હાથી મેરે સાથી માટે 30 કિલો વજન ઉતારનાર રાણા દગુબટ્ટીએ કહ્યું...

26 February, 2020 07:43 AM IST  |  Mumbai | Harsh Desai

હાથી મેરે સાથી માટે 30 કિલો વજન ઉતારનાર રાણા દગુબટ્ટીએ કહ્યું...

રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટીએ તેની આગામી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ માટે ૩૦ કિલો વજન ઉતાર્યું છે. ‘બાહુબલી’માં ભલ્લાદેવના પાત્ર માટે રાણા દગુબટ્ટીએ ખૂબ જ વજન વધાર્યું હતું. જોકે આ ફિલ્મ માટે તેણે વજન ઘટાડ્યું છે. ઇરોસ ઇન્ટરનૅશનલ આ ફિલ્મને ત્રણ ભાષામાં રિલીઝ કરી રહ્યું છે. ત્રણેય ભાષામાં લીડમાં રાણા દગુબટ્ટી છે. તામિલમાં ‘કાંદાન’ અને તેલુગુમાં અરન્યા’તરીકે રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે વિષ્ણુ વિશાલ જોવા મળશે.

હિન્દીમાં રાણા દગુબટ્ટીની સાથે પુલકિત સમ્રાટ જોવા મળી રહ્યો છે. તેમની સાથે શ્રિયા પિલગાવંકર અને ઝોયા હુસેન પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી એ ખૂબ જ ચર્ચામાં રહી છે. આ તમામ ભાષામાં ફિલ્મને બીજી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આસામના કાઝીરંગામાં લોકો કેવી રીતે હાથીઓના એરિયામાં પગપેસારો કરી રહ્યા હતા એના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં રાણા દગુબટ્ટી જંગલમાં રહી પ્રાણીઓને બચાવવા માટે લડત કરતો જોવા મળશે. આ ફિલ્મમાં ભરપૂર ઍક્શન છે અને એમ છતાં તેના લુકને લઈને પણ લોકોમાં કુતૂહલ જોવા મળે છે.

આ ફિલ્મમાં રાણા દગુબટ્ટી જંગલ-મૅન બન્દેવનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ માટે ૩૦ કિલો વજન ‍ઉતારવા માટે તેણે ખૂબ જ સ્ટ્રિક્ટ ટ્રેઇનિંગ અને ડાયટ પસંદ કરવાં પડ્યાં હતાં. તેના આ પાત્ર માટે છેલ્લે સુધી સતત લુક-ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા અને અંત સુધી રાણા દગુબટ્ટીને પણ એ વિશે જાણ કરવામાં આવી નહોતી.

પ્રભુ સોલોમન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ વિશે વધુ જણાવતાં રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં પ્રભુ સર દરેક બાબતને એકદમ રિયલ અને ઑર્ગેનિક રાખવા માગતા હતા. મારી બૉડી હંમેશાંથી ખૂબ જ હેવી રહી છે અને એથી વજન ઘટાડવું મારા માટે સરળ નહોતું. બન્દેવના પાત્ર માટે મારે ખૂબ જ સખત ટ્રેઇનિંગમાંથી પસાર થવું પડ્યું હતું. જોકે મારા માટે આ એક્સ્પીરિયન્સ ખૂબ જ સારો રહ્યો હતો.’

rana daggubati baahubali bollywood news entertainment news harsh desai