ચાહકોના અમાપ પ્રેમનો આસામી છે આ સિંગર

28 September, 2025 01:25 PM IST  |  Mumbai | Rashmin Shah

પોતાની ઓચિંતી, આંચકાજનક વિદાયથી આખા રાજ્યને હીબકે ચડાવનાર ઝુબીન ગર્ગ ખરા અર્થમાં એક દંતકથા છે

ઝુબીન ગર્ગ

‘હું ભલે ક્યાંય પણ હોઉં પણ મારો આત્મા તો આસામમાં જ રહેશે...’

જૂન મહિનાની ૧૬ તારીખે આસામના તેઝપુર નામના શહેરની કૉન્સર્ટ પૂરી થવાની તૈયારીમાં છે અને સિંગર સ્ટેજ પરથી વિદાય લેવાની તૈયારી કરતાં આ વાત કહે છે. મેદાનમાં રહેલા ઑડિયન્સમાં સિત્તેર ટકાથી વધારે પચીસેક વર્ષના યંગસ્ટર્સ છે અને સિંગરની વાતને ઝીલતાં એ બધા હવામાં ગોકીરો ભરી દે છે. હવામાં ભળેલો તેમના ઉત્સાહનો અવાજ એ સ્તર પર તોતિંગ છે કે સિંગરે લગભગ બે મિનિટ સુધી ચૂપ રહેવું પડે છે અને પછી તે પોતાની વાત આગળ વધારતાં હાજર રહેલા યંગસ્ટર્સને કહે છે, ‘બે વાત યાદ રાખજો, ક્યારેય માતૃભૂમિને ભૂલતા નહીં અને બીજું, જ્ઞાતિ કે ધર્મ જેવું કંઈ હોતું નથી. બસ, માણસાઈ છે અને એ માણસાઈને ક્યારેય ભૂલતા નહીં.’

ફરી હવામાં ઉત્સાહની ચિચિયારીઓ અને એ ચિચિયારીઓ વચ્ચે સિંગર આસામી બોલીનું લોકગીત શરૂ કરે છે. શબ્દો એ જ લોકગીતના છે જે સદીઓ પહેલાં લખાયું હતું પણ એમાં ભાવ અને સંગીત આજની જનરેશનના લોહીમાં ખુન્નસ ભરી દેનારા છે. શબ્દો તો સ્વાભાવિકપણે આપણે ગુજરાતી સમજી નથી શકવાના પણ એનો ભાવાર્થ છે કે આસામ હું તને ક્યારેય નહીં છોડું, છોડું તને તો પણ માનજે કે હું તારામાં ક્યાંક ધબકું છું અને તને મારા ધબકારામાં મહેસૂસ કરું છું.

ઝુબીન ગર્ગ સ્ટેજ પરથી ઑડિયન્સને જોડાવા માટે સાઇન કરે છે અને આખું તેઝપુર ગુંજી ઊઠે છે. ઝુબીન ગર્ગ સાથે એક ફોટો પડાવવા, એક સેલ્ફી લેવા માટે આસામી યંગસ્ટર્સ એ સ્તર પર ઝનૂની બની જાય કે પોલીસથી પણ કાબૂમાં ન આવે અને એટલે જ છેલ્લા એ ગીત સાથે ઝુબીન ગર્ગ સ્ટેજ છોડીને બૅકસ્ટેજ પરથી જ રવાના થઈ જાય છે. જેણે જવા માટે લોકોની નજરથી બચવું પડતું એ આસામી યંગસ્ટર્સના આઇકન એવા આસામી સિંગર ઝુબીન ગર્ગને પૃથ્વી પરથી લઈ જવા માટે ઈશ્વરે પણ સિંગાપોર જેવા બીજા દેશને પસંદ કરવો પડ્યો અને એ પણ પાણીની અંદર લઈ જઈને, જેથી તેના ચાહકોની નજરનો સામનો ન કરવો પડે.

