જતિન પંડિતને બદલે આનંદ બક્ષીનું ટાઇટલ-સૉન્ગ શું કામ?

08 September, 2023 06:57 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

કારણ કે આનંદ બક્ષીએ સ્ક્રિપ્ટને વફાદાર રહીને એક મુખડું જ લખ્યું, જે ઉદિત નારાયણ અને લતા મંગેશકરે ગાવાનું હતું.

ફાઇલ તસવીર

કારણ કે આનંદ બક્ષીએ સ્ક્રિપ્ટને વફાદાર રહીને એક મુખડું જ લખ્યું, જે ઉદિત નારાયણ અને લતા મંગેશકરે ગાવાનું હતું. આદિત્ય ચોપડાને બક્ષીસાહેબની એ વાત ગમી ગઈ કે તેમણે ડિરેક્ટરનું કામ વધારવાનું કામ બિલકુલ કર્યું નહીં અને એ જ કામ આપ્યું જેની તેમની પાસે ડિમાન્ડ રાખવામાં આવી હતી.

ફિલ્મ ‘મોહબ્બતેં’માં પહેલાં શાહરુખ ખાન અને પછી અમિતાભ બચ્ચન એમ બે લેજન્ડ આવી જવાથી સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ બહુ વધી ગયું, તો નવા સ્ટાર્સમાં જુગલ હંસરાજ, જિમી શેરગિલ અને ઉદય ચોપડા તથા સાથે ત્રણ નવી છોકરીઓમાં પ્રીતિ જાંગિયાની, કિમ શર્મા અને શમિતા શેટ્ટી આવી એટલે એક નવી ફ્રેશનેસ પણ આવી ગઈ. એ પછી બાજી આવી જતિન-લલિતના હાથમાં. જતિન-લલિતે નક્કી કર્યું કે નવા ઍક્ટર્સ માટે આપણે નવા જ સિંગર લઈએ, જેને ખાસ ટ્રેઇન કરવામાં આવ્યા, પણ એટલું નક્કી હતું કે શાહરુખ ખાન માટે ઉદિત નારાયણ હશે અને શાહરુખ સાથે જે ફિમેલ ઍક્ટ્રેસ હશે એને માટે લતા મંગેશકર જ ગાશે. આ બન્ને ચૉઇસ આદિત્ય ચોપડાની હતી. જોકે શાહરુખ ખાનની સામે કોણ આવશે એ પ્રશ્ન હજી ઊભો જ હતો. કારણ કે લેંગ્થવાઇઝ એ કૅરૅક્ટર બહુ નાનું હતું. કહો કે આખી ફિલ્મમાં હાર્ડલી આઠથી દસ મિનિટ પૂરતું જ એ કૅરૅક્ટર દેખાય છે. જોકે એક મોટો ઍડ્વાન્ટેજ એ હતો કે યશરાજ ફિલ્મ્સનું બૅનર હતું અને આદિત્ય ચોપડા ફિલ્મ ડિરેક્ટ કરવાના હતા, એ આદિત્ય જેની પહેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’એ ધમાલ મચાવી દીધી હતી.

આદિત્ય ચોપડાએ સૌથી પહેલાં કાજોલને વાત કરી. સ્ટોરી સંભળાવતાં પહેલાં તેણે કાજોલને કહ્યું કે આ ફિલ્મમાં તું એક ભૂત છે! ટેક્નિકલી વાત ખોટી પણ નહોતી. નારાયણ શંકરની દીકરી મેઘાના પ્રેમમાં પડેલા શાહરુખ ખાનને તે સતત દેખાતી હતી. કાજોલે પહેલાં હા પાડી અને એ પછી તેની ના આવી. રોલ કે લેંગ્થને કારણે નહીં, પણ પોતાનાં મૅરેજની તૈયારીને કારણે. હા, ફિલ્મ ‘મોહબ્બતેં’નું શૂટ શરૂ થતું હતું એ જ દિવસોમાં કાજોલ અને અજય દેવગનનાં મૅરેજની તૈયારી શરૂ થઈ અને કાજોલે પ્રોજેક્ટમાંથી હટવું પડ્યું.

