હિતેનકુમાર અને હિતુ કનોડિયા: બીજી વાર ધુરંધરોનો જબ્બર જંગ

26 February, 2023 12:10 PM IST  |  Mumbai | Bhavya Gandhi

‘વશ’ જો જોઈ ન હોય તો આજનો આ આર્ટિકલ ખાસ વાંચો, ‘વશ’ જો જોઈ હોય તો આજનો આ આર્ટિકલ ભૂલ્યા વિના વાંચો

ભવ્ય ગાંધી

પહેલી વાત, આ કોઈ રિવ્યુ નથી અને રિવ્યુ આપવાની કોઈ ઇચ્છા પણ નથી, કારણ કે રિવ્યુ એના થાય જેણે તમને પૈસા બચાવી આપવાનું કામ કરવાનું હોય, જ્યાં પૈસા જબરદસ્ત રીતે વસૂલ થવાના હોય એના રિવ્યુ કરવાના પણ ન હોય.

આમ તો બે વીક થઈ ગયા ફિલ્મ ‘વશ’ જોયાને, પણ સાચું કહું તો હું હજી પણ એના વશમાં છું. શું ફિલ્મ બનાવી છે, અદ્ભુત. સિમ્પલી સુપર્બ. મેકિંગથી માંડીને એની ટ્રીટમેન્ટ, સ્ક્રીનપ્લેથી લઈને એકેક ઍક્ટરની ઍક્ટિંગ અને એ બધાથી પણ આગળ ચડી જાય એવું કૃષ્ણદેવ યાજ્ઞિકનું ડિરેક્શન. હજી ગયા મહિને જ લખ્યું હતું કે ગુજરાતી ફિલ્મો ચેન્જ થઈ રહી છે અને એમાં ‘વશ’નું નામ લીધું હતું, પણ એ સમયે હજી એનો પ્રોમો જ જોયો હતો એટલે વધારે વાત નહોતી કરી, પણ આ વખતે ફિલ્મ જોઈ લીધા પછી એની વધુ વાતો કરવી છે અને એ પણ બે વીક પછી. 

મને અગાઉ જાનકી બોડીવાલા સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. અમે બન્ને ફિલ્મ ‘બઉ ના વિચાર’ નામની ફિલ્મમાં સાથે હતાં. એ ફિલ્મે પણ સારો બિઝનેસ કર્યો હતો, પણ એ યંગસ્ટર્સની ફિલ્મ હતી. પોતાના મનનું કરવા માગતા, પણ સતત અવઢવમાં રહેતા, કન્ફ્યુઝ્‍ડ રહેતા યંગસ્ટર્સને એ વાતનો મેસેજ આપતી ફિલ્મ કે બહુ ના વિચાર, તું તારે જે કરવું છે એના પર કામે લાગી જા. એ ફિલ્મનું ટાઇટલ-સૉન્ગ આજે પણ મારાં ફેવરિટ સૉન્ગના પ્લે-લિસ્ટમાં પહેલા નંબરે છે. એ ફિલ્મ અને એના મેકિંગની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે, પણ એ ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું. અત્યારે આપણે વાત કરવાની છે ‘વશ’ની અને ‘વશ’ની જાનકીની સામે અગાઉની તમામ ફિલ્મોની જાનકીમાં જમીન-આસમાનનો ફરક છે. યસ સર, જમીન-આસમાનનો ફરક છે. જાનકી એક સેકન્ડ માટે પણ કૅરૅક્ટરમાંથી બહાર નથી આવી. એક સેકન્ડ માટે પણ તેણે ડિરેક્ટરલાઇન છોડી નથી. જો તમે અગાઉની જાનકી જોઈ હોય તો ખરેખર તમે શૉક્ડ થઈ જાઓ કે આ એ જ છોકરી છે, જે ક્યુટ અને બબલી હતી. જાનકીએ જે અગ્રેશન ‘વશ’માં દેખાડ્યું છે એ કૃષ્ણદેવ યાજ્ઞિક થકી જ આવેલું છે એવું કહી શકાય. 
એક ડિરેક્ટરના વિઝનમાં આખી ફિલ્મ કેવી રીતે શેપઅપ થયેલી હોય એ જો તમારે જાણવું હોય, શીખવું હોય તો તમારે ‘વશ’ જોવી જ રહી.