ઝુબીન અને ફૅમિલી

ઝુબીન ગર્ગ આસામીઓનું દિલ છે અને આ શબ્દોમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. આડત્રીસ હજારથી વધારે આસામી ગીતો ગાનારા ઝુબીન માત્ર સિંગર જ નહોતા; ગાયક ઉપરાંત ઍક્ટર, ગીતકાર, મ્યુઝિક-ડિરેક્ટર અને ફિલ્મ-પ્રોડ્યુસર પણ હતા. આ બધું વાંચ્યા પછી પણ જો તમારા મનમાં આવે કે આ નામ તમારા માટે અજાણ્યું છે તો તમારા સંગીતપ્રેમમાં ધૂળ ને ઢેફા પડ્યાં. ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’નું સુપરહિટ સૉન્ગ ‘યા અલી, રહેમ અલી...’ ઝુબીને ગાયું છે. ઝુબીને આ સિવાય પણ હિન્દી ફિલ્મોનાં અનેક સૉન્ગ્સ ગાયાં છે પણ મહેશ ભટ્ટના પ્રોડક્શનમાં બનેલી અને અનુરાગ બાસુએ ડિરેક્ટ કરેલી ફિલ્મનું આ સૉન્ગ ઝુબીનનું પણ ફેવરિટ હતું અને આજ સુધી એ સુપરહિટ પણ રહ્યું છે. 

૧૯૭૨ની ૧૮ નવેમ્બરે જન્મેલા ઝુબીન ગર્ગની સાચી અટક ગર્ગ નથી પણ બોરઠાકુર છે. મેઘાલયના તુરા નામના શહેરમાં જન્મેલા ઝુબીનનું મોટા ભાગનું નાનપણ આસામના જોરહાટમાં પસાર થયું. આસામી બ્રાહ્મણ અને એમાં ગર્ગ ગોત્રમાં જન્મેલા ઝુબીનને ધર્મ કે જાતિવાદમાં સહેજ પણ વિશ્વાસ નહોતો અને એટલે જ તે પોતાના નામ સાથે ગર્ગ ગોત્રને જોડીને અપર ક્લાસ ગણાતી જ્ઞાતિ સામે ઇન્ડિરેક્ટલી બળવો કરી ખેતમૂજરો સાથે જમવા બેસી જતો. ઝુબીનના આ જ સ્વભાવે ઝુબીનને આસામનો હીરો બનાવી દીધો હતો. ઍનીવે, અત્યારે વાત કરીએ ઝુબીન અને તેની ફૅમિલીની.

ઝુબીનના પપ્પા મોહિની મોહન બોરઠાકુર આસામમાં મૅજિસ્ટ્રેટ હતા. ગીત-સંગીતનો તેમને ખૂબ શોખ. બહુ ઓછા લોકો જાણે છે કે ક્રાન્તિકારી વિચારધારા ધરાવતા કવિ કપિલ ઠાકુર એટલે ઝુબીન ગર્ગના પપ્પા મોહિની મોહન બોરઠાકુર. ઝુબીનના ઘરનું વાતાવરણ જ સંગીતપ્રધાન હતું. મમ્મી ઇલી બોરઠાકુર પોતે સિંગર. માબાપ બન્ને સંગીતપ્રેમી અને બન્ને પૉપ્યુલર મ્યુઝિશ્યન ઝુબીન મહેતાનાં જબરદસ્ત ફૅન. આ જ કારણે તેમણે પોતાના દીકરાનું નામ ઝુબીન રાખ્યું હતું.

ઝુબીનને બે બહેનો. એકનું નામ જોનકી અને બીજીનું નામ ડૉ. પાલ્મે. નસીબની બલિહારી જુઓ, ઝુબીનનું જે પ્રકારે અકસ્માત્ મોત થયું એવું જ જોનકી સાથે બન્યું હતું. જોનકી ઍક્ટ્રેસ હતી. આસામી ફિલ્મોમાં ઍક્ટિંગ કરતી હતી અને સાથોસાથ તે આસામી સિંગર પણ હતી. એક કૉન્સર્ટ માટે કારમાં ટ્રાવેલ કરતી જોનકીનું ૨૦૦૨માં માત્ર ૨૬ વર્ષની ઉંમરે કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું. બહેનની યાદમાં ઝુબીને ‘શિશુ’ નામનું આસામી ગીતોનું આલબમ પણ બહાર પાડ્યું હતું.

બહેનનું મોત થયું એના નવ મહિના પહેલાં એટલે કે ૨૦૦૨ની ૪ ફેબ્રુઆરીએ ઝુબીને આસામના ગોલાઘાટની ફૅશન-ડિઝાઇનર ગરિમા સાઇકિયા સાથે મૅરેજ કર્યાં હતાં.