આદિત્ય ચોપડાને ઐશ્વર્યા રાયનું નામ શાહરુખ ખાને સજેસ્ટ કર્યું અને ઐશ્વર્યા રાયે આદિત્ય સાથે કામ કરવાના હેતુસર હા પાડી. એ સમયે આદિત્ય એક વુમન-સેન્ટ્રિક ફિલ્મ લખવાની શરૂઆત કરવાનો હતો, જેને માટે તેણે ઐશ્વર્યા રાયને પ્રૉમિસ કર્યું કે પોતે એ ફિલ્મમાં ઐશ્વર્યાને લેશે, પણ કમનસીબે એ ફિલ્મ ક્યારેય બની નહીં, પણ ઐશ્વર્યાને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગનો અવૉર્ડ ચોક્કસ મળ્યો.

મ્યુઝિકનું કામ શરૂ થયું. અગાઉ કહ્યું હતું એમ, મ્યુઝિક એ રિલીઝ થયું ત્યારે હિટ નહોતું થયું, પણ ફિલ્મ રિલીઝ થયા પછી એ જબરદસ્ત પૉપ્યુલર થયું. ટાઇટલ-સૉન્ગ અને ‘ચલતે ચલતે યું હી...’ના બન્ને ભાગ સહિત ફિલ્મમાં કુલ ૭ સૉન્ગ છે, પણ હકીકતમાં ૮ સૉન્ગ હતાં. એક ગીત એડિટ-ટેબલ પર હટાવવામાં આવ્યું અને જતિન-લલિતનું એ સૉન્ગ ત્યાર પછી ‘હમ તુમ’માં વાપરવામાં આવ્યું, તો ‘આંખેં ખૂલી હો યા બંધ...’ સૉન્ગ તૈયાર થયા પછી પણ જતિન-લલિતને એ સૉન્ગમાં મજા ન આવી એટલે તેમણે એ જ સિચુએશન પર બીજું એક સૉન્ગ બનાવ્યું,

‘તેરી આંખોં કા જાદુ, ક્યા કહના

યે દિલ હૈ બેકાબૂ, ક્યા કહના...’

આદિત્યને બન્ને સૉન્ગ ગમ્યાં એટલે એ બન્નેમાંથી કયું સૉન્ગ વધારે સારું એ નક્કી કરવાનું કામ કરણ જોહર અને કોરિયોગ્રાફર ફારાહ ખાનને સોંપવામાં આવ્યું હતું! હા, આ સત્ય હકીકત છે અને આ વાત ખુદ જતિન-લલિતના જતિન પંડિતે કહી છે. બન્નેએ નક્કી કર્યા પછી ‘આંખેં ખૂલી હો યા બંધ...’ ગીત ફિલ્મમાં રહ્યું અને બીજા ગીતને ક્યારેય કોઈ ફિલ્મમાં સ્થાન મળ્યું નહીં.

જે સૉન્ગની વાત સાથે આપણે આર્ટિકલની શરૂઆત કરી એ વાત પર ફરી આવીએ. ફિલ્મ ‘મોહબ્બતેં’માં એક ટાઇટલ-સૉન્ગ પણ છે, જે બહુ નાનું છે, પણ એની એન્ટ્રી એવી જગ્યાએ આવે છે કે આખી ફિલ્મમાં એ પોતાની એક ખાસ છાપ છોડી જાય છે. આ સૉન્ગ પર સૌથી છેલ્લે કામ શરૂ કરવામાં આવ્યું. જતિને એની ટ્યુન ફાઇનલ કરી, આદિત્ય ચોપડાએ ઓકે કરી એ પછી કામ શરૂ થયું ગીતકારનું અને જતિન પંડિતે પહેલી વાર ફેક વર્ડ્સ મૂકવાને બદલે જાતે જ ગીત લખ્યું અને દિલથી લખ્યું,

‘રાઝે દિલ જબ ઝૂંબા સે ખૂલને લગે...

જબ સુકૂન ધડકનોં કો મિલને લગે...

જબ નઝર સે ઉનકી નઝર કો...