‘વશ’માં પાંચ જ કૅરૅક્ટર છે, પણ એ પાંચમાંથી ચાર પાત્રોની આસપાસ ફિલ્મ ફરે છે અને એ ચારેચાર કૅરૅક્ટર જે રીતે ઊપસી આવ્યાં છે એવું ખરેખર ભાગ્યે જ બનતું હોય છે અને હું તો કહીશ કે ગુજરાતી ફિલ્મોમાં તો એવું રૅર જ બન્યું છે, પણ એમાં ‘વશ’ હવે પહેલા નંબરે છે. કૅરૅક્ટર બિલ્ટઅપ કરવાની જે ક્ષમતા કૃષ્ણદેવ યાજ્ઞિકમાં છે એ હિન્દી ફિલ્મોના એ-પ્લસ ગ્રેડ ડિરેક્ટર્સમાં જ જોવા મળતી હોય છે અને એનું પ્રાઉડ ગુજરાતી ઑડિયન્સને હોવું જોઈએ.

‘વશ’ના હિતેનકુમારની તો આપણે અગાઉ થોડી વાત થઈ હતી, પણ ‘વશ’ જોયા પછી લાગ્યું કે હિતેન સર માટે એ જેકંઈ કહેવાયું હતું એ બહુ ઓછું હતું. હિતેન સર રીતસર નવા જ રૂપમાં આવી ગયા છે. વાત થોડી વધારે પડતી લાગી શકે, પણ હું ચોક્કસ કહીશ કે હિતેન સરની આ નવી ઇનિંગ શરૂ થઈ છે. જેમ અમિતાભ બચ્ચનની નવી ઇનિંગમાં આપણને એન્ગ્રી યંગમૅનને બદલે વર્સેટાઇલ બચ્ચન સર જોવા મળ્યા હતા એવું જ હવે હિતેન સરમાં આપણને જોવા મળતું દેખાય છે. ત્રણેક ફિલ્મો તો તેમણે એવી જ કરી છે જેમાં વર્સેટાઇલ હિતેન સર સામે આવ્યા. આપણે આશા રાખીએ કે આ હિતેન સરને એવો રિસ્પૉન્સ મળે કે તે નવા-નવા કૅરૅક્ટર સ્વીકારતા રહે અને લેજન્ડ હિતેનકુમાર આપણને સ્ક્રીન પર દેખાતા રહે.
હિતુ કનોડિયા પણ હૅટ્સ ઑફ બૉસ. હિતુ સર માટે કહેવું પડે કે પેપર પર એ રોલ બહુ સિમ્પલ લાગે અને જ્યારે એવું હોય ત્યારે ઍક્ટર-ડિરેક્ટરે એ રોલને બહાર લાવવા માટે બહુ મહેનત કરવી પડે. કૃષ્ણદેવ યાજ્ઞિકની તો વાત તમને કરી જ કે તેમણે જે રીતે આખી ફિલ્મને શેપઅપ કરી છે એ એક્સલન્ટ છે, પણ યંગ એજ દીકરીના ફાધરના રોલમાં હિતુ સરે જે રીતે પોતાની જાતને પોર્ટ્રેટ કરી છે અને જે શેડ્સ તેણે પોતાના રોલમાં ભર્યા છે એ પુરવાર કરે છે કે હિતુ સરની પણ સેકન્ડ ઇનિંગ કોઈ નવા જ રંગ-રૂપમાં આપણને જોવા મળશે. ‘રાડો’ પછી હિતેન-હિતુ એમ બન્ને ધુરંધરોની આ બીજી ફિલ્મ જોવા મળી અને બન્ને રીતસર એકબીજાની સામે ટકરાતાં સિંહની સ્ટાઇલથી સ્ક્રીન પર દેખાતા હતા. આશા રાખીએ આવી ટક્કર ફરી આપણને બહુ જલદી જોવા મળે અને આપણે ફરી એ ક્રાફ્ટ, એ ઍક્ટરો અને એ પર્ફોર્મન્સને વશ થઈએ.
જો તમે હજી પણ ‘વશ’ ન જોઈ હોય તો પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ, જોઈ આવો. ઇન્ટરવલમાં તમારી બોલતી બંધ થઈ ગઈ હશે એની ગૅરન્ટી હું તમને આપું છું.

dhollywood news Bhavya Gandhi hitu kanodia