ફિક્શન કરતાં વધુ રિયલ લાગતી સ્ટોરી

26 July, 2020 08:10 AM IST  |  Mumbai | Harsh Desai

ફિક્શન કરતાં વધુ રિયલ લાગતી સ્ટોરી

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ગઈ કાલે જ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને જૉન ગ્રીનની ૨૦૧૨માં આવેલી નૉવેલ ‘ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ’ પરથી બનાવવામાં આવી છે. આ પહેલાં પણ હૉલીવુડમાં એ જ નામની ફિલ્મ ૨૦૧૬માં બની હતી. સુશાંતે ઇમૅન્યુઅલ રાજકુમાર જુનિયર જેને મેનીના નામથી ઓળખતા હોય તેનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સંજના સાંઘીએ કિઝી બાસુનું પાત્ર ભજવ્યું છે. મેનીને કૅન્સર હોય છે અને તે થાઇરૉઇડ કૅન્સર પેશન્ટ કિઝીને લાઇફ કેવી રીતે જીવવી એ શીખવાડતો હોય છે. આ દરમ્યાન તેઓ પ્રેમમાં પડે છે. યુવાન કપલ જેમની પાસે ખૂબ ઓછું જીવન હોય છે અને તેઓ કેવી રીતે લાઇફને માણે છે એની આ સ્ટોરી છે.

આ ફિલ્મ દ્વારા કાસ્ટિંગ-ડિરેક્ટર મુકેશ છાબરાએ બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે એન્ટ્રી કરી છે. મુકેશ છાબરા અને સ્ક્રીન-રાઇટર્સ શશાંક ખૈતાન અને સુપ્રોતિમ સેનગુપ્તા જોઈએ એવી સ્કિલ નથી દેખાડી શક્યા. મુકેશ છાબરાના ડિરેક્શનમાં ખૂબ જ ખામી જોવા મળે છે. તેણે તમામ પાત્રો વચ્ચે એક ઑર્ગેનિક રિલેશન બનવાં જોઈએ એ નથી બનવા દીધાં તેમ જ સ્ટોરીને ખૂબ જ સ્પીડમાં ભગાડવાની કોશિશ કરી હોય એવું લાગે છે. કિઝીના પેરન્ટ્સ પણ તેની બીમાર દીકરીને કેવી રીતે ટ્રીટ કરે છે અને કેવી રીતે સપોર્ટ કરે છે એ પણ વધુ સારી રીતે દેખાડી શકાયું હોત. કિઝી કેમ મેનીના પ્રેમમાં પડે છે એને પણ ઉપરછલ્લું દેખાડવામાં આવ્યું છે. મુકેશ છાબરા પાસે સ્ટોરી સારી હતી, પરંતુ એને એક્ઝિક્યુશન તે સારી રીતે નથી કરી શક્યો તેમ જ ફિલ્મમાં કિઝી અને મેની પૅરિસ જવાનાં હોય છે અને એ દૃશ્યોને પણ એક સૉન્ગના રૂપમાં તરત પૂરાં કરી દેવામાં આવ્યાં છે. તેમની લવ-સ્ટોરીને પણ પૂરતો ન્યાય નથી મળ્યો.

સુશાંતે તેના પાત્રને ખૂબ દિલથી નિભાવેલું જોવા મળે છે. તેને જોઈને ઘણી વાર લાગે છે કે આ ફિક્શન સ્ટોરી છે કે તેની રિયલ સ્ટોરી. ઘણાં દૃશ્યો એવાં છે કે એમાં તે તેની સ્ટોરી કહેતો હોય એવું લાગે છે. શરૂઆતમાં તેને એકદમ ફ્લર્ટ કરતો દેખાડવામાં આવ્યો છે, પરંતુ જેમ-જેમ સ્ટોરી આગળ વધતી જાય છે તેમ-તેમ તેનું પાત્ર વધુ સારું બનતું જાય છે. દરેક ફિલ્મની જેમ સુશાંતે આ પાત્રમાં પણ જીવ રેડી દીધો છે તેમ જ તે જ્યારે-જ્યારે ફ્લર્ટ કરે છે ત્યારે તેના ચહેરાના હાવભાવ અને બૉડી-લૅન્ગ્વેજ જોવા જેવી છે. તે રિયલ લાઇફમાં જે રીતે બિન્દાસ, પરંતુ સમજી-વિચારીને કામ કરનાર વ્યક્તિ હતો એવું જ પાત્ર આ ફિલ્મમાં પણ જોવા મળે છે. બીજી તરફ સંજના સાંઘીએ એક બીમાર વ્યક્તિનું પાત્ર સારું ભજવ્યું છે. તેની પાસે કોઈ ખાસ ડાન્સ કરાવવામાં નથી આવ્યો. જોકે ઇમોશન્સ અને ડાયલૉગ-ડિલિવરી આ પાત્ર મુજબ તેણે સારાં કર્યાં હતાં. તેમની વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ સારી છે. આ સાથે જ સુશાંતના બેસ્ટ ફ્રેન્ડ જેપીનું પાત્ર ભજવનાર સાહિલ વૈદે પણ સારું કામ કર્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાને નાનકડું પાત્ર ભજવ્યું છે. આ પાત્રને પણ સારી રીતે લખી શકાયું હોત. સૈફ અલી ખાન પણ તેના દર્દને સારી રીતે રજૂ નથી કરી શક્યો. તેની બૅક સ્ટોરીને પણ એટલી સારી રીતે કહેવામાં નથી આવી.

આ ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહમાને આપ્યું છે. ફિલ્મના આલબમમાં ઘણા સારા-સારા સિંગરે ગીત માટે અવાજ આપ્યો છે. જોકે એ. આર. રહમાનના ગીતની એક ખાસિયત છે કે એક-બે વાર સાંભળ્યા પછી જ તેમનાં ગીત લોકોને ગમે છે તેમ જ ગીતનો ઑડિયો સાંભળવા કરતાં એનો વિડિયો જોવો વધુ ગમે છે. ‘દિલ બેચારા’નાં ગીત સાથે પણ એવું જ છે. આ ગીતો ફિલ્મની સ્ટોરીને બાંધી રાખે છે.

નોંધ: સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ હોવાથી રિવ્યુને સ્ટાર આપવામાં નથી આવ્યા.

entertainment news bollywood bollywood movie review dil bechara sushant singh rajput sanjana sanghi mukesh chhabra harsh desai