રામ મોરીની ટૂંકી વાર્તા ‘એકવીસમું ટિફિન’ હવે ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ

14 August, 2020 09:14 PM IST  |  Mumbai | Chirantana Bhatt

રામ મોરીની ટૂંકી વાર્તા ‘એકવીસમું ટિફિન’ હવે ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ

રામ મોરી અને વિજયગીરી બાવા- ફાઇલ તસવીર

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા લેખક રામ મોરીના કામથી કોણ વાકેફ નથી. તેમનાં પુસ્તક મહોતુંમાં સાત તળપદી માહોલની વાર્તાઓ છે અને સાત શહેરી સેટ-અપની વાર્તાઓ છે. આ જ પુસ્તકમાં એક વાર્તા છે 'એકવીસમું ટિફિન' અને હવે જલ્દી જ નેશનલ એવોર્ડ વિજેતા એવી આ વાર્તા પરથી ફુલ લેન્થ ફિલ્મ બનવા જઇ રહી છે જેનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. વિજયગીરી ફિલ્મોઝ સાથે રામ મોરીનું આ ત્રીજું કોલાબરેશન છે. વિજયગીરી ફિલ્મોઝની પહેલી ફિલ્મ હતી પ્રેમજીઃ રાઇઝ ઑફ અ વૉરિયર. ત્યાર બાદ રામ મોરી સાથે લોંગ શોર્મટ ફિલ્મ 'મહોતું'થી તેમની જોડી જામી અને પછી  'મોન્ટુની બિટ્ટુ'માં તેમણે ફરી સાથે કામ કર્યું છે. 'એકવીસમું ટિફિન' તેમનું ત્રીજું કોલાબરેશન છે. વિજયગીરી ફિલ્મોઝની પહેલી ફિલ્મ પ્રેમજીને સ્ટેટ ગવર્મેન્ટ તરફથી ઘણા એવોર્ડ્ઝ મળ્યા હતા અને મોન્ટીની બિટ્ટુ ફિલ્મ પણ ગુજરાતી ફિલ્મ એવોર્ડ વિશ્વમાં ખાસ્સી ગાજી હતી. વિજયગીરી ફિલ્મોઝ માસ અને ક્લાસ બંન્નેને અપીલ કરે તેવી ફિલ્મો બનાવા માટે પ્રચલિત છે. 

આ વિષે ગુજરાતી મિડ-ડે.કોમ સાથે વિશેષ વાત કરતા રામ મોરીએ જણાવ્યું કે, “કોઇપણ લેખક માટે પોતાની વાર્તાને મોટા પડદે કોઇન અનોખા ડિરેક્ટોરિયલ વિઝનથી જોવી એ પણ એક અનોખો લાહવો છે. વિજયગીરી બાવા સાથે મળીને 'એકવીસમું ટિફિન'ના સ્ક્રિનપ્લે પર ખુબ કામ કર્યું છે. મારી વાર્તા પરથી ફિલ્મ બને ત્યારે એક લેખક તરીકે પોતાનું સંતાન દેવકી જશોદાને સોંપતી હોય તેવી લાગણી થાય છે. હું બહુ એક્સાઇટેડ છું કે આ વાર્તા જે માનવીય સંવેદનોની વાત કરે છે તે મોટા પડદા પર દર્શકોને જોવા મળશે.”

ફિલ્મમાં  નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર અભિનય કરશે. ફિલ્મના પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા છે તથા ફિલ્મનો સ્ક્રિન પ્લે રામ મોરી તથા વિજયગીરી બાવાએ સાથે મળીને લખ્યો છે તો વાર્તા, ડાયલોગ્ઝની જવાબદારી રામ મોરીએ ઉપાડી છે. આ ફિલ્મ 2021માં દર્શકોને જોવા મળશે જેનું શૂટિંગ આવતા મહીનામાં અમદાવાદમાં જ શરૂ થવાનું છે.

Raam Mori dhollywood news