07 June, 2020 09:21 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
ચિરંજીવી સારજા
કન્નડ અભિનેતા ચિરંજીવી સારજાએ માત્ર 39 વર્ષની ઉંમરમાં વિશ્વને અલવિદા કહી દીધું છે. હ્રદયના હુમલાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે વર્ષ 2020 હજી અડધું માંડ પૂરું થયું છે, પણ અત્યાર સુધી આ વર્ષ ખૂબ જ દુઃખદાયક રહ્યું છે. ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ જરાપણ શુભ સાબિત થયો નથી. કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનને કારણે સિનેમાઘર બંધ છે. ઇરફાન ખાન અને ઋષિ કપૂર સહિત ઘણાં મોટા કલાકારોએ વિશ્વને અલવિદા કહી દીધું છે. ત્યાક બાદ વધુ એક દુઃખના સમાચાર આવ્યા છે કે ઇન્ડસ્ટ્રીએ પોતાના હજી એક એક્ટરને ગુમાવી દીધું છે.
ન્યૂઝ એજન્સી આઇએએનએસ પ્રમાણે, શનિવારે ચિરંજીવીને છાતીમાં દુઃખાવો થયો હતો, તેના સિવાય તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. 7 જૂન એટલે કે રવિવારે ચિરંજીવીને હાર્ટ અટેક આવ્યો. એવામાં તેમને બૅંગલુરૂના એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. આ હૉસ્પિટલમાં જ અભિનેતાએ પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પછીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. એક્ટર્સ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પ્રિયામણીએ ટ્વીટ કરીને લખ્યું, 'ચિરંજીવીના જવાના સમાચાર સાંભળીને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે. તેમનો હસતો ચહેરો ક્યારેય નહીં ભૂલાય. મારી સહાનુભૂતિ તેમના પરિવાર પ્રત્યે છે.'
પ્રિયામણી સિવાય અભિનેતા વિલાસ નાયકે અને ક્રિકેટર અનિલ કુંબલેએ પણ ચિરંજીવીને શ્રદ્ધાંજલિ આપી છે. અનિલે તેમના જવાને ઊંડો આઘાત કહ્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સદ્ભાવના વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે ચિરંજીવી સારજા કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તે એક ફિલ્મી પરિવારમાંથી હતા. તે અભિનેતા ધ્રુવ સારજાના મોટા ભાઈ હતા. સાઉથના એક્શન કિંગ કહેવાતા અર્જુન સારજા તેમના કાકા છે. આ સિવાય દિગ્ગડ અભિનેતા શક્તિ પ્રસાદ ચિરંજીવીના દાદા હતા.