બિનજરૂરી શૉપિંગ ક્યાંક તો અટકાવો!

16 September, 2022 04:27 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આપણા શરીરનું ડોકોમી કેમિકલ રિલીઝ થાય છે જે આપણા માનસિક સંતુલનને નિયંત્રણમાં રાખે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વારતહેવાર હોય કે પ્રસંગ કે પછી કોઈ પણ કારણ વગર શૉપિંગ કરવું એ મોટા ભાગે સૌને ગમે. ઑનલાઇન શૉપિંગ અને રીટેલ શૉપિંગ સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીને મટાડે છે. વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર શૉપિંગ કરવાથી સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીનો ઘટાડો થાય છે. મૂડ સારો કરી ખુશ રહેવામાં મદદ કરે છે. આપણા શરીરનું ડોકોમી કેમિકલ રિલીઝ થાય છે જે આપણા માનસિક સંતુલનને નિયંત્રણમાં રાખે છે.

દિવસે-દિવસે શૉપિંગ કરનારાઓની સંખ્યા વધતી જાય છે. જરાક મૂડ ખરાબ થાય કે તરત મૉલમાં આંટો મારવા જતા રહે અને મૂડ સારો કરવા માટે ત્યાં જઈને વિન્ડો શૉપિંગ કરતાં-કરતાં પછી જરૂર હોય કે ન હોય પણ બિનજરૂરી વસ્તુઓ લઈને આવી જાય છે. ઘણા લોકો ટેન્શનમાં હોય કે તરત મોબાઇલ પર સ્ક્રૉલ કરીને ