02 March, 2020 11:57 AM IST | Mumbai Desk
ટાઇગર શ્રોફે તેની ‘બાગી 3’ની કો-સ્ટાર શ્રદ્ધા કપૂર પર સ્કૂલ દરમ્યાન ક્રશ હોવાની વાત કરતાં જણાવ્યું હતું કે હું તેનાથી ડરતો હોવાથી માત્ર દૂરથી જ તેને જોતો રહેતો. આ બન્ને હાલમાં તેમની ‘બાગી 3’ને પ્રમોટ કરી રહ્યાં છે. આ દરમ્યાન શ્રદ્ધાને પૂછવામાં આવ્યુ કે શું તને કદી ટાઇગર પર ક્રશ હતું. જોકે શ્રદ્ધાને અટકાવીને ટાઇગરે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘નહીં, એનાથી ઊલટું હતું. મને સ્કૂલ દરમ્યાન તેના પર ભારે ક્રશ હતો.’
આ સાંભળીને ચોંકી ઊઠેલી શ્રદ્ધાએ કહ્યું હતું, ‘મને ત્યારે એ વિશે જાણ જ નહોતી. જો ખબર હોત તો હું જરૂર કંઈક કરત.’
લાગણી કેમ વ્યક્ત નહોતી કરી એ વિશે પૂછતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હું ખૂબ ડરતો હતો. તેને માત્ર જોયા કરતો હતો. ખરાબ રીતે નહીં, પરંતુ દૂરથી ઊભો રહીને તેને જોયા કરતો હતો. તે જ્યારે સ્કૂલમાં હૉલમાંથી પસાર થતી ત્યારે તેના વાળ ઊડતા હતા.’
એ સાંભળીને શ્રદ્ધાએ કહ્યું હતું, ‘સો ક્યુટ.’
આ અગાઉ શ્રદ્ધાને લઈને પોતાની ફીલિંગ વરુણ ધવન પણ વ્યક્ત કરી ચૂક્યો છે. આ બન્નેએ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં કામ કર્યું હતું. શ્રદ્ધા વિશે વરુણે કહ્યું હતું કે ‘ઘણાં વર્ષો પહેલાં મને પણ શ્રદ્ધા પર ક્રશ હતો. ખરુ કહું તો એ ઘણા લોકો માટે આરોહી છે. કેટલાક લોકો માટે તે વિની છે. અનેક લોકો માટે ઇનાયત છે, પરંતુ મારા માટે તો એ મારી શ્રદ્ધા છે.’