટર સારી ઍક્ટિંગ કરી જાણે છે, પરંતુ તેણે હજી કામ કરવું પડશે. તેને આ ફિલ્મમાં કામ કરવાની સારી તક મળી હતી, પરંતુ સ્ટોરીની ડિમાન્ડ એટલી ખાસ નહોતી. તે ડાન્સ અને ઍક્શનમાં પણ સારો છે, પરંતુ આ ફિલ્મમાં એ પણ એટલું ખાસ નથી. સ્ટોરીનો એન્ડ પણ પ્રિડિક્ટેબલ હતો અને ઍક્શન પણ કોઈ ખાસ નહોતી. બીજી તરફ અનન્યા પાન્ડેએ સારી ઍક્ટિંગ કરી હતી. તેના એક્સપ્રેશન અને ડાયલૉગ ડિલિવરીમાં પહેલાં કરતાં સુધારો જોવા મળ્યો હતો. જોકે ફિલ્મ અને સ્ટોરીમાં તેના પાત્રને વધુ મહત્ત્વ આપવામાં નહોતું આવ્યું. તેની પાસે છેલ્લે એક-બે ઍક્શન દૃશ્ય કરાવ્યાં હતાં, પરંતુ એમાં એટલો દમ નહોતો. એ માટે વાયરનો ઉપયોગ કર્યો હોવાનું દેખાઈ આવે છે. જયદીપ અહલાવતના પાત્રને પણ સ્ટોરીને કારણે વધુ મહત્ત્વ નથી મળ્યું. તે પણ પોતાની ઍક્ટિંગની કુશળતા આમાં દેખાડી નથી શક્યો. સતીશ કૌશિકનો કૅમિયો વગર કામનો લાગી રહ્યો હતો.

ફિલ્મનું મ્યુઝિક વિશાલ-શેખરે આપ્યું છે જેમાં વધુ દમ નથી. ‘દુનિયા શરમા જાએગી’ ફિલ્મમેકર્સ માટે ફિલ્મની હાઇલાઇટ હતી, પરંતુ એ પણ એટલું ખાસ નહોતું. તેમ જ ‘શના દિલ’ અને ‘તહસ નહસ’માં પણ એટલો દમ નથી. તેમ જ ગીતને જબરદસ્તી બેસાડવામાં આવ્યું હોય એવું લાગે છે. ગીતો કરતાં ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું હતું.

ફિલ્મને કહેવાની રીત અને સિનેમૅટોગ્રાફીને કારણે ફિલ્મ જોઈ શકાય છે. મોટા ભાગની ફિલ્મનું શૂટિંગ રાતે કરવામાં આવ્યું છે જેથી એક ડાર્ક ટોન આવી જાય છે. જોકે મુંબઈને રાતે જ જોવાનું વધુ સારું લાગે છે. લૉકડાઉનને કારણે ઘરે બેસીને ફિલ્મ જોવામાં કોઈ વાંધો નથી જો કોઈ પણ પ્રકારની આશા વગર ફિલ્મ જોવામાં આવે તો. તેમ જ પે-પર-વ્યુઝને કારણે પણ આ ફિલ્મની વ્યુઅરશિપ પર અસર પડશે એવું લાગી રહ્યું છે. 

entertainment news bollywood bollywood news bollywood movie review harsh desai ishaan khattar Ananya Panday