ગાંધીજીએ દર્શન જરીવાલામાં કેવું પરિવર્તન લાવી દીધું છે?

02 October, 2015 03:34 AM IST  | 

ગાંધીજીએ દર્શન જરીવાલામાં કેવું પરિવર્તન લાવી દીધું છે?


મહાત્મા ગાંધીનું કૅરૅક્ટર જો છેલ્લે કોઈકે બૉલીવુડમાં નિભાવ્યું હોય તો એ દર્શન જરીવાલાએ. અનિલ કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ગાંધી માય ફાધરમાં મહાત્મા ગાંધી બનેલા દર્શન જરીવાલા આ ફિલ્મ કરી રહ્યા હતા એ દરમ્યાન તેમની લાઇફમાં પણ ખાસ્સો બદલાવ આવ્યો હતો, જે આજ સુધી અકબંધ રહ્યો છે. દર્શન જરીવાલા ગાંધી વિચારાધારાને કઈ રીતે જુએ છે અને મહાત્મા ગાંધીને કારણે તેમના જીવનમાં કેવાં-કેવાં પરિવર્તન આવ્યાં એ જાણીએ તેમના જ શબ્દોમાં...

બૉલીવુડમાં મહાત્મા ગાંધીનું કૅરૅક્ટર છેલ્લે મેં જ ભજવેલું, અનિલ કપૂરના પ્રોડક્શન-હાઉસમાં બનેલી ‘ગાંધી માય ફાધર’માં. એ રીતે જોઈએ તો હું લાસ્ટ ગાંધી કહેવાઉં, પણ બીજા શબ્દોમાં કહું તો મહાત્મા ગાંધીની નજીક જવું એ પણ આ પૃથ્વી પર કોઈની વિસાતમાં નથી. મહાત્મા ગાંધીનું કૅરૅક્ટર નિભાવતી વખતે મને એવું લાગતું હતું કે એક માણસ કઈ રીતે આ જીવી શકે. તેમના વિચાર, તેમની રહેણીકરણી, પગમાં હજારો લોકો પડતા હોય એવા સમયે પણ જાતને જમીન પર ટકાવી રાખવી. બહુ જ વિકટ કામ છે આ. અમે તો ઍક્ટર. ૧૦ ફૅન આવીને ઑટોગ્રાફ માગે તો પણ આપણને ચાનક ચડી જાય, પણ મહાત્મા ગાંધી તો વિરલ વિભૂતિ હતા. તેમને કોઈ વાતની અસર થતી નહીં. ‘ગાંધી માય ફાધર’ ફિલ્મ કરતી વખતે, કર્યા પછી અને આજે પણ મહાત્મા ગાંધીને કારણે જેકોઈ ચેન્જ આવ્યાં છે એ બધાં અકબંધ રહ્યાં છે. આ ચેન્જમાંથી સૌથી મોટું ચેન્જ જો કોઈ હોય તો એ સત્ય બોલવાનું છે. એવું તો હતું જ નહીં કે હું ખોટું નહોતો બોલતો, પણ ગાંધીજીનું કિરદાર કર્યા પછી ખબર પડી કે સત્ય અમૂલ્ય છે અને એ અમૂલ્ય ગુણ આપણી અંદર પણ છે જ. હું નહીં કહું કે હું પણ બાપુની જેમ નીડર થઈને સત્યાગ્રહી બની ગયો, પણ હા ડરતાં-ડરતાં પણ હું સત્યનું આચરણ કરતો થઈ ગયો. આજે એવો સમય આવી ગયો છે કે મજાકમાં પણ કોઈ ખોટું બોલવાનું મને ન કહે અને જો કહે તો તે મરે. તેણે જે પઢાવેલું હોય એ બોલીને હું કહી દઉં કે મને આમણે આમ શીખવ્યું હતું એટલે હું એ બોલ્યો છું, બાકી સાચી વાત તો આમ છે.

મહાત્મા ગાંધીને કારણે આત્મશુદ્ધિ, મનશુદ્ધિ અને શરીરશુદ્ધિની મને જે તક મળી એ અકલ્પનીય છે. ભાગ્યે જ કોઈ તકલીફ પડે તો પણ હું એ ચલાવતો નહીં, પણ હવે મને એની કોઈ પરવા નથી. જમીન મળે તો પણ સૂઈ શકું અને સવારે જાગ્યા પછી ખાવાનું ન મળે તો પણ મારી સામે ગાંધીજી આવી ગયા હોય. જાણે કહેતા હોય, ‘આ બધી માયા છે. સુખની સવાર પડી છે, સુખથી જીવી લેને.’

ગાંધીજયંતી અને ગાંધી નર્વિાણ દિન નિમિત્તે હું આ એક કામ કરું છું. ખાદીનાં કપડાં પહરેવાનું રાખું અને ખાદીનાં વસ્ત્રો જરૂરિયાતમંદને લઈ આપવાનું રાખું. ઍટ લીસ્ટ કોઈનું અંગ ઢંકાયાનું અને કોઈનું પેટ ભર્યાનું સુખ મળે છે આમાં.