એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ જારી, પણ શા માટે..? જાણો

29 September, 2022 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બેગુસરાય કોર્ટ દ્વારા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

એકતા કપૂર

એકતા કપૂર (Ekta Kapoor)તેની વેબ સિરીઝ XXX સીઝન 2ને લઈને મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. બેગુસરાય કોર્ટ દ્વારા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ગત વર્ષે, બિહારની બેગુસરાય કોર્ટમાં આ શ્રેણીમાં દર્શાવવામાં આવેલા વાંધાજનક દ્રશ્યો અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે કોર્ટે સૈનિકોના અપમાનના આ કેસમાં એકતા અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

હકીકતમાં, આ વેબ સિરીઝમાં સૈનિકની પત્નીના ઘણા વાંધાજનક દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, જેના માટે ગત વર્ષે બિહારના બેગુસરાયમાં એકતા કપૂર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એકતા પર આરોપ હતો કે તેણે વેબ સિરીઝમાં સૈનિકો અને તેમની પત્નીઓને ખોટી રીતે બતાવ્યા છે, જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ કેસમાં બેગુસરાય કોર્ટે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરને સમન્સ મોકલીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

નોંધનીય છે કે આ મામલો એક વર્ષ પહેલા એક્સ-સર્વિસમેન એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ શંભુ કુમાર દ્વારા નોંધવામાં આવ્યો હતો. શંભુ કુમારે કહ્યું કે આ સીરિઝમાં દર્શાવવામાં આવેલા સીનથી તેમને ઘણું દુઃખ થયું છે. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકો પોતાની જાતને જોખમમાં મૂકીને દેશની સેવા કરે છે. આવી સ્થિતિમાં તેમને સન્માનની નજરે જોવું જોઈએ, પરંતુ અહીં તો તેનાથી વિપરીત થઈ રહ્યું છે. સિરીઝમાં ભારતીય જવાન અને તેની પત્નીને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે.

એકતા કપૂરે પણ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. એકતા કપૂરે કહ્યું કે તેને આ મામલે જાણકારી મળતા જ તેણે વેબ સીરિઝમાંથી આ સીન હટાવી દીધો હતો. આ સાથે એકતાએ પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની માફી માંગી. જણાવી દઈએ કે ઓલ્ટ બાલાજી પર XXX વેબ સિરીઝ સ્ટ્રીમ થઈ રહી છે.

ekta kapoor shobha kapoor