નાટક : ચંદ્રકાંત બક્ષી જ્યારે ગુજરાતી રંગભૂમિ પર અવતાર ધારણ કરે છે

15 June, 2013 04:44 AM IST  | 

નાટક : ચંદ્રકાંત બક્ષી જ્યારે ગુજરાતી રંગભૂમિ પર અવતાર ધારણ કરે છે



શિશિર રામાવત

‘જીવન એક યુદ્ધ છે અને યુદ્ધ જીતવાનો નિયમ બૉક્સિંગ રિંગનો છે. બૉક્સિંગમાં જે મારે છે તે જીતતો નથી, જે વધારે માર ખાઈ શકે છે તે જીતે છે. જે તૂટતો નથી તે જીતે છે. જે પછડાઈ ગયા પછી ફરી ઊભો થઈને મારે છે તે જીતે છે. જીતની એક ક્ષણ માટે છ મહિના સુધી હારતાં રહેવાનું જક્કીપણું હોય તે જીતે છે.’

આ મર્દાના ભાષા અને આક્રમક મિજાજ સાથે એક તેજસ્વી નામ જોડાયેલું છે - ચંદ્રકાંત બક્ષી. ગુજરાતી સાહિત્યજગત અને છાપાં-સામયિકોના કૉલમ-વિશ્વમાં ટોચનું સ્થાન મેળવનાર બક્ષીબાબુ આજીવન તરંગો જન્માવતા રહ્યા. હવે તેઓ ગુજરાતી રંગભૂમિ પર ત્રાટકી રહ્યા છે. લેખક તરીકે નહીં, પણ સ્વયં કિરદાર બનીને. તેમના જીવન અને કાર્યને આલેખતા આ નાટકનું નામ સૂચક છે - ‘હું ચંદ્રકાંત બક્ષી...’ અહીં એકાક્ષરી ‘હું’ શબ્દનો ધનુષ્યટંકાર મહત્વનો છે. ચંદ્રકાત બક્ષીનું સમગ્ર વ્યક્તિત્વ, તેમનું સઘળું સાહિત્ય આ ‘હું’માંથી પ્રગટ્યું છે. નાટકના પ્રારંભમાં જ એક સંવાદમાં તેઓ ગર્વિષ્ઠ ભાવે કહે છે :

‘હું... આ એકાક્ષરી શબ્દમાં મને એક વિરાટ અહંનાં દર્શન થાય છે. અહં... ઈગો... અહંકાર! મને ‘અહંકાર’ શબ્દ ‘ઓમકાર’ જેટલો જ સ-રસ લાગ્યો છે. અહંકાર એક ગુણ છે. તૂટેલા માણસને એક વસ્તુ ટકાવી રાખે છે - તેનો અહં. ‘અહં બ્રહ્માસ્મિ’નો અર્થ આવો જ કંઈક થતો હશે!’

ચંદ્રકાંત બક્ષી (જન્મ : ૨૦ ઑગસ્ટ ૧૯૩૨, મૃત્યુ : ૨૫ માર્ચ ૨૦૦૬)નું બાળપણ અને તરુણાવસ્થા પાલનપુર તેમ જ કલકત્તામાં એકસાથે, લગભગ સમાંતરે વીત્યાં. તેમની યુવાનીનાં સંઘર્ષમય વર્ષો પર કલકત્તા છવાઈ ગયું હતું. કલકત્તાને તેઓ પોતાનું પિયર કહેતા. અહીંના સોનાગાછી નામના બદનામ વેશ્યા-વિસ્તારમાં, બંગાળી વેશ્યાઓના પાડોશમાં મકાન ભાડે રાખીને તેઓ રહ્યા છે. બક્ષીબાબુના જીવનના પૂર્વાર્ધના ઘટનાપ્રચુર અગુજરાતીપણાએ તેમની કલમને અત્યંત તાજગીભરી અને અનોખી બનાવી દીધી. વતનથી દાયકાઓ સુધી દૂર રહેલા બક્ષીબાબુ આજીવન ગુજરાતને, ગુજરાતી ભાષાને અને ગુજરાતી પ્રજાને દિલ ફાડીને પ્રેમ કરતા રહ્યા. કલકત્તા છોડીને તેઓ સપરિવાર મુંબઈ સેટલ થયા અને પાછલાં વર્ષોમાં અમદાવાદ. મુંબઈ વિશે તેઓ કહે છે :

‘મુંબઈ ક્રૂર શહેર છે, માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે, પણ મારા રક્તમાં પાલનપુર અને કલકત્તા હતાં એટલે મુંબઈ મને તોડી શક્યું નહીં. નહીં તો તૂટી જવાની બધી જ સામગ્રી આ ભૂમિમાં હતી.’

