17 August, 2020 07:29 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સંજય દત્ત (ફાઇલ ફોટો)
બોલીવુડ અભિનેતા(Bollywood Actor) સંજય દત્ત(Sanjay Dutt)ને ફેફસાનું કેન્સર(Lung Cancer) હોવાની માહિતી મળ્યા બાદ તેમના ચાહકો અને નજીકના મિત્રો તેમજ સ્નેહીજનો તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. સંજય દત્તે મુંબઇમાં કેટલાક જરૂરી ટેસ્ટ કરાવ્યા છે. આ ટેસ્ટ કરાવ્યા બાદ તે કેન્સરની સારવાર માટે વિદેશ જશે. સંજય દત્તના સ્વાસ્થ્યની ચિંતા તેમના પરિવારને તો છે જ પણ સાથે તેમના મિત્રો અને ચાહકોને પણ સંજય દત્તની ચિંતા થઈ રહી છે. સંજય દત્તના ખાસ મિત્ર પરેશ ઘેલાણી(Paresh Ghelani)એ પણ સોશિયલ મીડિયા(Social Media) પર પોસ્ટ શૅર કરી છે.
પરેશ ઘેલાણી એ જ વ્યક્તિ છે જેમનું પાત્ર સંજૂ ફિલ્મમાં વિકી કૌશલે ભજવ્યું હતું. ફિલ્મમાં વિકી કૌશલે સંજય દત્તના ખાસ મિત્ર કમલેશ (કમલી- પરેશ ઘેલાણી) હતું. ફિલ્મમાં પરેશ ઘેલાણી અને સંજય દત્તની મિત્રતા સુપેરે જોવા મળી હતી, જે ખૂબ જ ઇમોશનલ તો ક્યાંક અતિશય મસ્તીખોર પણ રહી. પરેશ ઘેલાણીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "ભાઇ, આપણે આખા અમ્યૂઝમેન્ટ પાર્કને કવર કર્યું હતું. આપણને લાગતું હતું કે તે આસપાસ છે પણ આ હજી સુધી પૂરું નથી થયું. વધુ એક રોલર કોસ્ટર રાઇડ માટે. આ નવી લડાઇ છે. અને આ લડાઇ તારે લડવાની છે, લડશું તો જીતશું. બધાંને ખબર છે કે તું બહાદૂર છે. શૅર છે તું શૅર. લવ યૂ."
પરેશ ઘેલાણીએ પોતાની પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે કે, "હજી થોડાક દિવસો પહેલા તો આપણે આ વિશે વાત કરી હતી આપણે આપણાં જીવનનો આગામી તબક્કો કેવી રીતે પસાર કરશું અને આપણે કેટલા ખુશનસીબ રહ્યા છીએ જે આપણને હરવા-ફરવા અને જીવનના તમામ ઉતાર-ચડાણ સાથે જોવા મળ્યા. હું હજીય માનું છું કે ભગવાનની કૃપા છે અને આપણી આગળની જર્ની પણ એટલી જ સુંદર અને રંગસભર રહેશે. ઇશ્વર દયાળું છે."
રિપોર્ટ્સ પ્રમાણે સંજય દત્ત હવે સારવાર માટે ટૂંક સમયમાં જ વિદેશ જઈ શકે છે. જો કે સંજય દત્તે થોડાક સમય પહેલા જ પોતાની સારવાર માટે બ્રેક લેવાની જાહેરાત કરી હતી. પણ આ પહેલા તે પોતાની આગામી ફિલ્મ 'સડક 2'નું ડબિંગ કાર્ય પૂરું કરવા માગે છે.