અજય દેવગન અને કાજોલનો દીકરો યુગ લઈ રહ્યો છે આકરી ફિટનેસ ટ્રેઇનિંગ, જુઓ અપડેટ્સ

07 June, 2026 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુગ હવે ૧૫ વર્ષનો થઈ ગયો છે અને તેની ફિટનેસ જોઈને સ્પષ્ટ લાગે છે કે તે પોતાના દાદા અને પિતાના પગલે ચાલી રહ્યો છે.

યુગ દેવગન

અજય દેવગન અને કાજોલનો પુત્ર યુગ હાલમાં પોતાના જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશનને લઈને ચર્ચામાં છે. યુગ હવે ૧૫ વર્ષનો થઈ ગયો છે અને તેની ફિટનેસ જોઈને સ્પષ્ટ લાગે છે કે તે પોતાના દાદા અને પિતાના પગલે ચાલી રહ્યો છે. હાલમાં યુગનો જિમમાં વર્કઆઉટ કરતો વિડિયો ચર્ચામાં છે જેમાં તે આકરી ટ્રેઇનિંગ લઈ રહ્યો છે અને તેની મજબૂત બૉડી પણ જોવા મળી રહી છે. આ વિડિયોમાં યુગ જિમમાં પુશ-અપ્સ કરતો જોવા મળે છે. વિડિયોની શરૂઆતમાં તેની એ સમયની ઝલક છે જ્યારે તેણે વર્કઆઉટ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેનો સંપૂર્ણ બદલાયેલો લુક જોવા મળે છે જેના માટે તેણે ભારે મહેનત કરી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

હૃતિક રોશને વ્યક્ત કર્યો પસંદગીની ભૂમિકા ન મળતી હોવાનો અફસોસ

હૃતિક રોશને પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેને હાલમાં એવાં પાત્રોની ઑફર મળતી નથી જે તે ભજવવા ઇચ્છે છે. હૃતિકે પૅરિસની તેની એક તસવીર શૅર કરતાં લખ્યું હતું કે ‘હમણાં જ કોઈએ મને પૂછ્યું કે હું કયા પ્રકારની ભૂમિકા શોધી રહ્યો છું. અને આવી ભૂમિકા જ્યારે મળી ત્યારે મેં મારી જાતને સરપ્રાઇઝ આપી હતી. ‘લક બાય ચાન્સ’નો ઝફર યાદ છે? બસ, એ જ પ્રકારની ભૂમિકા. એવા કોઈ પાત્ર માટે હું તરત જ તૈયાર થઈ જાઉં, પણ દિગ્દર્શકો મને માત્ર સારો માણસ બનતો જ જોવા માગે છે. દુઃખની વાત છે.’ હૃતિકે ‘લક બાય ચાન્સ’માં ઝફર ખાન નામના સુપરસ્ટારનું પાત્ર ભજવ્યું હતું, જે બહારથી આકર્ષક અને સફળ દેખાય છે, પરંતુ અંદરથી ખૂબ જ સ્વાર્થી અને અસુરક્ષિત છે. 

દોસ્તાના 2 મુકાઈ ગઈ છે મુશ્કેલીમાં

કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’ એક વખત ફરી મુશ્કેલીમાં ફસાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ આ ફિલ્મમાં લક્ષ્ય, કાર્તિક આર્યન તથા જાહ્‌નવી કપૂર લીડ રોલમાં હતાં. જોકે બાદમાં ફિલ્મને અટકાવી દેવામાં આવી હતી. આ પછી ૨૦૨૧માં ધર્મા પ્રોડક્શન્સે ફિલ્મને નવા કલાકારો સાથે ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને ડિરેક્ટર તરીકે અદ્વૈત ચંદનની પસંદગી કરવામાં આવી હતી. હવે રિપોર્ટ પ્રમાણે અદ્વૈત ચંદન અને નિર્માતાઓ વચ્ચે સર્જનાત્મક મતભેદો ઊભા થયા છે જેના કારણે અદ્વૈત ચંદને ફિલ્મ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. ફિલ્મને લઈને અદ્વૈતની કલ્પના અને નિર્માતાઓની દિશા એકસરખી ન હોવાથી તેણે પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય લીધો. મૂળ ફિલ્મ ‘દોસ્તાના’ ૨૦૦૮માં રિલીઝ થઈ હતી. એમાં પ્રિયંકા ચોપડા, જૉન એબ્રાહમ, અભિષેક બચ્ચન અને બૉબી દેઓલ જોવા મળ્યાં હતાં. રિપોર્ટ પ્રમાણે ‘દોસ્તાના 2’માં ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટીને લીડ ઍક્ટ્રેસ તરીકે લેવામાં આવી છે અને ફિલ્મમાં વિક્રાન્ત મેસી પણ મહત્ત્વના રોલમાં છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

આવી રહી છે રાજનીતિની સીક્વલ રાજધર્મ

રણબીર કપૂર અને કૅટરિના કૈફની ‘રાજનીતિ’ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી અને એને સારીએવી સફળતા મળી હતી. પ્રકાશ ઝા દ્વારા નિર્મિત અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો. ‘રાજનીતિ’માં સત્તા, પારિવારિક વિવાદ, દગો, લાલચ અને મહત્ત્વાકાંક્ષાની વાર્તા રજૂ કરવામાં આવી છે. પ્રકાશ ઝાએ જણાવ્યું હતું કે ફિલ્મની વાર્તા અને એનાં પાત્રો ‘મહાભારત’માંથી પ્રેરિત હતાં. થોડા સમય પહેલાં પ્રકાશ ઝાએ ખુલાસો કર્યો હતો કે હવે ‘રાજનીતિ’ની સીક્વલ ‘રાજધર્મ’ને બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ સીક્વલ વિશે વાત કરતાં પ્રકાશ ઝાએ કહ્યું હતું કે ‘અત્યારે ‘રાજનીતિ’ની સીક્વલના અનેક ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યા છે. હું થોડા દિવસ વાર્તા લખું છું અને પછી એને બાજુએ મૂકી દઉં છું. ત્યાર બાદ ૧૦થી ૧૫ દિવસ બીજાં કામ કરું છું. ક્યારેક તો વાર્તા પોતે જ કહેવા માંડે છે કે હવે મને બનાવો. ‘રાજનીતિ’ ફિલ્મનું ટાઇટલ ડિઝની પાસે છે. તેમણે જ્યારે આ નામ આપવાની ના પાડી ત્યારે મેં ફિલ્મનું નામ બદલીને ‘રાજધર્મ’ રાખ્યું. ફિલ્મનું સંપૂર્ણ નામ ‘રાજધર્મ - ધ અલ્ટિમેટ પૉલિટિક્સ’ હશે.’

ajay devgn kajol hrithik roshan karan johar vikrant massey dostana ranbir kapoor katrina kaif bollywood controversies