'મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવાની જાહેરાત થતાં સોનમે નારાજગી વ્યક્ત કરી

23 February, 2020 01:38 PM IST  |  Mumbai

'મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવાની જાહેરાત થતાં સોનમે નારાજગી વ્યક્ત કરી

સોનમ કપૂર આહુજા

‘મિસ્ટર ઇન્ડિયા 2’ બનાવવાની જાહેરાત થતાં અનિલ કપૂર અને શેખર કપૂર સાથે એ સંદર્ભે ચર્ચા ન કરવામાં આવતાં સોનમ કપૂર આહુજાએ એને અપમાનજનક ગણાવ્યું છે. તાજેતરમાં અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મની રીમેક બનાવવાની વાત સોશ્યલ મીડિયામાં કરી હતી. ૧૯૮૭માં આવેલી ‘મિસ્ટર ઇન્ડિયા’ શેખર કપૂરે બનાવી હતી. ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવીની જોડીએ ધમાલ મચાવી હતી. ‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવાની જાહેરાત થતાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર સોનમે ટ્વીટ કર્યું હતું કે ‘અનેક લોકો મને ‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવા વિશે પૂછે છે. જોકે પ્રામાણિકપણે કહું તો મારા ડૅડીને પણ જાણ નથી કે એ ફિલ્મની રીમેક બની રહી છે. સોશ્યલ મીડિયામાં અલી અબ્બાસ ઝફરે જ્યારે ટ્વીટ દ્વારા એની જાહેરાત કરી ત્યારે જાણ થઈ હતી. જો આ વાત સાચી હોય તો આ ખરેખર અપમાનજનક અને કપટ કહેવાય. કોઈનામાં એટલી નમ્રતા નથી કે મારા ડૅડી અને શેખરઅંકલ સાથે એ બાબત ચર્ચા કરે. આ બન્ને વ્યક્તિએ આ ફિલ્મ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. આ ખરેખર દુ:ખની વાત છે, કારણ કે આ ફિલ્મને દિલથી અને સખત મહેનતથી બનાવવામાં આવી હતી. મારા ડૅડીની એની સાથે લાગણી જોડાયેલી છે. એની આવક અને એની જાહેરાત સિવાય આ ફિલ્મ તેમને માટે એક વારસા સમાન છે. મારું એવું માનવું છે કે કોઈના કામ અને તેમના યોગદાનનું સન્માન પણ એટલું જ જરૂરી છે, જેટલું ફિલ્મના બૉક્સ-ઑફિસના આંકડા અગત્યના છે.’

sonam kapoor bollywood news mr india ali abbas zafar