ઝુબીન અને ગાયકી

ઘરમાં જ મ્યુઝિકલ માહોલ હોવાનો ફાયદો ઝુબીનને થયો અને માત્ર ત્રણ વર્ષની ઉંમરે ઝુબીને ગાયકીની ટ્રેઇનિંગ લેવાની શરૂ કરી દીધી હતી. ઝુબીનની પહેલી ગુરુ તેની મમ્મી હતી તો ટીનેજમાં ઝુબીને પંડિત રૉબિન બૅનરજી પાસેથી ટ્રેઇનિંગ લીધી તો ગુરુ રમાની રાયે ઝુબીનને આસામી સંગીત અને આસામી લોકગીત સાથે જોડવાનું કામ કર્યું. ગુરુ રમાની રાયને મળ્યા પછી ઝુબીનનો આસામ પ્રત્યેનો પ્રેમ અઢળક વધ્યો. જોકે એ પછી પણ તેનો ફિલ્મી ગીતો પ્રત્યે લગાવ અકબંધ રહ્યો હતો.

ટેન્થ પાસ કરીને સાયન્સ સ્ટ્રીમ જૉઇન કરનારા ઝુબીનને આસામ યુથ કલ્ચરલ ફેસ્ટિવલમાં બેસ્ટ ગાયકી માટે યુનિવર્સિટીએ ગોલ્ડ મેડલ આપ્યો અને ઝુબીને કૉલેજના ભણતરનો રીતસર ઉલાળિયો કરી નાખ્યો. હવે તેને મ્યુઝિક સિવાય બીજી કોઈ વાતમાં રસ નહોતો રહ્યો. તેણે મન બનાવી લીધું કે તે હવે મ્યુઝિક પર જ જીવશે. જોકે મમ્મી-પપ્પા ઇચ્છતાં હતાં કે ઝુબીન એક વાર ડિગ્રી લઈ લે. તેમને ક્યાં ખબર હતી કે તેમનો દીકરો મ્યુઝિકમાં એવું નામ કરશે કે મેઘાલયની સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી યુનિવર્સિટી તેને ૨૦૨૪ની ૨૭ ઑગસ્ટે ડૉક્ટરેટ ઑફ લિટરેચરની માનદ ડિગ્રી આપશે અને કૉલેજ અધૂરી છોડી દેનારો દીકરો ડૉ. ઝુબીન ગર્ગ તરીકે ઓળખાશે.

ઝુબીન ગર્ગના પહેલા મ્યુઝિક-આલબમનું ટાઇટલ ‘અનામિકા’ હતું જે આસામી ગીતોનું આલબમ હતું અને એ પછી તેણે નિયમિતપણે આસામી આલબમો આપવાનું ચાલુ રાખ્યું. ૧૯૯પમાં ઝુબીન ગર્ગનું પાંચમું આસામી મ્યુઝિક આલબમ ‘ઉજાન પિરિતિ’ આવ્યું જે યંગસ્ટર્સમાં જબરદસ્ત પૉપ્યુલર થયું અને ઝુબીન માટે તમામ દરવાજાઓ ખૂલી ગયા. આસામીમાં બનેલા આ આલબમ પછી ઝુબીન મુંબઈ આવ્યો અને તેણે પહેલું હિન્દી પૉપ આલબમ ‘ચાંદની રાત’ બનાવ્યું અને ત્યાર પછી તેણે એકધારાં અનેક આલબમો આપ્યાં. એ સમયે નૉન-ફિલ્મી સૉન્ગ્સનો દોર ચાલતો હતો અને એ દોરમાં ઝુબીનને બ્રેક મળવાનું શરૂ થઈ ગયું. ઝુબીને ‘દિલ સે’, ‘ડોલી સજા કે રખના’, ‘ફિઝા’, ‘કાંટે’ જેવી અનેક ફિલ્મોમાં ગીતો ગાયાં પણ ઝુબીનનો સિતારો ચમક્યો ‘ગૅન્ગસ્ટર’ ફિલ્મથી. યા અલી... સૉન્ગે ઝુબીનને સિન્ગિંગ સ્ટાર બનાવી દીધો તો સાથોસાથ તેને અનેક અવૉર્ડ્‍સ અપાવવાનું પણ કામ કર્યું. મજાની વાત એ છે કે હિન્દી ફિલ્મો માટે ગીતો ગાતા ઝુબીને એની સાથોસાથ બંગાળીમાં પણ ગીતો ગાયાં અને માતૃભાષા આસામીમાં પણ ગીતો ગાવાનું ચાલુ રાખ્યું તો મણિપુરી, કન્નડ, ઉડિયા, તામિલ, તેલુગુ, પંજાબી, નેપાલી અને મલયાલમ સહિતની બારથી વધુ ભાષામાં પણ ગીતો ગાયાં.

