10 September, 2024 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિગરા
હમણાં એક ફિલ્મ આવે છે ‘જિગરા’. એ ફિલ્મનું ટીઝર હજી હમણાં જ રિલીઝ થયું એ જોઈને મને આ આખી વાત યાદ આવે છે જે મારે તમારી સાથે શૅર કરવી છે. આજે મોટા ભાગના લોકો મને જિગરદાન તરીકે નહીં, જિગરા તરીકે જ ઓળખે અને સંબોધન પણ મને જિગરાના નામથી જ કરે. મને વાંધો પણ નથી, જેને જે રીતે ગમે એ રીતે બોલાવે. બસ, બોલાવે એ મહત્ત્વનું છે, પણ ઍક્ચ્યુઅલી આ જે નામ છે ‘જિગરા’ એ મેં બીજા જ હેતુથી કૉઇન કર્યું હતું. હું ફિઝિયોથેરપી કૉલેજમાં હતો ત્યારની આ વાત છે. હા, હું ફિઝિયોથેરપિસ્ટ ડિગ્રી ધરાવું, પણ પ્રૅક્ટિસ ક્યારેય કરી નથી.
કૉલેજનું સેકન્ડ યર પૂરું કરતા સુધીમાં તો મને સમજાઈ ગયું કે કંઈ પણ થાય, મારે મ્યુઝિકના ફીલ્ડમાં જ આગળ વધવું છે, પણ હા, મેં મારું એજ્યુકેશન પ્રૉપર રીતે પૂરું કર્યું અને એ પછી મેં નક્કી કર્યું કે હવે અમે એક બૅન્ડ શરૂ કરીશું. અમારું બૅન્ડ કૉલેજ-ટાઇમથી જ હતું પણ ત્યારે તો શોખ ખાતર અમે એ બનાવ્યું હતું, પણ કૉલેજ પછી અમે પ્રોફેશનલી બૅન્ડને આગળ વધારવાનું નક્કી કર્યું એટલે પ્રશ્ન આવ્યો કે આપણે એને નામ શું આપીશું?
બધા નામ શોધવામાં લાગી ગયા, પણ અમને કોઈ નામ મળે નહીં. ઘણા ફ્રેન્ડ્સને પૂછ્યું. મારા સહિત બૅન્ડના બીજા મેમ્બર્સે પોતાની ફૅમિલીમાં પણ પૂછ્યું. નામ ઘણાં આવે, સજેશન ઘણાં મળે, પણ અમને કંઈ મજા આવે નહીં એટલે અમે નામ વિના જ એમનેમ સમય પસાર કરતા હતા. એ જ દિવસોમાં બન્યું એવું કે અમારી કૉલેજમાં અમારી સાથે ભણતા એક ફ્રેન્ડે મને રાડ પાડીને બોલાવ્યો. એ સમયે હું મારા બૅન્ડના બીજા બધા સાથીઓ સાથે ઊભો હતો અને પેલા ફ્રેન્ડે મને રાડ પાડી : ‘એય જિગરા...’ ઇટ ક્લિક્ડ.
મને થયું કે આપણે બૅન્ડનું નામ ‘જિગરા’ રાખીએ. આ નામનો અર્થ મને બહુ ગમે છે. ગુજરાતી અને હિન્દી બન્ને ઑડિયન્સને પણ આ નામ પોતીકું લાગે એટલે અમે બૅન્ડનું નામ જિગરા રાખ્યું, પણ ખબર નહીં કેમ, એ નામ પછી મારી સાથે જોડાઈ ગયું અને લોકો મને જિગરા કહીને બોલાવવા લાગ્યા. તમને જાણીને નવાઈ લાગશે, પણ મ્યુઝિક-ડિરેક્ટર સચિન-જિગરથી માંડીને ૯૯ ટકા લોકો આજે મને જિગરા કહીને જ બોલાવે છે. બૅન્ડમાં તો વધારે કામ થયું નહીં, પણ હા, ‘લવની ભવાઈ’ના ‘વ્હાલમ આવોને...’ સૉન્ગ અને એ પછીનાં સિંગલ્સને કારણે બીજું ઘણું કામ થયું અને પછી તો મ્યુઝિક જ મારી કરીઅર બની ગઈ. ફિઝિયોથેરપી પૂરી કર્યા પછી મ્યુઝિકમાં આગળ વધતી વખતે મને ડર નહોતો કે મ્યુઝિકમાં હું કંઈ કરી શક્યો નહીં. મને વિશ્વાસ હતો કે ગઢવીનો દીકરો છું, મ્યુઝિક મને પ્રેમથી અપનાવશે અને એવું જ થયું.