02 August, 2024 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો એકદમ જોરદાર વરસાદ પડતો હોય તો મારી આંખ સામે એક જ ઘટના આવે, મોરબીના મચ્છુ ડૅમની હોનારત. હું મોરબીનો નથી એટલે મેં એ ઘટના જોઈ નથી અને બીજી વાત, એ ઘટના બની ત્યારે મારો જન્મ નહોતો થયો, પણ હું ‘મચ્છુ’ નામની એક ફિલ્મ કરું છું જે એ ડૅમ-હોનારત પર આધારિત છે. ફિલ્મોની બાબતમાં હું ચૂઝી છું. મને તળની વાર્તાઓમાં વધારે રસ પડે છે અને એમાં પણ જો રિયલિસ્ટિક ઘટના હોય તો તો મને બહુ મજા પડી જાય.
‘મચ્છુ’ ફિલ્મ કરતાં પહેલાં મેં એ ઘટના વિશે જેટલું પણ જાણવા મળે એ બધું જાણવાની કોશિશ કરી અને એ પછી જ મેં એ ફિલ્મ માટે હા પાડી. હોનારત સમયની વાતો આપણને ધ્રુજાવી દેનારી છે. કહે છેને કે આગ સાથે મસ્તી ન હોય. એવું જ પાણીનું હોય છે, એની સાથે મસ્તી ન હોય. મચ્છુ ડૅમ તૂટ્યો એ રાતનો સમય હતો. આખું મોરબી સૂતું હતું અને ગામમાં પાણી ઘૂસ્યાં. કહે છે કે પાણી ઘૂસવાની ઝડપ એટલી વધારે હતી કે પાંચથી દસ મિનિટમાં તો આખા મોરબી શહેરમાં બબ્બે ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં. નૅચરલી શરૂઆતમાં તો લોકો પોતાનો સામાન ઉપર મૂકવામાં બધામાં પડી ગયા, પણ એ પાણી વધવાનું ચાલુ જ રહ્યું. થોડી વારમાં ખબર પડી કે ઘરવખરી બચાવવાનો આ સમય નથી, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
આ ઘટના ૧૯૭૯માં બની હતી. એ સમયે ટેક્નૉલૉજી પણ આજ જેવી નહોતી. અરે લૅન્ડલાઇન ફોન પણ લક્ઝરી કહેવાતી અને એમાં મોરબી તો પાછું સાવ નાનકડું ગામ. જો સાચું હોય તો મેં સાંભળ્યું છે કે મોરબીમાં ડૅમ તૂટ્યો એના સમાચાર આપણી સરકારને એ સમયે BBC દ્વારા મળ્યા હતા અને એ પછી સરકારે મોરબીમાં તપાસ કરાવી પણ ફોન લાગતા નહોતા એટલે નજીકના મોટા સેન્ટર પરથી રૂબરૂ માણસો મોકલીને તપાસ કરી તો ખબર પડી કે મોરબીમાં પુલ તૂટ્યો છે અને એમાં હજારો લોકોના જીવ ગયા છે.
મેં એ સમયના બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફ્સ જોયા છે. ૧૫ ફુટ ઉપરના ઇલેક્ટ્રિક તાર પર ગાયો લટકતી હોય, ખાટલાઓ ચડી ગયા હોય. સેંકડો લોકોની તો ડેડ-બૉડી નહોતી મળી. બબ્બે માળ સુધી પાણી ભરાઈ ગયાં હોય અને એ પાણીમાં દરિયાનાં પાણી જેવી તાકાત હોય તો એવા સમયે તમે કલ્પના કરો કે માણસ કેવી રીતે એમાં સર્વાઇવ થયા હશે અને કેવી રીતે તેમણે પોતાની જાતને બચાવી હશે. મને થાય છે કે માણસને આ પૃથ્વી પર ટકાવી રાખવાનું કામ તેની જિજીવિષાએ જ કર્યું છે.
એક સમય હતો જ્યારે વરસાદ મને બહુ ગમતો, પણ મચ્છુ ડૅમ હોનારતની ઘટના વિશે જાણ્યા પછી વરસાદ આવે ત્યારે મને પહેલો વિચાર એ આવતો થઈ ગયો કે આ વરસાદ ક્યાંક કોઈ જગ્યાએ તારાજી ન સર્જે તો સારું.
- મયૂર ચૌહાણ (માઇકલના હુલામણા નામે પૉપ્યુલર થયેલા મયૂર ચૌહાણ ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોના ઍક્ટર છે.)