12 March, 2023 01:05 PM IST | Mumbai | Acharya Devvrat Jani
બ્લૅક, બ્લુ અને રેડ કલર શું સૂચવે છે?
ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ કલર વાપરવામાં આવ્યા છે એ વાઇટ, ગ્રીન અને ઑરેન્જ કલરની આપણે વાત ગયા રવિવારે કરી. હવે વાત કરવાની છે અન્ય રંગોની. રંગની સીધી અસર વ્યક્તિની ઑરા પર થતી હોય છે અને આ જ કારણે શાસ્ત્રોમાં કહેવાયું છે કે વ્યક્તિએ પોતાનાં વસ્ત્રોથી માંડીને એની આસપાસ પણ એ જ કલરની ચીજવસ્તુઓ રાખવી જોઈએ જે તેની પર્સનાલિટીની સાથોસાથ પોતાના વિચારોની અભિવ્યક્તિમાં પણ ઉમેરો કરે તથા રંગોમાં રહેલી નકારાત્મકતાથી અંતર રાખી શકે.
ગયા રવિવારે કહ્યા હતા એ ત્રણ રંગ સિવાયના રંગોની વાત કરવી હોય તો એમાં સૌપ્રથમ આવે છે બ્લૅક કલર.
કાળા રંગમાં અશુભત્વ | આજકાલ બ્લૅક કલરનો ઉપયોગ વધ્યો છે, પણ ભારતીય શાસ્ત્રોએ કાળા રંગનો નિષેધ દર્શાવતાં બ્લૅક કલરને અસૂરો સાથે સરખાવ્યો છે. આ જ કારણ છે કે આપણે ત્યાં આજે પણ વડીલો શુભ કામમાં કાળા રંગનાં કપડાં પહેરવા સામે આપણને ટોકે છે. સાયન્સના કહેવા મુજબ, જેમ તીખો કોઈ સ્વાદ નથી એવી જ રીતે કાળો પણ કોઈ રંગ નથી. વિજ્ઞાનની આ વાસ્તવિકતાને ભારતીય શાસ્ત્રોએ સદીઓ પહેલાં જ દર્શાવી હતી અને કહ્યું હતું કે જેનું અસ્તિત્વ ન હોય એવા રંગને સાથે રાખવો એ અપશુકનથી સહેજ પણ ઓછું કે ઊતરતું નથી. અલબત્ત, આ જ કાળા રંગની કોઈ એક ચીજ શરીર પર હોય તો નજરથી બચાવવાનું કામ કરે છે તો સાથોસાથ શનિવારે પહેરેલો કાળો રંગ શનિમહારાજને ખુશ કરવાનું કામ કરે છે, તો જો સોમવારે આંતરવસ્ત્રો બ્લૅક કલરનાં પહેરવામાં આવે તો એ મહાદેવને પ્રસન્ન કરે છે.
બ્લુ કલરમાં પ્રવાહીત્વ | સતત જીન્સ પહેરતા લોકોને માલૂમ થાય કે જેમ બ્લૅક કલરને શનિદેવ સાથે સીધો સંબંધ છે એવી જ રીતે બ્લુ કલરને પણ શનિ સાથે સીધો સંબંધ છે. જો તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો દેખાશે કે નિયમિત બ્લુ જીન્સ પહેરતા અને જન્મકુંડળીમાં શનિ દૂષિત હોય એવા લોકો અથાગ મહેનત પછી છેક પરિણામે પહોંચે છે.
બ્લુ કલર પ્રવાહિતા દર્શાવે છે. જે બ્લુ કલરનો મહત્તમ ઉપયોગ કરે છે કે પછી કરતા રહે છે તેમની વિચારધારા કોઈ એક બાબત પર ચોક્કસ રહી શકતી નથી. દર પાંચમા દિવસે તેની વિચારધારા બદલે છે અને બદલાયેલી વિચારધારા સાથે તે પ્રખર રીતે ચોંટેલા રહેવાની દુહાઈ આપ્યા પછી ફરી પાંચમા દિવસે તેના વિચારોમાં બદલાવ આવે છે. જિદ્દી માનસિકતા ધરાવતા લોકો બ્લુ કલરનો વપરાશ વધારે તો તેની જીદમાં ફરક પડી શકે છે, તો સાથોસાથ બ્લુ કલરને કારણે તેની અકડાઈ પણ ઓછી થાય છે.
લાલ રંગમાં આક્રમકતા | લાલ રંગનું સીધું પ્રતિનિધિત્વ સૂર્ય સાથે છે અને સૂર્ય ઊર્જાથી ભરપૂર ગ્રહ છે. આવા સમયે જેનો સૂર્ય નબળો હોય તેણે લાલ રંગનાં વસ્ત્રો કે ચીજવસ્તુનો વપરાશ વધારવો જોઈએ, તો સાથોસાથ સૂર્ય જેનો સબળો હોય તેણે લાલ રંગથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ અને લાલ રંગનાં વસ્ત્રો બિલકુલ ન પહેરવાં જોઈએ. લાલ રંગ મંગળ સાથે પણ જોડાયેલો હોવાથી તે સૂર્યની ઊર્જાનું પણ પ્રતિનિધિત્વ કરે છે અને સાથોસાથ મંગળની આક્રમકતા પણ દર્શાવે છે, માટે જે ઉગ્ર સ્વભાવ ધરાવતા હોય કે પછી દરેક વાતમાં ઈગોઇઝમ સાથે આગળ વધતા હોય તેણે પણ રેડ વસ્ત્રો કે પછી એ પ્રકારની કોઈ પણ ચીજવસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ.
ફૅક્ટરીમાં ડ્રેસકોડ તરીકે લાલ રંગને સામેલ કરવો હિતાવહ નથી, પણ એની સામે જો સ્કૂલમાં લાલ રંગને ડ્રેસકોડ તરીકે વાપરવામાં આવે તો એ બાળકોમાં ઊર્જા ભરે છે, બાળક વધારે એનર્જી સાથે સ્કૂલમાં ધ્યાન આપે છે અને સ્કૂલની ઇતર પ્રવૃત્તિમાં પણ તે ઇન્ટરેસ્ટ લેતો થાય છે.