30 April, 2022 11:44 AM IST | Mumbai | Jigisha Jain
આપણે ત્યાં વૃક્ષો લાલ અને સફેદ પટ્ટાથી કેમ રંગાયેલાં છે?
આમ તો આ વર્ષો જૂની આપણી વડવાઓની પદ્ધતિ છે જે ચાલી આવી છે પરંતુ આ રીત ફક્ત વૃક્ષ એકસરખાં અને સુંદર દેખાય એટલા માટે જ નથી વપરાતી, એની પાછળ પણ સાયન્સ છે જે સમજ્યા પછી આજે વિશ્વ સ્તરે એની ગણના થઈ રહી છે અને દુનિયાના બીજા દેશો પણ ત્યાંના વૃક્ષો માટે આ રીત અપનાવવા ઇચ્છે છે
ઘણી વસ્તુઓ આપણી આજુબાજુ એવી હોય છે જે આપણા માટે એટલી સહજ હોય છે જે એ કેમ આવી છે એવો પ્રશ્ન આપણને ભાગ્યે જ થાય છે. પરંતુ કોઈ બહારની વ્યક્તિ જ્યારે આવીને પ્રશ્ન ઉઠાવે ત્યારે આપણે પણ એ બાબતે જાગૃત થઈએ છીએ. આવું જ કંઈક ૨૦૨૧માં થયું જ્યારે મલેશિયાના કેદાહ સ્ટેટના રાજા સુલતાન તુઆંકુ સલ્લેહુદ્દીન મુંબઈની મુલાકાતે આવ્યા હતા અને તેમણે અહીંનાં વૃક્ષ ગેરુ અને ચૂનાથી લીંપાયેલાં જોયાં. આ વસ્તુ તેમણે પહેલાં દેહરાદૂનમાં પણ જોઈ હતી. તેમને આ બાબતે જાણવાની ઇચ્છા થઈ કે વૃક્ષને લાલ-સફેદ-લાલ એમ પટ્ટાઓમાં કેમ રંગવામાં આવ્યા છે. એનું કારણ શું? આપણે ત્યાં આ રીતે વૃક્ષને રંગવાનું કામ કેટલાંય વર્ષોથી ચાલ્યું આવે છે. આપણે તો વૃક્ષ આવાં જ જોયાં છે. અને એવાં રંગાયેલાં સુંદર દેખાય એટલે આપણને કોઈ દિવસ એવો પ્રશ્ન પણ થયો નથી કે વૃક્ષને આમ રંગવાનું શું કારણ? પરંતુ મલેશિયાના રાજાને જો આ પ્રશ્ન થાય તો એનો જવાબ તો શોધવો જ રહ્યો એટલે એની જવાબદારી મુંબઈના મલેશિયન કાઉન્સિલ જર્નલને સોંપાઈ જેનો જવાબ બીએમસીના સુપરિન્ટેન્ડન્ટ ઑફ ગાર્ડન જિતેન્દ્ર પરદેશીએ શોધ્યો અને એને એક લેખનું સ્વરૂપ અપાયું જે યુકેના આર્બોરિકલ્ચર અસોસિએશનના ઑફિશ્યલ મૅગેઝિન ARB મૅગેઝિનની ઑટમ એડિશનમાં છપાયો પણ. વિચારો કે ભારતની વર્ષો જૂની એક સાધારણ જણાતી ટેક્નિકની આંતરરાષ્ટ્રીય સ્તરે ગણના થઈ અને દુનિયાના દેશોએ આ ટેક્નિક અપનાવવામાં રસ પણ બતાવ્યો. મલેશિયાના રાજાને આ ટેક્નિક વિશે જાણકારી મળી પછી તેમણે તેમના દેશમાં પણ આ જ ટેક્નિક અપનાવવામાં રસ બતાવ્યો હતો. મુંબઈનાં મોટા ભાગનાં વૃક્ષ જે રીતે રંગાયાં છે એ આ પ્રાચીન ટેક્નિક શું છે અને શેના માટે
એનો ઉપયોગ કરવામાં આવતો હતો એ આજે જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીએ.
