એક દિલને લઈને આવ્યો છું, હજારો દિલમાં સમાઈને જવાનો છું

24 February, 2024 09:28 AM IST  |  Mumbai | Laxmi Vanita

૩૦૦થી વધુ રેડિયો નાટક અને પોતાના ‘યઝદી કરં​જિયા ગ્રુપ’ દ્વારા ૬૦થી વધુ હાસ્યનાટકો દેશ-વિદેશમાં રજૂ કરીને લોકોને હસાવવાની સાથે શિક્ષક બનીને યઝદી કરંજિયાએ સુરતના હજારો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ભણાવીને તેમનું જીવનધોરણ બદલ્યું છે

યઝદી કરં​જિયા, પારસી નાટકોના જીવનદાતા- પદ્‌‍મશ્રી ૨૦૨૦

અમેરિકાના જાણીતા હ્યુમરિસ્ટ અને નૉવેલિસ્ટ માર્ક ટ્વેઇને કહ્યું છે કે હ્યુમર એ માનવજાતને મળેલા શ્રેષ્ઠ આશીર્વાદ છે. એવા જ આશીર્વાદ લઈને જન્મ્યા છે વલસાડના યઝદી કરં​જિયા. ૧૯૩૭માં જન્મેલા અને હાલ સુરતમાં રહેતા ૮૮ વર્ષના યઝદી કરં​જિયા પારસી નાટકોનો આત્મા છે અને જીવનદાતા તરીકે દેશ-વિદેશમાં જાણીતા છે. તેમનાં નાટકો જોવા રાજ કપૂર અને સંજીવકુમાર આવતા. પરેશ રાવલ અને બમન ઈરાની પણ આ હાસ્યનાટકો જોવાનો મોકો ન ચૂકે એટલાં ફની હોય છે. તેમનાં જાણીતાં નાટકોમાં ‘બહેરામની સાસુ’, ‘કૂતરાની પૂંછડી વાંકી’, ‘ઘર, ઘૂઘરો અને ગોટાળો’, ‘બિચારો બરજોર’, ‘​દિનશાજીના ડબ્બા ગુલ’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉંમરે પણ તેઓ સ્ટેજ પર લાકડી વગર ભાગદોડ કરીને નાટક કરે છે. ભારતમાં ગુજરાતી નાટકોની શરૂઆતનું શ્રેય પારસીઓના ફાળે છે. પારસી થિયેટરને હજી પણ જીવંત રાખવા બદલ તેમનું યોગદાન અતુલ્ય છે.

નાટકની દુનિયામાં નાટકીય પ્રવેશ
હજારો લોકોને વિનામૂલ્ય ભણાવવાના છે અને હજારો લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું છે એમ કહીને જ ઈશ્વરે મને મોકલ્યો છે એવું માનતા યઝદી કરં​જિયા કહે છે, ‘૧૯૫૨માં હું સુરતના શાહપોર વિસ્તારમાં આવેલી સ્કૂલનો વિદ્યાર્થી હતો. એના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમો કરવાના હતા. મારા પિતાજી પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને તેમણે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગમાં વિવિધ ભાષાનાં નાટકો, સંગીત, ડાન્સ, ગરબા સામેલ હતાં જેમાં મને કોઈ જ ભૂમિકા નહોતી મળી. મને તો રિહર્સલ જોવાની મજા આવતી. ત્યારે પારસી નાટકમાં જે વિદ્યાર્થી સ્ત્રીનું પાત્ર ભજવવાનો હતો તે અચાનક બીમાર પડી ગયો અને બીજા દિવસે શો હતો. બધાની મી​ટિંગ થઈ અને એવું નક્કી કરાયું કે ઘણાબધા કાર્યક્રમો છે તો પારસી નાટક નહીં થશે તો ચાલશે. પિતાજીનો મત હતો કે આ પારસી નાટક તો ઉજવણીનો જાન છે. એમાં જ તો સૌથી વધારે હાસ્ય ઉત્પન્ન થાય છે.’

નાટક કરવા માટે તત્પર યઝદીભાઈ કહે છે, ‘પપ્પાએ મારા તરફ જોઈને કહ્યું કે દીકરા, તું એ સ્ત્રીપાત્ર કરશે? મેં તરત જ હામી ભરી. પાત્ર મને મોઢે-કંઠસ્થ, કારણ કે રિહર્સલ જોઈએ ત્યારે કલાકાર કરતાં જોનારાઓને ડાયલૉગ્સ વધુ યાદ રહે. પણ સાલુ, મારાથી સ્ત્રીપાત્રમાં ન પ્રવેશાયું. બીજા દિવસે નાટક અને મારા મોંમાંથી હું ‘આવ્યો’, ‘ગયો’ એમ જ બોલાયા કરે. હું ‘આવી’, ‘ગઈ’ નીકળે જ નહીં. પિતાજીએ અડધી રાત સુધી મને સખત અને સતત તાલીમ આપી. એ સ્ત્રીપ્રધાન નાટક હતું અને બહુ જ સારું ગયું. પૂરું થતાં જ કોઈ મને ઊંચકી લે, મારા ગાલ ચૂમી લે, મને વહાલ કરે. પછી ડ્રેસિંગરૂમ-કમ-ક્લાસરૂમમાં ડ્રેસ બદલવા ગયો ત્યારે આધેડ ઉંમરનાં એક મહિલા હતાં જેમના પતિનું અવસાન થોડા સમય પહેલાં જ થયું હતું. તેમણે કહ્યું કે દીકરા, તેં મને ખૂબ હસાવી, તું હસતો રહેજે ને હસાવતો રહેજે. એ વાત મારા મનમાં ઘર કરી ગઈ અને હું નાટકની દુનિયાનો થઈ ગયો.’

