બિનઅનુભવી ડિમ્પલે સ્ક્રીનટેસ્ટમાં એવું તો શું કર્યું કે ‍રાજ કપૂરે તેને ‘બૉબી’ની હિરોઇન બનાવવાનું નક્કી કર્યું

03 September, 2022 02:03 PM IST  |  Mumbai | Rajani Mehta

મેકઅપ કરીને તૈયાર થયેલી ડિમ્પલને લઈને રાજ કપૂર સ્ટેજ પર લાવ્યા ત્યારે હાજર રહેલા દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન હતો

ફાઇલ તસવીર

જે દિવસે ડિમ્પલ કાપડિયાની સ્ક્રીનટેસ્ટ લેવાની હતી એ દિવસે આર. કે. સ્ટુડિયોના માહોલમાં એક ઉત્તેજના હતી. અનેક અનુભવી ચહેરાઓને છોડીને રાજ કપૂરે એક નવી ટીનેજરને  સ્ક્રીનટેસ્ટ માટે પસંદ કરી એ લોકો માટે કુતૂહલનો વિષય હતો. અભિનયનો કક્કો પણ જેને આવડતો નહોતો એ છોકરી સ્ક્રીનટેસ્ટમાં શું કરશે એ જાણવાની સૌને તાલાવેલી હતી.

મેકઅપ કરીને તૈયાર થયેલી ડિમ્પલને લઈને રાજ કપૂર સ્ટેજ પર લાવ્યા ત્યારે હાજર રહેલા દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન હતો. રાજ કપૂર એનાથી અજાણ નહોતા. તેમણે  સાઉન્ડ રેકૉર્ડિસ્ટ અલાઉદ્દીનને પૂછ્યું, ‘ક્યોં ખાનસા’બ, હમારી નઈ પસંદ આપ કો કૈસી લગી?’ અલાઉદ્દીન માટે કેવળ ડિમ્પલનો ચહેરો જોઈને આટલો વહેલો પ્રતિભાવ આપવો અઘરો હતો. તેમણે સાવધાનીપૂર્વક વચલો રસ્તો કાઢતાં એટલું જ કહ્યું, ‘બિસ્મિલ્લાહ.’

‘કલ આજ ઔર કલ’નો વિશાળ સેટ સ્ટુડિયોમાં તૈયાર હતો. એમાં એક વિશાળ દાદરો બનાવેલો હતો, જેના પર ડિમ્પલની સ્ક્રીનટેસ્ટ લેવાની હતી. એ દૃશ્યમાં રિશી કપૂરની પણ હાજરી હતી. રાજ કપૂરે ડિમ્પલને દૃશ્ય સમજાવ્યું. દાદરા પરથી ડિમ્પલ દોડતી-દોડતી નીચે આવીને રિશી કપૂરને કહે છે, ‘રાજુ, રાજુ, તુમ્હારે નામ સે મુઝે સ્કૂલ મેં સબ ચિઢાતે હૈં.’ અને આટલું કહેતાં તે રિશી કપૂરને વળગી પડે છે.

રાજ કપૂરની વાત ડિમ્પલે ચૂપચાપ સાંભળી. એક પણ પ્રશ્ન કર્યા વિના માથું હલાવી, તે દાદરો ચડીને ઉપર ઊભી રહી. ‘લાઇટ્સ ઑન’નો અવાજ સંભળાયો અને એક પછી એક લાઇટ્સ ઑન થઈ. કૅમેરામૅન તરફ જોઈ રાજ કપૂરે કહ્યું, ‘રાધુ?’ કૅમેરાના લેન્સની આરપાર જોતાં રાધુ કરમાકરે કહ્યું, ‘યસ, રેડી.’ રાજ કપૂરે કહ્યું, ‘સ્ટાર્ટ સાઉન્ડ.’ અલાઉદ્દીનની કૅબિનમાંથી આવાજ આવ્યો, ‘કૅમેરા’. અને રાજ કપૂરે કહ્યું, ‘ઍક્શન!’

રાજ કપૂરના અસિસ્ટન્ટ કલા ચંદ્ર ક્લૅપ આપીને પાછળ હટી ગયા. ડિમ્પલ સંવાદ બોલતાં-બોલતાં દાદરા ઊતરતી નીચે આવી અને બે-ત્રણ પગથિયાં બાકી હતાં ત્યાંથી તેણે રીતસરનો કૂદકો માર્યો અને રિશી કપૂરની બાંહોમાં વીંટળાઈ ગઈ. આ અણધારી હરકતથી કેવળ રિશી કપૂર જ નહીં, રાજ કપૂર સહિત દરેક ચોંકી ઊઠ્યા. પરંતુ ડિમ્પલનું એ  ઇમ્પ્રોવાઇઝેશન સૌને સહજ લાગ્યું એટલું જ નહીં, એના કારણે એ દૃશ્ય એકદમ વાસ્તવિક બની ગયું. એક સાવ બિનઅનુભવી કલાકારનું આવું સ્પૉન્ટેનિયસ રીઍક્શન ડિરેક્ટર માટે  બોનસ હતું.