ગેરુ અને ચૂનો
પહેલાં તો એ છે શું એ સમજીએ. વૃક્ષ પર જે સફેદ પટ્ટો મારવામાં આવે છે એ ચૂનાનો હોય છે જેને કૅલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે અને જે લાલ ઈંટ રંગનો પટ્ટો મારવામાં આવે છે એ ગેરુ હોય છે. વૃક્ષના થડને આ રીતે દોઢ મીટર જેવા વ્યાપમાં રંગવામાં આવે છે. જમીનથી લગોલગ ગેરુનો પછી ચૂનાનો અને પછી ફરી ગેરુના આ પટ્ટામાં દરેક પટ્ટો લગભગ ૩૦-૪૦ સેન્ટિમીટર જેટલી પહોળાઈનો રખાય. ગેરુ અને ચૂનાને પાણીમાં ભેળવીને પેઇન્ટ તૈયાર કરવામાં આવે છે અને વૃક્ષ પર એનું એક પાતળું લેયર જ લગાવવામાં આવે છે.
સરકારી પ્રૉપર્ટી અને સેફ્ટી
વર્ષોથી આ ટેક્નિક સરકારી વૃક્ષો માટે વપરાતી આવી છે, જેના વિશે વાત કરતાં જિતેન્દ્ર પરદેશી કહે છે, ‘પહેલાંના સમયમાં આ વૃક્ષ સરકારનું છે અને સરકારની પ્રૉપર્ટી તરીકે અલગ તરી આવે એટલે એને પેઇન્ટ કરવામાં આવતું. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પેઇન્ટ જુએ તો એ વૃક્ષને કાપવાની હિંમત ન કરે એ માટે પરવાનગી જોઈશે એમ એ સમજી શકે એ માટે પેઇન્ટ જરૂરી હતો.’
પણ પ્રશ્ન એ થાય કે આવા ત્રણ પટ્ટા જ કેમ? એ વિશે તેઓ કહે છે, ‘પહેલાંના સમયમાં રોડ પર બાઉન્ડરી નહોતી. એટલે રોડ પૂરો ક્યાં થાય છે એ માટે રોડની સાઇડ પર વૃક્ષ ઉગાડવામાં આવતાં. આ વૃક્ષ દિવસના ગેરુ રંગને લીધે દેખાઈ આવતું જ્યારે રાત્રે એ સમયે લાઇટો એટલી નહોતી ત્યારે સફેદ ચૂનો એકદમ આંખ સામે આવતો જેથી ખબર પડતી કે અહીં વૃક્ષ છે અને એનાથી ઍક્સિડન્ટ્સથી બચી શકાતું. આજે પણ હાઇવે પર આ રીતે ઘણા ઍક્સિડન્ટ ટાળી શકાય છે. વૃક્ષ, વ્યક્તિ અને વાહન બચાવી શકાય છે. આમ સેફ્ટી માટે એ ઉપયોગી છે.’
સુંદરતા
મુંબઈમાં લગભગ ૨૯ લાખ વૃક્ષ છે. આ દરેક વૃક્ષને બીએમસી આ જ રીતે છેલ્લાં ઘણાં વર્ષોથી પેઇન્ટ કરતું આવ્યું છે. મુખ્યત્વે રોડસાઇડ અને ગાર્ડનમાં રહેલાં વૃક્ષોને આ રીતે પેઇન્ટ કરવાની પ્રથા મુંબઈમાં છે. બાકીની પ્રાઇવેટ કે ઇન્ડસ્ટ્રિયલ જગ્યાઓએ આવું થતું નથી. આ પ્રકારના વૃક્ષનું રંગરોગાન અતિ આકર્ષક અને સુંદર લાગે છે. બધાં વૃક્ષ એકસરખાં દેખાય છે, જેને લીધે બાગની સુંદરતા કે રોડની સુંદરતા પણ વધે છે. એટલે જ લોકોનું ધ્યાન એના પ્રત્યે આકર્ષાય છે. જોકે
આજકાલ જુહુ જેવા એરિયામાં વૃક્ષોને જુદા-જુદા રંગના પેઇન્ટથી રંગીને વધુ કલાત્મક બનાવવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. પરંતુ એનાથી ફક્ત સુંદરતા જ વધે છે, વૃક્ષને એનાથી કશો લાભ થતો નથી. આપણા વડવાઓની
પુરાતન ટેક્નિક્સ એવી હતી જેનાથી સુંદરતા તો વધે જ પરંતુ વૃક્ષને પણ લાભ થાય.