ઝુબીનની વાત સ્પષ્ટ હતી.

તમે જો મારી પાસે આસામી ગીત ગવડાવશો તો તમારે મને બંધ કવર એટલે કે એન્વેલપ આપી દેવાનું, એ કવરમાં તમે શું પેમેન્ટ મૂક્યું છે એ હું જોઈશ પણ નહીં અને મારું એ પેમેન્ટ હું મારા ઘરે જઈને મારી વાઇફના હાથમાં મૂકી દઈશ; જો અન્ય ભાષામાં ગીત ગવડાવવું હશે તો તમારે મને મારી માર્કેટ-પ્રાઇસ આપવી પડશે.

ઝુબીન અને આસામ

ગુજરાતી બૅકગ્રાઉન્ડમાંથી આવીને નૅશનલ માઇલેજ લઈ જનારા આર્ટિસ્ટ આજે જ્યારે ગુજરાતી નાટક, ફિલ્મ કે સિરિયલ કરવામાં નાનપ અનુભવે છે કે પછી મેઇનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રી જેવું જ પેમેન્ટ અને સગવડો માગે છે ત્યારે આસામ જેવા સાવ ચિંટુકડા રાજ્યમાંથી આવેલો ઝુબીન ક્યારેય આસામ પર ભારરૂપ બન્યો નહીં. તેણે આસામની લોકવાર્તાઓને આગળ ધપાવવા માટે ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી તો આસામનાં લોકગીતો માટે પણ પોતાનો અવાજ આપ્યો અને એ પણ ચણામમરાના ભાવે એટલું જ નહીં, આસામનાં લોકગીતોને પૉપ મ્યુઝિકમાં ઢાળીને યંગસ્ટર્સને એ ગીતો ગાતા કર્યા તો સાથોસાથ એ લોકગીતો જાળવી રાખનારા આસામના લોકકલાકારોને પણ સન્માનનીય સ્થાન મળે એ માટે પ્રયાસો કર્યા. એનું એક ઉદાહરણ... આસામના એક લોકકલાકાર પાસેથી ઝુબીને એક લોકગીત સાંભળ્યા પછી તેણે એ ગીતને પોતાની પૉપ સ્ટાઇલમાં કમ્પોઝ કર્યું અને પોતાના આસામી મ્યુઝિક-આલબમમાં લીધું. એ સૉન્ગ સુપરહિટ થયું. ઝુબીને એ આલબમમાંથી થયેલી ઇન્કમની અડધી રકમ એ લોકકલાકારને આપી દીધી. ૩પથી વધુ આસામી આલબમ બનાવનારા ઝુબીને આવું જ એક ભક્તિગીતમાં કર્યું હતું. લોકલ ધાબા પર કોઈની પાસેથી ભજન સાંભળ્યા પછી ઝુબીને એ આખું ભજન શોધ્યું અને પછી પોતાના આલબમમાં એનો સમાવેશ કર્યો. એ આલબમની તમામ ઇન્કમ તેણે એ ભજનિકને આપી દીધી જેની પાસે પોતે ભજન સાંભળ્યું હતું.

આ અને આવાં અનેક કારણોસર જ ઝુબીનને આસામના યંગસ્ટર્સ ‘Rockstar of Assam’ અને ‘Heartthrob of Northeast’ તરીકે ઓળખવા લાગ્યા. જો આ સ્તરનું સન્માન અન્ય કોઈ સ્ટારને મળે તો તે ફુલેકે ચડીને ફાફડા જેવો પહોળો થઈ ફરે. એક ગુજરાતી ફિલ્મ હિટ થઈ હોય ત્યાં બાઉન્સર લઈને ફરતા થઈ જતા ગુજરાતી ઍક્ટરો આજે જોવા મળે છે ત્યારે ઝુબીન ગર્ગ એ બધા માટે દૃષ્ટાંતરૂપ રહ્યો. યંગસ્ટર્સમાં પૉપ્યુલર થયા પછી ઝુબીને આસામી સંસ્કૃતિ અને તહેવારોને મહત્ત્વ મળે એ માટે અઢળક કામ કર્યું. તેણે આસામ ગવર્નમેન્ટ માટે પણ કલ્ચરલ ઍક્ટિવિટી કરી અને એ પણ એક રૂપિયાનો ચાર્જ લીધા વિના. અરે, આ પ્રકારની ઍક્ટિવિટી કરવા માટે તે પોતાની અને સ્ટાફ માટેની તમામ તૈયારીઓ પણ જાતે કરતો અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ પોતાના પર રાખતો. ઝુબીન ગર્ગે જ્યારે પણ જરૂર પડી ત્યારે યુવાનોની બાજુમાં ઊભા રહેવાનું પણ કામ કર્યું. કોવિડ સમયે ઝુબીને કોરોના-વૉરિયર બનીને ઘરે બેસીને કૉન્સર્ટ કરી અને યંગસ્ટર્સને આહ્‍વાન કર્યું કે તમે જો મને ખરા દિલથી ચાહતા હો તો રાજ્ય સરકારને આર્થિક સહાય મોકલો જેથી નાના માણસો સુધી એ મદદ પહોંચી શકે

