10 August, 2019 01:02 PM IST | | ફૈઝાન ખાન
સંવાદ લેખિકા વિન્તા નંદા દ્વારા અભિનેતા આલોકનાથ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાયાના લગભગ ૧૦ મહિના પછી ઓશિવરા પોલીસ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી રહી છે. વિન્તા નંદાએ ગયા વર્ષે ૮ ઑક્ટોબરે સૉશ્યલ મીડિયા પર ચાલી રહેલી #MeToo ઝુંબેશ હેઠળ અભિનેતા સાથેના પોતાના અનુભવો શેર કર્યા હતા અને ત્યાર બાદ નવેમ્બરમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં લેખિકા અને નિર્માતા વિન્તા નંદાએ ૧૯૯૦ના દસકામાં ટીવી સિરિયલના શૂટિંગ દરમ્યાન આલોકનાથે પોતાના પર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો.
ઓશિવરા પોલીસને આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવા જેટલા પુરાવા હાથ નથી લાગ્યા. આરોપી આલોકનાથનું માત્ર નિવેદન રેકૉર્ડ કર્યું હતું. સામે આલોકનાથે પણ વિન્તા નંદા પર બદનક્ષીનો કેસ કર્યો હતો. ફરિયાદીને આખી ઘટના યાદ છે, પરંતુ બનાવની તારીખ અને મહિનો યાદ નથી, તે નોંધીને આ વર્ષના જાન્યુઆરીમાં કોર્ટે આલોકનાથ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું નિવેદન આપી તેમના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.