ઇન્ફેક્શનથી રક્ષણ
આ ગેરુ અને ચૂનાના પટ્ટાઓથી રંગવાનું સાયન્સ એવું છે કે એનાથી વૃક્ષને ખૂબ ફાયદો થાય છે. એ વિશે વાત કરતાં જિતેન્દ્ર પરદેશી કહે છે, ‘વૃક્ષને હંમેશાં ફંગલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવવું જરૂરી બને છે. આ બન્ને પ્રકારનાં ઇન્ફેશન હવા અને જમીન બન્ને માર્ગે આવે છે. એમાં જમીન માર્ગે આવતા ઇન્ફેક્શનથી આ ટેક્નિક વડે વૃક્ષને બચાવી શકાય છે. જમીનમાં આપણે કોઈ પણ કચરો ફેંકતા હોઈએ છીએ અને વૃક્ષની સપાટી પર રહેલી ગંદકી આ ઇન્ફેક્શનને પ્રોત્સાહન આપતી હોય છે. ગેરુ આલ્કલાઇન છે અને ચૂનો ઍસિડિક. આ બન્ને માધ્યમમાંથી પસાર થઈને કોઈ ફંગલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન વૃક્ષમાં લાગી નથી શકતું અને વૃક્ષનું રક્ષણ કરે છે.’
જીવજંતુથી રક્ષણ
કોઈ પણ વૃક્ષ પર જીવજંતુ કે ઇન્સેક્ટ આક્રમણ કરે તો એનાં પાંદડાં અને થડ બન્ને પર એનાં લક્ષણો દેખાય છે. થડને હંમેશાં એ કોરી ખાતાં હોય છે. આ વાત કરતાં જિતેન્દ્ર પરદેશી કહે છે, ‘જ્યારે એકસાથે હજારો વૃક્ષોનું ધ્યાન રાખવાનું હોય ત્યારે એવું બનતું હોય છે કે દરેક વૃક્ષને તમે બારીકીથી ન જોઈ શકો
અને ક્યારેક આ જીવજંતુઓને કારણે વૃક્ષ તો અસરગ્રસ્ત થયું હોય પણ એના પર ધ્યાન ન જાય તો એ છૂટી જાય છે. જ્યારે આ રંગના પટ્ટાઓ માર્યા હોય ત્યારે એને ઓળખવાનું સરળ બને છે. જો જીવજંતુ વૃક્ષને કોરી ખાય તો એમાં તરત જ કાણું દેખાય અથવા કોઈ ચિહ્ન દેખાય જે આંખે ઊડીને વળગે. એથી જીવજંતુઓથી એમનું રક્ષણ કરવું સરળ બને છે.’
સસ્તું પણ પડે
આટલા ફાયદાઓ ઉપરાંતનો સૌથી મોટો ફાયદો એ છે કે આ ટેક્નિક એકદમ કૉસ્ટ-ઇફેક્ટિવ છે. ગેરુ અને ચૂનાથી સસ્તું શું હોઈ શકે? બીજાં કેમિકલ્સ કે કીટનાશકો કરતાં એ વીસગણું સસ્તું પડે છે. આમ આ ટેક્નિક છે સસ્તી, સુંદર અને ટકાઉ. વર્ષમાં એક વખત બીએમસીએ વૃક્ષને આ રીતે રંગવાની જરૂર પડે છે, કારણ કે વરસાદમાં એ ધોવાઈ જાય છે. એટલે દર વરસાદ પછી લગભગ દિવાળીના સમયમાં દરેક વૃક્ષ પર નવા પટ્ટાઓ રંગીને એને ફરી તૈયાર કરવામાં આવે છે.
કોઈ પણ કરી શકે?
આમ તો આ પ્રકારનાં વૃક્ષ એક ઓળખ છે કે આ ઝાડ સરકારી છે. પરંતુ કોઈ સોસાયટી કે ખાનગી રીતે લોકો વૃક્ષને આ રીતે પેઇન્ટ કરાવવા ઇચ્છે તો કરાવી શકે? આ પ્રશ્નના જવાબમાં જિતેન્દ્ર પરદેશી કહે છે, ‘બિલકુલ કરાવી શકે. ઘણી સોસાયટી કરાવે જ છે. વૃક્ષ માટે એ ફાયદાકારક છે એટલે એમાં કોઈ કાનૂન લાગુ પડતા નથી.’
આ રંગરોગાન વૃક્ષનું રક્ષણ પણ કરે છે. ગેરુ આલ્કલાઇન છે અને ચૂનો ઍસિડિક. આ બન્ને માધ્યમમાંથી પસાર થઈને ફંગલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન વૃક્ષમાં લાગી નથી શકતું અને વૃક્ષને રક્ષણાત્મક કવચ મળે છે - જિતેન્દ્ર પરદેશી, સુપરિન્ટેન્ડન્ટ ઑફ ગાર્ડન, બીએમસી
29,75,283
૨૦૨૦ની સાલમાં મુંબઈમાં થયેલી વૃક્ષોની ગણતરી મુજબ બધાં જ થઈને કુલ આટલાં વૃક્ષો છે