Lockdown Effects: ઘરે બેઠાં માણો ગુજરાતી નાટક 'મારા અસત્યના પ્રયોગો'

06 May, 2020 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lockdown Effects: ઘરે બેઠાં માણો ગુજરાતી નાટક 'મારા અસત્યના પ્રયોગો'

નાટકમાં એકપાત્રીય અભિનય કરે છે પરેશ વોરા

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે લોકોને ઘરમાં જ રહેવા માટે પ્રેરિત કરવા માટે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી દ્વારા નવી નવી એક્ટિવિટિઝ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કરવાના સતત પ્રયત્નો ચાલુ જ છે. હવે આ કડીમાં થિયેટર પણ જોડાય ગાય છે અને તેઓ ડિજીટલ નાટકો દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યાં છે.

નાટકોએ ડિજીટલ ડેબ્યુ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કરવાનો અનોખો પ્રયાસ Brainbox Studioએ કર્યો છે. એનસીપીએ થિયેટર ફેસ્ટિવલ, કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ, પૃથ્વી થિયેટર ફેસ્ટિવલ જેવા ફેસ્ટિવલોમાં પસંદગી પામનાર એક પાત્રીય નાટક 'મારા અસત્યના પ્રયોગો'એ ડિજીટલ ડેબ્યુ કર્યું છે. નાટકનું લેખન ડૉક્ટર જયંતી પટેલ ઉર્ફ રંગલોએ કર્યું છે. દિગ્દર્શન પ્રિતેશ સોઢાનું છે અને અભિનય પરેશ વોરાએ કર્યો છે.

નાટકના નિર્માતાઓનું માનવું છે કે, જો તમને ગાંધી ગમે છે, તો તમને આ નાટક ગમશે, અને જો તમે ગાંધીને નફરત કરતાં હશો, તો પણ તમને આ નાટક ચોક્કસ ગમશે. આ એક પાત્રીય નાટક ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ છે કે, જ્યારે આખો દેશ અસત્યના આરે બેસી ગાંધી જયંતિની ઉજવણી કરી રહ્યું છે.વર્તમાન સમયમાં સત્યને પામવા માટે અસત્ય જ એક એવો રસ્તો છે કે જેને અંતે સત્ય છુપાયેલું છે. જે તે સમયે ગાંધીજી ના સત્યના પ્રયોગો સફળ રહ્યા છે, પણ, અહીં રંગલો વર્તમાન પરિસ્થિતિઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં મુકાયેલો છે અને એટલે જ એ સત્ય × અસત્ય વચ્ચે ગડમથલમાં છે. આ નાટક ડૉ.જેન્તી પટેલ ઉર્ફ રંગલો દ્વારા 70ના દાયકામાં લખાયેલું છે. અભિનેતા પરેશ વોરા દ્વારા જ આ નાટકને સમકાલીન સમયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જે અત્યારના સિન્થેટિક જગતનું એક ઓર્ગેનિક નાટક છે.

પહેલી મે એ નાટકનું ડિજીટલ ડેબ્યૂ થયા બાદ દિગ્દર્શક પ્રિતેશ સોઢાએ કહ્યું હતું કે, યુ ટયુબ જેવા ડિજીટલ પ્લેટફોર્મ પર 550 થી વધુ પ્રેક્ષકો એકસાથે આખું નાટક જોતા હોય તેને હાઉસફુલ શો બરાબર જ કહેવાય. પ્રેક્ષકોનો આ રીતે પ્રતિસાદ મળી રહેશે તો હંમેશા અવનવા પ્રયોગો કરતાં જ રહીશું.

ડિજીટલ પ્લેટફોર્મ પર રિલિઝ થનાર નાટક 30 મે સુધી યુ ટયુબ પર અવેલેબલ રહેશે. જેથી પ્રેક્ષકો ઘરે રહીને પણ નાટકનો આનંદ માણી શકે.

coronavirus covid19 entertainment news dhollywood news prithvi theatre