રાજ કપૂરે રાધુ કરમાકરની નજીક જઈ તેનો પ્રતિભાવ જાણવા ધીમેથી પ્રશ્ન કર્યો, ‘રાધુ?’ તરત જવાબ મળ્યો, A star is born. એ વાત ખોટી નહોતી. ૮ જૂન, ૧૯૫૭  ડિમ્પલનો જન્મદિવસ છે. ‘બૉબી’ની સ્ક્રીનટેસ્ટ જૂન, ૧૯૭૧માં થઈ. એ સમયે ડિમ્પલ કેવળ ૧૪ વર્ષની હતી.

રાજ કપૂરના એક બે સિનિયર ટેક્નિશ્યને ત્યાં હાજર રહેલા ચુનીભાઈ કાપડિયાને પ્રશ્ન  કર્યો, ‘તમારી દીકરીએ અભિનયની શિક્ષા કોની પાસેથી લીધી છે?’ ચુનીભાઈનો જવાબ સાંભળી તે દંગ થઈ ગયા. ‘મારી દીકરીની અભિનયની તાલીમ આજથી જ રાજ કપૂરના હાથ નીચે શરૂ થઈ છે.’

આર. કે. સ્ટુડિયોના પ્રીવ્યુ થિયેટરના અંધકારમાં જ્યારે રાજ કપૂરે આ દૃશ્ય જોયું ત્યારે જ તેમને ખબર પડી ગઈ કે તેમના હાથમાં એક ચીંથરે વીંટ્યું રતન આવી ગયું છે. આટલાં વર્ષોનો તેમનો અનુભવ કહેતો હતો કે ડિમ્પલ એક સૉલિડ સ્ટાર મટીરિયલ છે. ‘બૉબી’ની તલાશ સફળતાપૂર્વક પૂરી થઈ એનો આનંદ તેમના ચહેરા પર છલકાતો હતો.

આ તરફ ચુનીભાઈ સાતમા આસમાને હતા. તેમને હવે એક જ ચિંતા હતી કે આ સારા સમાચાર કાપડિયાપરિવારને કેવી રીતે પહોંચાડવા? હકીકતમાં તેમના પરિવારમાં મોટા  ભાગના નિર્ણય તેમના કાકા લેતા હતા. પિતા કરતાં કાકાને મનાવવા વધુ મુશ્કેલ હતા. જો એક વખત કાકા માની જાય તો પછી પિતાને મનાવવા બહુ મુશ્કેલ નહોતું. તેમને વિચાર આવ્યો કે જો પરિવારને  કોઈ બહારની વિખ્યાત વ્યક્તિ આ સમાચાર આપે તો વાત બને. એ માટે તેમણે રાજ કપૂરની મદદ લેવાનું નક્કી કર્યું.

તેમણે રાજ કપૂરને કહ્યું, ‘તમે  રતિભાઈ પુનાતરને તો જાણતા જ હશો.’ (રતિભાઈ વીતેલા જમાનામાં રણજિત સ્ટુડિયોના જાણીતા ડિરેક્ટર હતા. રણજિત  સ્ટુડિયોમાં રાજ કપૂર વર્ષો પહેલાં નોકરી કરતા હતા.) રાજ કપૂરે કહ્યું, ‘હા, તેમને સારી રીતે ઓળખું છું. તેમનું શું કામ છે?’

એ દિવસોમાં રતિભાઈએ ઇન્ડસ્ટ્રીને રામ-રામ કરી દીધા હતા. તે ચુનીભાઈના કાકા નિમજીભાઈને સારી રીતે જાણતા હતા. નિમજીભાઈ ક્લિક નિક્સન નામની મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર હતા. રતિભાઈને મદદ કરવા તે કંપનીનાં નાનાં-મોટાં કામ તેમને આપતા. એટલે જો રતિભાઈની સાથે જઈને રાજ કપૂર ડિમ્પલની વાત નિમજીભાઈને કહે તો બહુ વિરોધ ન થાય એમ ચુનીભાઈનું માનવું હતું.

આમ રાજ કપૂર અને નિમજીભાઈની ૩૧ ઑગસ્ટ, ૧૯૭૧ના દિવસે મુલાકાત નક્કી થઈ. ચુનીભાઈને હતું કે ત્યાર બાદ પરિવારનો વિરોધ શમી જશે. પરંતુ બન્યું એનાથી ઊલટું. એ કિસ્સો યાદ કરતાં ચુનીભાઈ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ દિવસે બે પાર્ટી હતી. એક પાર્ટી હતી ડાન્સર ગોપી કિશનની અને બીજી હતી અભિનેત્રી સોનિયા સહાનીના જન્મદિવસની. એક પાર્ટીમાં હાજરી આપી બીજી પાર્ટીમાં બ્લૅક લેબલના સેવન પછી જ્યારે રાજ કપૂર કાકાને મળ્યા ત્યારે તે અલગ મૂડમાં હતા.

