અમજદ ખાને ગુજરાતી ફિલ્મ વીર માંગડાવાળોમાં વિલન તરીકે અભિનય કર્યો હતો

28 February, 2020 06:39 PM IST  |  Mumbai Desk | Aashu Patel

અમજદ ખાને ગુજરાતી ફિલ્મ વીર માંગડાવાળોમાં વિલન તરીકે અભિનય કર્યો હતો

૧૯૭૭માં વિખ્યાત હિન્દી ફિલ્મનિર્માતા રામાનંદ સાગરે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને હીરો-હિરોઇન તરીકે લઈને ‘વીર માંગડાવાળો’ ફિલ્મ બનાવી હતી (જોકે એ ફિલ્મના નિર્માતા તરીકે સુભાષ સાગરની ક્રેડિટ હતી. રામાનંદ સાગરની ક્રેડિટ પ્રેઝન્ટર તરીકે હતી). એ ફિલ્મમાં અમજદ ખાને ‘બાયલ’ નામના વિલનની ભૂમિકા ભજવી હતી. બાબુભાઈ મિસ્ત્રીએ ડિરેક્ટ કરેલી એ ફિલ્મમાં અમજદ ખાન ઉપરાંત બૉલીવુડના એ સમયના પ્રખ્યાત કૉમેડિયન કેસ્ટો મુખરજીએ પણ અભિનય કર્યો હતો તો અચલા સચદેવ, પદ્‍મા ખન્ના, શકીલાબાનુ ભોપાલી અને ટુનટુન જેવા બૉલીવુડના કલાકારો પણ જોવા મળ્યા હતા. બૉલીવુડના ટોચના પ્લેબૅક સિંગર આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરે એ ફિલ્મનાં ગીતો ગાયાં હતાં. 

એ ફિલ્મ ૧૯૭૫માં ‘શોલે’ ફિલ્મ પછી રિલીઝ થઈ હતી. એ ફિલ્મે એ સમયમાં એટલે કે આજથી સાડાચાર દાયકા અગાઉ ૪૦ લાખ રૂપિયાનો ધંધો કર્યો હતો (ત્યારે ઘણી હિન્દી ફિલ્મો પણ એટલો વકરો નહોતી કરતી). એ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના વર્તમાન સમયના ટોચના નિર્માતા કૌસ્તુભ ત્રિવેદીએ પણ એક રોલ કર્યો હતો. ફિલ્મના કલાકારોની ક્રેડિટમાં તેમનું પણ નામ હતું. તેમણે ધોતિયું પહેરીને માથે થેલો ઊંચકીને જતા એક મજૂરનો રોલ કર્યો હતો. કૌસ્તુભભાઈ એ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટર પણ હતા (બાય ધ વે, કૌસ્તુભભાઈએ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો).
કૌસ્તુભભાઈ ‘એક્સ્ટ્રા શૉટ્સ’ કૉલમ માટે ‘વીર માંગડાવાળો’ ફિલ્મના શૂટિંગ સમયની વાત કરતાં કહે છે, ‘અમજદ ખાનની ‘શોલે’ ફિલ્મ આવી ચૂકી હતી જે બ્લૉક બસ્ટર સાબિત થઈ હતી અને ગબ્બર સિંઘના રોલથી અમજદ ખાન દેશભરમાં છવાઈ ગયા હતા છતાં તેમણે કોઈ ટેન્ટ્રમ કર્યા વિના, પોતે બૉલીવુડના સફળ અભિનેતા બની ચૂક્યા છે એવા ભાર વિના સહજતાથી એ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું.’
કૌસ્તુભભાઈએ એ ફિલ્મના શૂટિંગ દરમ્યાનની અનેક રસપ્રદ વાતો કરી. એ પૈકી અહીં એક કિસ્સો શૅર કરું છું. એ ફિલ્મમાં હીરો ઉપેન્દ્ર ત્રિવેદી અને વિલન અમજદ ખાનના એક સીનમાં અમજદ ખાને બોલવાનું હતું, ‘...તો થા માટી અને બોલાવ તારા માણસોને.’ સામે ઉપેન્દ્રભાઈએ તલવાર કાઢીને બોલવાનું હતું, ‘સાવજનાં ટોળાં ન હોય!’ (બાય ધ વે, એ ડાયલૉગ એ વખતના જાણીતા ફિલ્મલેખક રામજી વાણિયાએ ત્યાં સેટ પર ઊભાં-ઊભાં લખ્યો હતો). અમજદ ખાન ‘તો થા માટી’નો અર્થ સમજી નહોતા શક્યા. તેમને નવાઈ લાગતી હતી કે આ ડાયલૉગમાં માટી કેમ બોલવાનું છે. પછી તેમને સમજાવવામાં આવ્યું કે અહીં માટી શબ્દ માટી (ધૂળ)ના નહીં, પણ માણસના અર્થમાં છે. સૌરાષ્ટ્રમાં માણસ માટે માટી શબ્દ વપરાય છે. ઘણા બધા રીટેક પછી એ શૉટ ઓકે થયો હતો.
‘વીર માંગડાવાળો’ ફિલ્મનું ગીત ‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે...’ સુપરહિટ સાબિત થયું હતું. એ ગીતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે બૉલીવુડની એ સમયની કૉમેડિયન અભિનેત્રી ટુનટુન ગીત પર દાંડિયા રમતી અને ઢોલ વગાડતી જોવા મળે છે. આશા ભોસલે અને એ વખતના જાણીતા ગુજરાતી ગાયક વેલજીભાઈ ગજ્જરે ગાયેલું, અવિનાશ વ્યાસે કમ્પોઝ કરેલું એ ગીત

amjad khan bollywood bollywood news