મુંબઈમાં તેમના જીવનની સંભવત: સૌથી મોટી દુર્ઘટનાઓ બની. એક તો તેમની ‘કુત્તી’ નામની વાર્તા માટે ગુજરાત સરકારે કરી દીધેલો અશ્લીલતાનો કેસ, જે ચાર વર્ષ ચાલ્યો અને જેણે બક્ષીને ખુવાર કરી નાખ્યા. બીજો કિસ્સો એટલે સાધના કૉલેજના પ્રિન્સિપાલપદ પરથી થયેલી તેમની હકાલપટ્ટી. આ દુર્ઘટના એક જમાનામાં ફુલ મૅરથૉન-રનર રહી ચૂકેલા કસરતબાજ બક્ષીબાબુ માટે મૅસિવ હાર્ટ-અટૅકનું કારણ બની ગઈ. ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકમાં પાલનપુર, કલકત્તા, મુંબઈ અને અમદાવાદમાં ફેલાયેલા તેમના જીવનનો તબક્કાવાર આલેખ નાટ્યાત્મક શૈલીમાં રજૂ થયો છે.

ચંદ્રકાંત બક્ષીએ અનેક વિષયો પર પુષ્કળ લખ્યું, આજીવન લખ્યું; કોઈની સાડીબારી રાખ્યા વગર, વિવાદોની ચિંતા કર્યા વગર બિન્દાસપણે લખ્યું. તેમનો આ ઍટિટ્યુડ શરૂઆતથી જ રહ્યો હતો. આજથી સાઠેક વર્ષ પહેલાં બક્ષીબાબુ જ્યારે ખુદ ગુજરાતી સાહિત્યમાં નવોદિત લેખક હતા ત્યારે તેમને કેવી સમસ્યાઓ હતી? તે ઉંમરે થોડોક કકળાટ કર્યો છે :

‘ગુજરાતી સાહિત્ય બહુ સીમિત છે. રશિયાના સ્ટાલિનયુગ જેવું. સેક્સ, સેડિઝમ, હત્યા, ઈષ્ર્યા, તીવ્ર ઇચ્છાઓ, હિંસા, શિકાર, જુલમ, ખુનામરકી આ બધું કોઈ વાર્તામાં આવતું નથી. ગુજરાતી વાર્તાજગત એટલું બધું સરસ છે કે આવું કંઈ બનતું જ નથી. ક્યારેક મને લાગે છે કે હું પાગલખાનામાં ઘૂસી ગયેલા સ્વસ્થ માણસ જેવો છું. હું મારી નાયિકાને તેના બેડરૂમમાં પણ બ્લાઉઝ ખોલાવી શકતો નથી, કારણ કે સાહિત્યના બૉસ લોકોને એ પસંદ નથી. તેમને સ્ટવની સામે બેઠેલી મુરઝાયેલી નાયિકા જોઈએ છે. બાજુમાં ત્રણ સુકલકડી બચ્ચાં હોય, જાડો પતિ તડકામાં ઊભો-ઊભો દાતણ કરતો હોય; આ જાતનું ચિત્રણ બુઢ્ઢાઓ માટે છે, જે પચીસ વર્ષોથી લખ-લખ કરીને હજી થાક્યા નથી. મારા માટે તો ઉપરથી ખૂલી ગયેલા બ્લાઉઝવાળી ભરપૂર સ્ત્રી લાપરવાહ રીતે વાળ ઓળી રહી છે. મારો ટ્રક-ડ્રાઇવર ગ્લાસમાં ચા પીતો-પીતો મજબૂત સ્ત્રી સામે જોઈને કૉમેન્ટ કરે છે તો હું તેને રોકતો નથી. તે કોઈ આશ્રમનો અંતેવાસી નથી, તે ભૂદાનનો કાર્યકર નથી. ગુજરાતી સાહિત્યના ‘ટૉપ ડૉગ્ઝ’ને આ બધામાંથી અરુચિકર વાસ આવ્યા કરે એ સ્વાભાવિક છે. મારી પ્રથમ નવલકથા ‘પડઘા ડૂબી ગયા’ તરત જ ‘હિટ’ થઈ, કારણ કે ગુજરાતી ભાષામાં આ જાતનું લખાયું નહોતું. ફિરાક ગોરખપુરીની ભાષામાં કહીએ તો ગુજરાતી સાહિત્યના હમામમાં કોઈ નાગો માણસ કૂદી પડ્યો હતો!’

