સ્નેહલતા હિન્દી ફિલ્મ નાટકમાં સુભાષ ઘઈનાં હિરોઇન બન્યાં હતાં!

01 January, 2020 01:08 PM IST  |  Mumbai | Ashu Patel

સ્નેહલતા હિન્દી ફિલ્મ નાટકમાં સુભાષ ઘઈનાં હિરોઇન બન્યાં હતાં!

સ્નેહલતા

યસ, સ્નેહલતાએ સુભાષ ઘઈ સાથે ૧૯૭૫માં આવેલી ‘નાટક’ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં વિજય અરોરા અને મૌસમી ચૅટરજી હીરો-હિરોઇન હતાં અને સેકન્ડ લીડમાં સુભાષ ઘઈ અને સ્નેહલતા હતાં.

ગુજરાતી ફિલ્મોમાં અકલ્પ્ય સફળતા મેળવનારાં અભિનેત્રી સ્નેહલતાએ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો.

સુભાષ ઘઈ અને સ્નેહલતાની ‘નાટક’ ફિલ્મની સ્ટોરી કંઈક એવી હતી કે આશા (સ્નેહલતા) અશોક વર્મા (સુભાષ ઘઈ)ના પ્રેમમાં છે, પરંતુ આશાના જજ પિતા મહેન્દ્રનાથ (રાજ મહેરા) તેનાં લગ્ન પોતાના બેસ્ટ ફ્રેન્ડના દીકરા સુરેશ (એ પાત્ર વિજય અરોરાએ ભજવ્યું હતું) સાથે કરાવવા ઇચ્છે છે. આશા સુરેશને પરણવા નથી ઇચ્છતી. તે પોતાના પ્રેમી અશોકને જ પરણવા ઇચ્છે છે એટલે તે તેની ક્લોઝ ફ્રેન્ડ સુનીતા (મૌસમી ચૅટરજી)ની મદદ લે છે. આશા પોતાના પ્રેમી અશોક વર્માને પરણી શકે એ માટે સુનીતા તેને મદદ કરવા તૈયાર થાય છે. આશા સુનીતાની મદદથી એક નાટક કરે છે. સુનીતા એ નાટકનો હિસ્સો તો બને છે, પરંતુ પોતાની ગાઢ સખી આશાને મદદ કરવા જતાં તે પોતાના પ્રેમનું બલિદાન આપી દે છે.

એ ફિલ્મ સોહનલાલ કંવરે ડિરેક્ટ કરી હતી (જેમની સાથે પછી સ્નેહલતાનો ગાઢ સંબંધ બંધાયો હતો) અને સી. ડી. શાહ તથા હરીશ ઉપાધ્યાયે પ્રોડ્યુસ કરી હતી.

સ્નેહલતાની ‘હોથલ પદમણિ’ અને ‘હરિશ્ચંદ્ર તારામતી’ જેવી ફિલ્મથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી થઈ એ અગાઉ વર્ષો સુધી તેમણે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હિરોઇન બનવા માટે કોશિશ કરી હતી. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ તેમને નોંધપાત્ર કહેવાય એવા રોલ મળ્યા નહોતા.

સ્નેહલતાને સૌપ્રથમ ૧૯૬૭માં વિજય ભટ્ટની ‘રામરાજ્ય’ ફિલ્મમાં રોલ મળ્યો હતો. એ ફિલ્મમાં સ્નેહલતા પર વરસાદમાં એક સેક્સી ગીત પણ પિક્ચરાઇઝ થયું હતું. એ ફિલ્મમાં તેમણે ચિત્રલેખાનો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં સ્નેહલતાને બીજું પણ એક ગીત મળ્યું હતું, ‘રૈના ભઈ સો જા રે’. એ ગીત તેઓ વીણા વગાડતાં-વગાડતાં ગાઈ રહ્યાં છે અને એ ગીતમાં બીના રાય અને કુમાર સેન પણ જોવા મળે છે. સ્નેહલતા એ ગીત ગાતાં-ગાતાં રડી રહ્યાં છે અને એક તબક્કે બેહોશ જેવાં થઈ જાય છે પછી બીના રાય તેમને કહે છે, ‘ચિત્રલેખા, રુક ક્યું ગઈ? બીના બજાઓ.’ ફરી સ્નેહલતા વીણા વગાડે છે.

આ ઉપરાંત પણ સ્નેહલતા પર એક અત્યંત સફળ એવા દિગ્ગજ અભિનેતા સાથે એવા સુપરહિટ ગીતમાં ડાન્સ કર્યો હતો જેની કલ્પના પણ ભાગ્યે જ કોઈ કરી શકે.

સ્નેહલતાની હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સફરની આવી બીજી પણ ઘણી રસપ્રદ વાતો છે એ ફરી ક્યારેક કરીશું.

‘રામરાજ્ય’ ફિલ્મમાં સ્નેહલતા પર પિક્ચરાઇઝ થયેલું કર્ણપ્રિય ગીત ‘રૈના ભઈ સો જા રે...’ આનંદ બક્ષીએ લખ્યું હતું અને લક્ષ્મીકાંત પ્યારેલાલે એને સંગીતબદ્ધ કર્યું હતું. લતા મંગેશકરે ગાયેલું એ ગીત જોવું હોય તો એની લિન્ક આ રહી...

subhash ghai television news