16 May, 2022 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાયેદ ખાન
‘મૈં હૂં ના’માં શાહરુખ ખાન સાથે કામ કરનાર ઝાયેદ ખાને જણાવ્યું કે તે જ્યારે પહેલી વખત શાહરુખને મળ્યો ત્યારે તેણે સવાલ પૂછ્યો હતો કે ‘ભાઈ તુઝે ઍક્ટિંગ આતી હૈ ના?’ ઝાયેદે ૨૦૦૩માં આવેલી ‘ચુરા લિયા હૈ તુમને’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં ગીત કોરિયોગ્રાફ કરવા માટે તે ફારાહ ખાન સાથે મુલાકાત કરવા ગયો હતો. એનું પરિણામ એ આવ્યું કે તેને શાહરુખનો ભેટો થઈ ગયો અને ‘મૈં હૂં ના’ ફિલ્મમાં લક્ષ્મણનો રોલ મળી ગયો હતો. એ મુલાકાતને યાદ કરતાં ઝાયેદ ખાને કહ્યું કે ‘મારી ફિલ્મ ‘ચુરા લિયા હૈ તુમને’ના એક ગીતની કોરિયોગ્રાફી ફારાહ કરે એવી મારી ઇચ્છા હતી. હું તેમને મળવા ગયો હતો અને એ વખતે તેઓ મને સારી રીતે નહોતા ઓળખતા. હું મારી ઓળખ હંમેશાં મિસ્ટર સંજય ખાનના દીકરા અને ફરદીન ખાનના કઝિન તરીકે આપતો હતો, કારણ કે એ વખતે મને કોઈ ઓળખતું નહોતું, એથી તેમણે મને મળવા બોલાવ્યો. મને તેમણે શાહરુખની ઑફિસમાં મળવા બોલાવ્યો હતો. તેમણે મને પૂછ્યું કે હું શું કરું છું? મેં તેમને કહ્યું કે હું એક ફિલ્મમાં કામ કરી રહ્યો છું. તેમણે મને કહ્યું કે હું તને ‘મૈં હૂં ના’માં રોલ આપું છું. એ જ વખતે એક દમદાર અને જેન્ટલમૅન શાહરુખની એન્ટ્રી થઈ. તેમણે મને પૂછ્યું, ‘ઝાયેદ તું કેમ છે? અમે અમારી ફિલ્મ માટે સેકન્ડ લીડ શોધી રહ્યા છીએ. ફારાહે કહ્યું કે એ રોલ માટે તારામાં સારીએવી ક્ષમતા છે. ભાઈ એક બાત બતા, તુઝે ઍક્ટિંગ આતી હૈ ના?’ આ સવાલ સાંભળીને હું થોડો વ્યથિત થયો હતો. એ જ વખતે મારા દિમાગમાં જવાબ આપવાનો વિચાર આવ્યો કે હું ઍક્ટર્સની ફૅમિલીમાંથી આવું છું એથી ઍક્ટિંગ મારા લોહીમાં જ હોય. જોકે આવો જવાબ ન આપતાં મેં માત્ર એટલુ જ કહ્યું કે ‘ઍક્ટિંગ કરવા માટે જ મારો જન્મ થયો છે.’ ત્યાર બાદ શું થયું એ તો બધા જાણે જ છે. મેં ફારાહને મારી કેટલીક રશીસ દેખાડી અને તેણે કારમાં બેસતાં પહેલાં મને કહ્યું કે તારું મેઝરમેન્ટ મોકલજે, તું મારી ફિલ્મમાં કામ કરવાનો છે.’