‘પડઘા ડૂબી ગયા’માં તદ્દન નવી

અ-ગુજરાતી દુનિયા ખૂલી ગઈ, જે આ પહેલાં કોઈ ગુજરાતી લેખકે જોઈ નહોતી. એની ભાષા જુદી હતી, પાત્રો અસ્તિત્વવાદી હતાં. એમાં હિંસા હતી, મૂલ્યોના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. ‘પડઘા ડૂબી ગયા’ પછી, બક્ષીબાબુના શબ્દોમાં જ કહીએ તો ગુજરાતી નવલકથા સાહિત્યનું ચક્કર ૩૬૦ ડિગ્રી ફરી ગયું. કદાચ આ પહેલી જ નવલકથાથી તેઓ ગુજરાતી સાહિત્યના બ્લૅક લિસ્ટ પર મુકાઈ ગયા હતા.

ચંદ્રકાંત બક્ષી પાલનપુરી જૈન હતા, પણ તેઓ ખુદને અ-જૈન તરીકે ઓળખાવતા. તેમના તેજાબી હિન્દુત્વવાદી વિચારો જાણીતા છે. બે-મોઢાંળા દંભી સુડો-સેક્યુલરિસ્ટોને તેઓ સતત ફટકારતા રહ્યા. તેમના ચમકાવી મૂકે એવા અણિયાળા વિચારો આ નાટકમાં ચાબુકની જેમ વીંઝાયા કરે છે.

૧૬૧ પુસ્તકોના આ લેખક આ નવા ગુજરાતી નાટકનો વિષય બન્યા છે, પણ મજાની વાત એ છે કે તેમને ખુદને મુંબઈનાં નાટકો પ્રત્યે ભારે ચીડ હતી! તેમણે શબ્દો ર્ચોયા વગર કહ્યું છે:

‘મુંબઈમાં નાટકો બહુ ઓછાં આવે છે, પણ ચેટકોની ભરમાર થઈ ગઈ છે. થોડાં ડૂસકાં, થોડા ટુચકા, થોડા દ્વિઅર્થી વન-લાઇનર્સનું મિશ્રણ હલાવીને ઉપરથી અહિંસક સેક્સ સ્પ્રે કરે એટલે ચેટક તૈયાર! અને જેમ કરિયાણાબજારમાં ઉકાળેલી ચાના ઘરાકો એ જ ચા પીવાના બંધાણી થઈ ગયા છે એમ આ ચેટકો ચાટનારા ચેટકતલબીઓ દુકાન ખૂલે એટલે ગલ્લો છલકાવવા હાજર થઈ જાય! આ છે મુંબઈના ગુજરાતીઓના ચેટકબજારની અસ્મિતા! ચેટકબજારમાં ગલ્લો છલકાવવો બહુ કઠિન કામ નથી, જો તમે તમારા ઘરાકોનો ‘ટેસ્ટ’ સમજી લો તો... જે રીતે બટાટાવડા વેચનારા સમજી લે છે.’

