મારી 23 વર્ષની કરિયર દાવ પરઃ વિજય રાઝ

13 November, 2020 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મારી 23 વર્ષની કરિયર દાવ પરઃ વિજય રાઝ

ફાઈલ ફોટો

એક્ટર વિજય રાઝની ધરપકડ કરવામાં આવી હતી. વિજય રાઝ પર ક્રૂ મેમ્બરની મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ SP અતુલ કુલકર્ણીએ કહ્યું હતું કે એક્ટર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. વિજય રાઝે મધ્યપ્રદેશમાં ફિલ્મ 'શેરની'ના સેટ પર એક મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી. જોકે આ બાબતે વિજયે પોતાની વાત સામે મૂકી છે.

57 વર્ષીય એક્ટરના મતે તેની 23 વર્ષની કરિયર દાવ ઉપર છે. બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં વિજય રાઝે કહ્યું હતું, 'આજે મહિલાઓની સુરક્ષા સૌથી વધુ મહત્ત્વની છે. મારે પણ 21 વર્ષની દીકરી છે. આથી મને પરિસ્થિતિની ગંભીરતા ખબર છે. હું દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છું. મારી પાસે શબ્દો નથી. આ પરિસ્થિતિ ખતરનાક છે. મેં ઈન્ડસ્ટ્રીને 23 વર્ષ આપ્યા છે. કરિયર માટે ઘણી જ મહેનત કરી છે. શું કોઈ પણ અન્યની કરિયરને નુકસાન પહોંચાડી શકે છે? કોઈએ કહી દીધું અને તમે માની લીધું કે મેં શોષણ કર્યું હતું?'

વિજયે ઉમેર્યું કે, 'બધા જ બીજા પક્ષની વાત જાણ્યા વગર જ ચુકાદો આપી દે છે. કોઈને ફરક જ નથી પડતો કે કેસનો અંતિમ નિર્ણય શું આવે છે? જોકે, જ્યાં સુધી અંતિમ નિર્ણય નથી આવતો ત્યાં સુધી મને આરોપી બનાવી દેવામાં આવ્યો. હજી તો તપાસ પણ શરૂ થઈ નથી. મારી રોજી-રોટી પર અસર થઈ રહી છે તો શું હું વિક્ટિમ નથી? દિલ્હીમાં રહેતા મારા વૃદ્ધ પિતા તથા દીકરી સમાજમાં શું મોં બતાવશે? આ કોઈ વિચારતું નથી.'

ઘટના બાબતે વિજયે કહ્યું કે, 'હું આ ક્રૂ સાથે એક વર્ષથી પણ વધુ સમયથી કામ કરી રહ્યો છું. અમારા વચ્ચે એક કમ્ફર્ટ હતો. અમારા બધા વચ્ચે એક તાલમેલ હતો. જોકે જ્યારે મને ખબર પડી કે મારા લીધે તે કમ્ફર્ટેબલ નથી તો મે આખા ક્રૂની સામે તેની માફી માગી હતી. મારી માફી એ તેની લાગણીનું સન્માન હતું. પરંતુ તેનો મતલબ એ નથી કે હું આવા પ્રકારના દાવા સ્વિકારું. તમે કોઈની માફી માગો તો એનો મતલબ એ નથી કે તમે હંમેશા ખોટા જ હોવ. આનો મતલબ એ થાય કે તમે સામી વ્યક્તિની લાગણીને માન આપો છો. મારે પણ જવાબદારીઓ છે અને મને પણ કામ જોઈએ છીએ. જો લોકો તારણ કાઢશે તો મારા આટલા વર્ષોની મહેનત પાણીમાં જશે'.

57 વર્ષીય આ અનુભવી અભિનેતાએ અભિષેક બચ્ચનની ફિલ્મ 'રન'માં 'કૌઆ બિરયાની' સીનને કારણે ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ઉપરાંત તેણે 'ગલી બોય', 'ધમાલ', 'વેલકમ', 'મુંબઈ ટૂ ગોવા' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. વિજયે 1999માં ફિલ્મ 'ભોપાલ એક્સપ્રેસ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું. 

vijay raaz bollywood