મને સફળતા અઘરી ફિલ્મોની પસંદગીમાંથી મળી છે : શાહિદ

09 February, 2019 09:23 AM IST  | 

મને સફળતા અઘરી ફિલ્મોની પસંદગીમાંથી મળી છે : શાહિદ

શાહિદ કપૂર

શાહિદ કપૂરનું માનવું છે કે પરિણામ જે પણ આવે એની પરવા કર્યા વગર કામ પ્રતિ સમર્પણ દેખાડવું જોઈએ. તેણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને એવી ફિલ્મોમાં સફળતા મેળવી છે જેની ચૉઇસ કરવી પણ અઘરી હતી. લોકો તેને એવી ફિલ્મો પસંદ કરવાનું કહેતા હતા જે સેફ હોય. આ વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘દરેક જણ એમ જ ઇચ્છે છે કે તમારી પસંદગી સેફ હોય, કારણ કે તમારો પ્રોફેશન અણધાર્યો હોય છે. જોકે મેં એવી ફિલ્મોમાં સફળતા મેળવી છે જેની પસંદગી સેફ નહોતી. એથી મેં જાણ્યું કે પરિણામની કાળજી કર્યા વગર પૂર્ણ સમર્પણ અને દૃઢ વિશ્વાસ સાથે કામ કરવું જોઈએ. પાણીના પ્રવાહની દિશામાં તરનારા સ્વિમર્સ કરતાં એની વિરુદ્ધ દિશામાં તરનારા વધુ સ્ટ્રૉન્ગ હોય છે. જો બન્નેને સમાન સમય આપવામાં આïવે તો જાણી શકાશે કે કોણ સ્ટ્રૉન્ગેસ્ટ સ્વિમર છે.’

પોતાના મૂડ પ્રમાણે કપડાંની સ્ટાઇલ નક્કી કરે છે શાહિદ

શાહિદ કપૂર પોતાના મૂડ પ્રમાણે કપડાંની સ્ટાઇલ પસંદ કરે છે. તેનાં કપડાંની સ્ટાઇલ પણ ખૂબ જ અલગ હોય છે. પોતાની ફૅશન વિશે જણાવતાં શાહિદે કહ્યુ હતું કે ‘મારા મૂડ મુજબ હું મારી સ્ટાઇલ પસંદ કરું છું. આશા છે કે મારી કરીઅરની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં મારી ફૅશન સેન્સ વિકસિત થઈ હોય. મેં શરૂઆતમાં ફૅશનમાં અનેક ભૂલો કરી હતી. ભૂલો કરીને જ તમે એને સુધારી શકો છો. ફૅશનેબલ બનવું એટલે એની સાથે કમ્ફર્ટેબલ હોવું પણ જરૂરી છે. સમયની સાથે હું જે છું એને વ્યક્ત કરતાં શીખ્યો છું. મારા મૂડના હિસાબે હું મારાં કપડાંની પસંદગી કરું છું. એને હું પૂરા આત્મવિશ્વાસ સાથે પહેરું છું.’

આ પણ વાંચો : સલમાન એકમાત્ર એવી વ્યક્તિ છે જેણે DDLJનાં વખાણ કર્યાં હતાં: શાહરુખ

મારે કરીઅરને લઈને ફરીથી વિચારવું પડે એવો સમય જ નહોતો આવ્યો : શાહિદ કપૂર

શાહિદ કપૂરનું કહેવું છે કે તેણે કદી પણ પોતાની કરીઅરને લઈને ફરી વિચાર કરવો પડે એવો સમય નહોતો આવ્યો. તેની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ હતી. આ અગાઉ તેણે ‘દિલ તો પાગલ હૈ’ અને ‘તાલ’માં બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. પોતાની કરીઅર વિશે શાહિદે કહ્યું હતું કે ‘મને યાદ નથી કે મારે કદી પણ મારી કરીઅર વિશે ફરીથી વિચારવું પડ્યું હોય. સમયની સાથે મેં મારી જાતને ઓળખી છે. સાથે જ જે પ્રોજેક્ટ મને પર્સનલી એક્સાઇટ કરે મેં એવી જ ફિલ્મો પસંદ કરી છે. લોકો શું સમજવા માગે છે એ જાણીને એ જ સમયે એક કલાકાર તરીકે લોકો સમક્ષ રજૂ થવું જોઈએ. પોતાનામાં હંમેશાં શોધખોળ કરવી જોઈએ અને જાણવું જોઈએ કે તમને શું ગમે છે. તમારે શું કરવું એ તમે ન જાણતા હો તો તમે વધુ લાંબું ન ટકી શકો. કામ એવું કરવું જોઈએ જેનાથી તમે આગળ વધી શકો નહીં તો તમારો વિકાસ અટકી જશે. મને લાગે છે કે હાલના સમયમાં કલાકારોને શું કામ કરવું છે અને લોકો શું જોવા માગે છે એની વચ્ચે એક પાતળી લાઇન બની ગઈ છે. એ એકબીજા પર હાવી થઈ રહી છે, પરંતુ એ એક સારી વાત છે.’

shahid kapoor bollywood news