ઝુબીને રાજકીય સ્ટૅન્ડ લેવામાં પણ કચાશ રાખી નહીં અને સૌથી મોટી વાત, ઝુબીને યંગસ્ટર્સને પણ જાહેરમાં કહ્યું હતું, ‘હું નાસ્તિક છું, મારી આસ્થા માત્ર માણસાઈ પ્રત્યે છે એટલે તમે કોઈને મદદ કરો તો માનજો હું તમારો ફૅન બન્યો.’

આસામમાં ઝુબીન એ સ્તર પર પૉપ્યુલારિટી ભોગવતો હતો કે તેના ગીત વિના એક પણ મૅરેજ, ફેસ્ટિવલ, પાર્ટી કે ધાર્મિક પ્રસંગ પૂરો થતો નહીં. સામા પક્ષે ઝુબીનની એક પણ કૉન્સર્ટ એવી નહોતી જેમાં ઝુબીને આસામી ગીત ન ગાયું હોય. પછી એ ચાહે કલકત્તામાં થયેલી કૉન્સર્ટ હોય કે કૅનેડાના વૅનકુવરમાં થયેલી કૉન્સર્ટ હોય. 

ઝુબીનને પોતાની માતૃભૂમિ અને માતૃભાષા માટે જે સ્તરે પ્રેમ હતો એ ખરેખર ઉદાહરણીય રહ્યું છે. ઝુબીનના આ પ્રેમમાંથી શીખ લેવી જોઈએ. આસામી ફિલ્મ ‘શિરા’ માટે મ્યુઝિક-કમ્પોઝ કરવાનું હતું ત્યારે ઝુબીનને મ્યુઝિક-કંપની ટિપ્સે મ્યુઝિક-આલબમની ઑફર કરી. બન્નેના ટાઇમિંગ ક્લૅશ થતા હતા એટલે ઝુબીને હિન્દી મ્યુઝિક-આલબમની ઑફર પડતી મૂકી અને ‘શિરા’નું મ્યુઝિક તૈયાર કર્યું. કુદરતનો ન્યાય જુઓ, આ ફિલ્મ માટે ઝુબીનને બેસ્ટ મ્યુઝિક-કમ્પોઝરનો નૅશનલ અવૉર્ડ મળ્યો.

અવૉર્ડની વાત છે ત્યારે યાદ કરાવવાનું કે ઝુબીનને આસામ સરકારે આસામ રત્ન અવૉર્ડ પણ આપ્યો છે તો આ સિવાય પણ આસામ સરકારે તેને અનેક બીજા અવૉર્ડ પણ આપ્યા છે. આસામ, આસામી કલ્ચર અને આસામી લોકકલા-લોકસંગીતને પ્રમોટ કરવામાં ઝુબીને પાછું વળીને જોયું નહીં અને પરિણામ એ આવ્યું કે આસામ માટે ઝુબીન એક સિંગર કે કલાકાર નહીં પણ કલ્ચરલ આઇડલ બની ગયો અને એ કલ્ચરલ આઇડલના અચાનક થયેલા દેહાંતે એકેએક આસામીને ઝાટકો આપવાનું કામ કર્યું છે.