મિલને લગે રાહતેં, યે હી હૈં મોહબ્બતેં...

કહા હોશ હોગા ઉન્હેં, જો દિલ દે ચૂકે હૈં...

મુશ્કિલ ભી, આશા ભી, હોતા હૈ, ઐસા ભી...

ઇસ હાલ મેં... યે હી હૈં મોહબ્બતેં...’

આ સૉન્ગ માટે જતિન પંડિતના મનમાં એટલી હદે પૉઝિટિવિટી હતી કે તેણે આ ગીત પેલી ન્યુકમર ત્રણ છોકરીમાંથી એકની પાસે રેકૉર્ડ કરાવી લીધું, પણ હાર્ડ લક. આદિત્ય ચોપડાએ સૉન્ગ સાંભળતાં પહેલાં જ કહી દીધું કે આનંદ બક્ષી પાસેથી મગાવી લો, એ પછી આપણે બન્ને સાથે સાંભળીએ. આનંદ બક્ષીને કહેવામાં આવ્યું, પણ સાથોસાથ તેમને આ સૉન્ગ પણ મોકલવામાં આવ્યું કે આ રીતે એક ટાઇટલ-સૉન્ગ તૈયાર કર્યું છે. જતિન પંડિતે કહ્યું હતું, ‘આ ગીત માટે હું બહુ પૉઝિટિવ હતો અને એનું કારણ એમાં વારંવાર વપરાયેલું ફિલ્મનું ટાઇટલ હતું. મોહબ્બતેં શબ્દની મોટી ખાસિયત એ છે કે એ બહુવચન છે એટલે એને પ્રાસમાં બેસાડવો બહુ અઘરો છે. બીજું એ કે આ ટાઇટલ-સૉન્ગમાં ઓછામાં ઓછું ૧૫ વખત ફિલ્મનું ટાઇટલ ‘મોહબ્બતેં’ આવતું હતું, જે ફિલ્મના ટાઇટલને વારંવાર અન્ડરલાઇન કરતું હતું, પણ...’

આનંદ બક્ષીએ લિરિક્સ આપ્યા અને એ જ ફાઇનલ થયા,

‘દુનિયા મેં કિતની હૈ નફરતેં

ફિર ભી દિલોં મેં હૈ ચાહતેં

મર ભી જાએ, પ્યારવાલે

મીટ ભી જાએ, યારવાલે

ઝિન્દા રહેતી હૈ ઉનકી મોહબ્બતેં...’

માત્ર મુખડા સાથેનું આ ટાઇટલ-સૉન્ગ ફાઇનલ થવાનું કારણ જાણો છો શું હતું?

આનંદ બક્ષીએ માત્ર અને માત્ર સ્ક્રિપ્ટને વફાદાર રહીને શબ્દો લખ્યા હતા અને આદિત્ય ચોપડા એ જ ઇચ્છતા હતા. જતિનવાળા

સૉન્ગ માટે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે

એમ હતો, જેને માટે તેની કોઈ તૈયારી

નહોતી. આને સ્ક્રિપ્ટ પ્રત્યેની વફાદારી કહેવાય, આને પોતાનો આત્મવિશ્વાસ પણ કહેવાય અને આ વાત ચોપડા અને બક્ષીસાહેબ બન્નેને લાગુ પડે છે.

સાંભળો, ના, જુઓ એક વાર આ ટાઇટલ-સૉન્ગ. માત્ર બે મિનિટ ૨૯ સેકન્ડનું જ છે, પણ દિલમાં ઇમોશન્સનો દરિયો ઊપસાવી દેશે.

‘મોહબ્બતેં’માં ટાઇટલ-સૉન્ગ અને ‘ચલતે ચલતે યૂં હી...’ના બન્ને ભાગ સહિત કુલ ૭ સૉન્ગ છે, પણ હકીકતમાં આઠ હતાં. એક ગીત એડિટ-ટેબલ પર હટાવવામાં આવ્યું અને જતિન-લલિતનું એ સૉન્ગ ત્યાર પછી ‘હમ તુમ’માં વાપરવામાં આવ્યું. 

mohabbatein Shah Rukh Khan columnists