મુલાકાતની શરૂઆતથી તે આક્રમક અને ગુસ્સામાં હતા. અધૂરામાં પૂરું હોય તેમ તેમનો અને કાકાનો રીતસરનો ઝઘડો થઈ ગયો. રાજ કપૂરને ખરાબ એટલા માટે લાગ્યું કે કાકાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માટે પોતે શું માને  છે એ વાત સાફ-સાફ કરી. એ ઉપરાંત કાકાનું વર્તન તેમને ખૂબ તોછડાઈભરેલું લાગ્યું. અમે પાર્ટી છોડીને નીકળી ગયા. રસ્તામાં રાજ કપૂરે મને કહ્યું કે હવે તો હું ડિમ્પલને જ ‘બૉબી’ની હિરોઇન બનાવીશ. મેં પણ ત્યારે નિર્ણય કર્યો કે હવે હું કોઈના વિરોધની પરવા નહીં કરું. જે થાય તે, હું પિતા પાસે જઈને જ સીધી વાત કરીશ, કારણ કે કાકાને મનાવવા કરતાં તેમને મનાવવાનું કામ સહેલું હતું.’

‘બૉબી’ માટે હિરોઇન નક્કી થઈ ગઈ એટલે રાજ કપૂરે ફિલ્મના પેપરવર્કની તૈયારી શરૂ કરી. એટલામાં જ તેમણે એક એવો આંચકો અનુભવ્યો કે જેની કલ્પના નહોતી. ૧૨ ડિસેમ્બર, ૧૯૭૧ના દિવસે સંગીતકાર જયકિશનનું અવસાન થયું. થોડા  જ સમય પહેલાં પિતા અને માતાની વિદાય બાદ આર. કે. ટીમના મહત્ત્વના સાથી અને દોસ્તની અણધારી વિદાયથી રાજ કપૂર હચમચી ગયા. તેમના દિલોદિમાગમાં જયકિશન સાથે બનાવેલી અનેક ધૂન રમતી હતી, જેનો ઉપયોગ તે ‘બૉબી’ માટે કરવાના હતા. જયકિશન વિના ‘બૉબી’ની સંગીતમય કલ્પના સાકાર કેમ થશે એ વિચાર તેમને બેચેન કરી નાખતો.

ફરી એક વાર રાજ કપૂરે મન મક્કમ કરી, હકીકતનો સ્વીકાર કરીને ‘Show must  go on’ના સ્પિરિટથી આગળ વધવાનું નક્કી કર્યું. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૭૧, દશેરાના દિવસે, ચુનીભાઈ કાપડિયાએ પોતાની ૧૪ વર્ષની પુત્રી ડિમ્પલ માટે રાજ કપૂર સાથે ‘બૉબી’નો કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો. રાજ કપૂરને ‘બૉબી’નો ચહેરો તો મળી ગયો પરંતુ ‘બૉબી’ની લવ સ્ટોરીને સંગીતથી સજાવવા માટે શંકર-જયકિશનની જોડી સંપૂર્ણપણે હાજર નહોતી. એ ખોટ કોણ પૂરી કરશે એ મોટો પ્રશ્ન હતો.

‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ ફાઇનૅન્સર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ રાજ કપૂરને પોતાની જ શરતો પર કામ કરવા માટે મજબૂર કરતા હતા. કેવળ શંકર એકલા હાથે શંકર-જયકિશનનું બૅનર સફળતાપૂર્વક ચલાવી શકે એ વાતમાં તેમને શંકા હતી. તેમનું દબાણ હતું કે નવા સંગીતકારોને લઈને રાજ કપૂરે ફિલ્મ બનાવવી જોઈએ. આ તરફ રાજ કપૂર પણ એ જ અવઢવમાં હતા કે શંકર આ કામ પાર પાડી શકશે કે કેમ? સમય આવી ગયો હતો કે આર. કે. ફિલ્મ્સના પગારદાર સંગીતકાર શંકર જયકિશનને બાજુ પર મૂકીને બીજા કોઈ સંગીતકારનો સાથ લેવો પડશે. એ દિવસોમાં ત્રણ સંગીતકારોનું ઇન્ડસ્ટ્રીમાં વર્ચસ્વ હતું. કલ્યાણજી-આણંદજી, રાહુલ દેવ બર્મન અને લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ.  

છેવટે તેમની પસંદગીનો કળશ ઢોળાયો લક્ષ્મીકાન્ત–પ્યારેલાલની જોડી ઉપર. શા માટે એ વાત આવતા શનિવારે. 

columnists rajani mehta raj kapoor