આઇડિયાઝ અનલિમિટેડ બૅનર

હેઠળ બનેલા ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકના નિર્માતા-નર્દિશક મનોજ શાહ છે. તેઓ

‘મિડ-ડે’ને કહે છે, ‘ચંદ્રકાંત બક્ષી એ માણસ છે જેણે ‘મહાજાતિ ગુજરાતી’ શબ્દ આપણી પ્રજાને આપ્યો છે. તેમણે ગુજરાતીઓમાં ગુજરાતીપણાનો, આપણા હોવા વિશેનો ગર્વ તીવ્ર બનાવ્યો છે. કેટલી વિપુલ માત્રામાં ક્વૉલિટી વર્ક કર્યું છે તેમણે. વાર્તાકાર, નવલકથાકાર, ઇતિહાસવિદ, પ્રોફેસર, કૉલમનિસ્ટ... તેમના ગંજાવર કામ તરફ નજર કરીએ તો લાગે કે બક્ષીબાબુ ૭૪ વર્ષ નહીં પણ દોઢસો વર્ષ જીવ્યા હોવા જોઈએ.’

આ એક ફુલ-લેન્ગ્થ નાટક છે, જેમાં મધ્યાંતર નથી. મનોજ શાહ કહે છે તેમ, મળવા જેવા માણસને વિક્ષેપ વગર મળીએ, એકબેઠકે સળંગ મળીએ તો જ દીવા પ્રગટી શકે. ચંદ્રકાંત બક્ષી વિશે નાટક બનાવવું એક જોખમી કામ છે એ બાબતે મનોજ શાહ પૂરેપૂરા સભાન છે. તેઓ ઉમેરે છે. ‘હું જાણું છું કે હું ડેન્જર ઝોનમાં ઊભો છું. મેં અત્યાર સુધીમાં શ્રીમદ્ રાજચંદ્ર, ભરથરી, મણિલાલ નભુભાઈથી લઈને મરીઝ અને કાર્લ માર્ક્સ સુધીનાં કેટલાંય વ્યક્તિવિશેષ પર નાટકો બનાવ્યાં છે; પણ આ બધાં ચાલીસથી લઈને સાડાચારસો વર્ષ પહેલાંનાં પાત્રો છે. તેમના આલેખનમાં હું ઘણી ક્રીએટિવ છૂટછાટ લઈ શકતો હતો, પણ બક્ષી તો હજી હમણાં સુધી આપણી વચ્ચે હતા. લોકોએ તેમને જોયા છે, જાણ્યા છે, સાંભળ્યાં છે, તેમની સાથે ઇન્ટરૅક્ટ કર્યું છે. તેમની પર્સનાલિટી અને ઇમેજને વફાદાર રહીને હું નાટકમાં શું-શું કરી શકું? પ્રેક્ષકોએ તેમને વાંચેલા અને સાંભળેલા છે, છતાંય નાટક જોવા આવે તો તેમને કઈ રીતે કંઈક જુદી, કંઈક નવી અનુભૂતિ થઈ શકે? આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મેં આ ડ્રામામાં બક્ષી અને બક્ષીત્વનું મારી રીતે નાટ્યાત્મક અર્થઘટન કર્યું છે.’

ચાર શહેરોમાં ફેલાયેલા બક્ષીના ઘટનાપ્રચુર જીવન અને તેમની ચિક્કાર લેખનસામગ્રીમાંથી શું લેવું અને કેવી રીતે લેવું એ અમારા માટે મોટો પડકાર બની રહ્યો હતો. આ એકપાત્રી નાટક છે. ચંદ્રકાંત બક્ષીને મંચ પર સાકાર કરનાર તેજસ્વી યુવા અભિનેતા છે પ્રતીક ગાંધી. એક પણ સહકલાકારના સાથ વગર, માત્ર પોતાની અભિનયશક્તિથી દોઢ કલાક કરતાંય વધારે સમય માટે પ્રેક્ષકોને સતત બાંધી રાખવા માટે કેટલી તાકાત અને કૉન્ફિડન્સ જોઈએ એ સમજવું મુશ્કેલ નથી. ‘હું ચંદ્રકાંત બક્ષી...’નું પ્રકાશ-આયોજન અસ્મિત પાઠારેએ અને સંગીત-સંચાલન ઓજસ ભટ્ટે સંભાળ્યું છે.

‘હું ચંદ્રકાંત બક્ષી...’ આજે પૃથ્વી થિયેટરમાં મોડી સાંજે નવ વાગ્યે ઓપન થઈ રહ્યું છે. બીજા બે પ્રીમિયર શો પૃથ્વીમાં જ આવતી કાલે મોડી બપોરે ચાર વાગ્યે અને રાત્રે નવ વાગ્યે યોજાયા છે.