મને આપમેળે દેશભક્તિવાળી ફિલ્મો મળે છે, હું એ ડિઝાઇન નથી કરતો : જૉન

06 April, 2019 10:25 AM IST  | 

મને આપમેળે દેશભક્તિવાળી ફિલ્મો મળે છે, હું એ ડિઝાઇન નથી કરતો : જૉન

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમનું કહેવું છે કે દેશભક્તિ દેખાડતી ફિલ્મો તેને આપમેળે મળે છે, તે ફક્ત એવી જ ફિલ્મો પાછળ ભાગતો નથી. જૉનની ‘રોમિયો અકબર વૉલ્ટર’ (RAW) ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મ પાકિસ્તાન સાથે ૧૯૭૧માં થયેલા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મમાં તે રૉ-એજન્ટ બન્યો છે. આ અગાઉ તેણે ‘મદ્રાસ કૅફે’, ‘પરમાણુ : ધ સ્ટોરી ઑફ પોખરણ’ અને ‘સત્યમેવ જયતે’ જેવી દેશદાઝ દેખાડતી ફિલ્મોમાં કામ કર્યું હતું. આવી ફિલ્મો વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં જૉને કહ્યું હતું કે ‘આ એક સંયોગ છે કે મારી દરેક ફિલ્મમાં દેશભક્તિ જોવા મળે છે. હું મારા દેશને ચાહું છું અને મારા મતે જે પોતાના દેશને નથી ચાહતા તેમને કદાચ વાંધો હોઈ શકે છે. મને લાગે છે કે આવી ફિલ્મો એક સંયોગથી મને મળી છે, હું એ ડિઝાઇન નથી કરતો.’

આ પણ વાંચો : નિર્ણયો લેવા મને મારી ફૅમિલીએ હંમેશાંથી આઝાદી આપી છે : સોનમ કપૂર

તે ટ્રેન્ડને ફૉલો નથી કરતો એ વિશે જણાવતાં જૉને કહ્યુ હતુ કે ‘આ ફિલ્મ બાદ હું અનીસ બઝ્મી સાથે ‘પાગલપંતી’ કૉમેડી ફિલ્મ કરવાનો છું. હું મોટર-સાઇકલની રેસ પર આધારિત ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી રહ્યો છું. એથી કહી શકાય કે હું કોઈ ચોક્કસ ટ્રેન્ડને ફૉલો નથી કરી રહ્યો. મેં જ્યારે ‘વિકી ડોનર’ પ્રોડ્યુસ કરી હતી તો ત્યારે એક ટ્રેન્ડ બની ગયો હતો. ત્યાર બાદ ‘બધાઈ હો’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મો પણ બનવા લાગી હતી. લોકો જ્યારે ‘રોમિયો અકબર વૉલ્ટર’ જોશે તો તેમને આ ફિલ્મ અલગ લાગશે, કારણ કે આ એક રેગ્યુલર દેશભક્તિવાળી ફિલ્મ નથી. આ ફિલ્મમાં અનેક રંગ જોવા મળશે. લોકો જ્યારે મારું પાત્ર જોશે તો તેઓ પણ વિચારવા લાગશે કે તે જાસૂસ છે, હીરો છે કે પછી દેશદ્રોહી છે.’

john abraham bollywood news