પરિવારજનો ઉંમરને કારણે તેમને નાટક છોડવાની સલાહ આપે ત્યારે તેઓ કહે છે, ‘એક દિલને લઈને આવ્યો છું, હજારો દિલમાં સમાઈને જવાનો છું. જીવનમંચ પર એવો રોલ કરીને જવું છે, છેલ્લા શ્વાસે વન્સ મોર લઈ જવું છે. હું સ્વીકારું છું કે મેરી રફ્તાર કમ હુઈ હૈ, પર મૈં રુકા નહીં હૂં. મેરે કંધો પે બોઝ બઢ ગયા હૈ, ફિર ભી મૈં રુકતા નહીં, ઝૂકતા નહીં. ઇન શૉર્ટ ખેલતે રહો, જીતે રહો ઔર અપને દેશ કા નામ બઢાતે રહો.’

ભારતની છ​બિ વિદેશમાં 
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ફારુખ એ​ન્જિનિયરે ઇંગ્લૅન્ડના બ્રેડફર્ડમાં તેમનું નાટક જોઈને પોતાના બૅટ પર ફૅન-નંબર ૧ લખીને યઝદીભાઈને આપ્યું હતું. આવા અદ્ભુત કિસ્સાઓની વાત કરતાં તેઓ કહે છે, ‘ઇંગ્લૅન્ડમાં બીજો કિસ્સો એવો બન્યો કે એક મહિલા નાટક બાદ પગમાં પડી ગયાં. ઑર્ગેનાઇઝરને પૂછ્યું કે આ કોણ છે? તેમણે કહ્યું કે બ્રિટનના વડા પ્રધાન ટોની બ્લેરનાં સેક્રેટરી છે. ત્યારે તે મહિલાએ કહ્યું કે હું તેમની સેક્રેટરી બાદમાં છું, પહેલાં યઝદી સરની વિદ્યાર્થી છું. આવા અનેક કિસ્સા છે. અન્ય એક કિસ્સો છે જેનું વર્ષ મને ખાસ યાદ નથી, પણ હું પાકિસ્તાનમાં નાટક કરવા ગયો હતો. તેમણે મારા બે શોને પાંચ શોમાં બદલી નાખ્યા. નાટકના અંતમાં આપ હમારે મેહમાન હૈં, ભારત સે આયે હૈં, હમારે સાથ ખાના ખાઈએ, ચાય પી​જિએ એમ કહ્યું. આવા અનુભવો મને બધા દેશોમાં થયા છે. હું માનું છું કે કોઈ પણ દેશના લોકોને અન્ય દેશના લોકો પ્રત્યે ભેદભાવ નથી હોતો. લોકો મદદ કરવા તૈયાર જ હોય છે, પણ લોકોના મનમાં ભેદભાવવાળા વિચારોની શરૂઆત થાય એનું રાજકારણ જુદું છે. હું દરેકને કહું છું કે ઇન્સાનિયત સબસે બડા ધર્મ હૈ ઇન્સાન કા, ઇસકે બાદ હી ખોલો પન્ના ગીતા ઔર કુરાન કા.’

ધ ગ્રેટ ઇન્ડિયન મોમેન્ટ
એમ તો ગણી ન શકાય એટલી યાદગાર ક્ષણો છે જીવનમાં, પણ જે સૌથી પહેલાં યાદ આવે એમાં મારી વાઇફનું મારા જીવનમાં આવવું એમ જણાવીને યઝદીભાઈ કહે છે, ‘નાટક માટે દિલ્હી ગયો ત્યારે અચાનક મને મારા કોઈ ઓળખીતાનો જ પ્રેમપત્ર મળવો અને પદ્મશ્રી જેવું સન્માન મળવું. એ સિવાય પરિવાર સાથે હસવા-રમવાની બધી પળો યાદગાર છે. દેશના ઘડતરની વાત કરીએ ત્યારે એ જ કહેવાનું કે એમાં બે પરિબળો ખૂબ જ મહત્ત્વનાં છે : લીડરશિપ અને એકતા. હાલ આપણા દેશને લીડરરૂપે બહુ જ સારી વ્યક્તિ મળી છે અને હવે એકતાની જરૂર છે. લોકો જ્યારે અન્યની ખુશીમાં પોતાની ખુશી માનતા થઈ જશે ત્યારે આ દેશને આગળ વધતાં કોઈ અટકાવી નહીં શકે.’

columnists gujarati mid-day valsad