૭૦ ટકા આવક કૅન્સર પેશન્ટ્સ પાછળ ખર્ચતો હતો ઝુબીન

ઝુબીન ગર્ગના ખાસ ફ્રેન્ડ અને બેન્ગૉલી મ્યુઝિક-ડિરેક્ટર જૉય ચક્રવર્તીએ હમણાં જ એક ઇન્ટરવ્યુ આપ્યો જેમાં તેણે કહ્યું કે ઝુબીન હંમેશાં જરૂરિયાતમંદની બાજુમાં ઊભો રહેતો. ઝુબીને નક્કી કર્યું હતું કે તે પોતાની ઇન્કમમાંથી માત્ર ત્રીસ ટકા પોતાની પાસે રાખશે અને બાકીના સિત્તેર ટકા તે જરૂરિયાતમંદ લોકો માટે વાપરશે. ઝુબીન પોતાની આ ૭૦ ટકા આવકમાંથી મોટા ભાગની આવક કૅન્સર પેશન્ટ્સની સારવાર પાછળ ખર્ચતો. આસામના કૅન્સર પેશન્ટ્સને જો મુંબઈની તાતા કૅન્સર હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટની જરૂર હોય તો ઝુબીન તેમને મુંબઈ મોકલવાથી માંડીને સમગ્ર સારવારનો ખર્ચ પોતાના પર લઈ લેતો એટલું જ નહીં, મુંબઈમાં ઝુબીન પાસે એક ફ્લૅટ અને એક બંગલો પણ છે જેને તે કૅન્સર પેશન્ટ્સના રિલેટિવ્સને રહેવા માટે આપી દેતો આસામથી ભણવા કે મુંબઈ સ્ટ્રગલ કરવા આવતા યંગસ્ટર્સને પણ આ ઘરમાં રહેવાની સગવડ તે કરી આપતો.

ઝુબીન ગર્ગ કલાગુરુ આર્ટિસ્ટ ફાઉન્ડેશન નામનું NGO પણ ચલાવતો હતો જેના થકી તે જરૂરિયાતમંદ કલાકારોને હેલ્પ કરતો અને સાથોસાથ આ ફાઉન્ડેશન દ્વારા ઊગતા આસામી કલાકારોને પણ સાચવવામાં આવતા. ઝુબીન માટે આસામ તેનું સ્વર્ગ અને આસામીઓ એ સ્વર્ગમાં રહેનારા દેવદૂતો હતા અને એટલે જ તે તેમના માટે કાળી રાતે પણ ખડે પગે રહેતો.

કોવિડ દરમ્યાન જ્યારે પેશન્ટ્સ માટે ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવવાના હતા ત્યારે ઝુબીને તેનું ગુવાહાટીનું ઘર આસામ સરકારને કૅર સેન્ટર બનાવવા માટે આપી દીધું હતું અને સરકારે ઑલમોસ્ટ નવ મહિના સુધી એ ઘરનો વપરાશ કર્યો હતો.

ઝુબીન હેલ્થ અને એજ્યુકેશનની બાબતમાં સતત સક્રિય રહેતો. ઝુબીન ગર્ગના ઘરના દરવાજા હંમેશાં ખુલ્લા રહેતા. તેના ઘરે સિક્યૉરિટી હતી પણ એ સિક્યૉરિટીનું કામ ઘરે આવવાવાળાને રોકવાનું નહીં પણ આવ્યા હોય તેમને વારાફરતી અંદર મોકલવાનું હતું. ઝુબીન ઘરે આવનારાને ક્યારેય મદદ કર્યા વિના પાછા મોકલતો નહીં.

વી મિસ યુ ઝુબીન 

ઝુબીનની યાદમાં આસામ જ નહીં, મેઘાલય અને નાગાલૅન્ડ જેવા સ્ટેટમાં પણ સન્નાટો પ્રસરી ગયો. ઠેર-ઠેર કૅન્ડલમાર્ચ નીકળી અને શોકસભાઓ કરવામાં આવી. રસ્તા પર લોકો રીતસર ઝુબીનની યાદમાં આંસુ સારતા રહ્યા, રાજ્ય સરકારે તમામ પ્રકારનાં મરણોત્તર સન્માન આપ્યાં અને ઝુબીનની અંતિમ યાત્રાને રાજકીય સૅલ્યુટ સાથે આરંભ કરાવવામાં આવી. આસામના ઝુબીનના ફૅન્સ દ્વારા પ્રચંડ માગ ઊઠી કે ઝુબીનની યાદમાં સ્મારક બનવાં જોઈએ જેના માટે પણ સરકારે હકારાત્મક જવાબ આપ્યો અને સાથોસાથ ઝુબીન જે શહેરમાં રહ્યો એ જોરહાટ અને અન્ય દસ શહેર કે ગામનાં જાહેર સ્થળોને ઝુબીન ગર્ગના નામની સાથે જોડવાની પણ જાહેરાત થઈ.

columnists Rashmin Shah celebrity death assam indian music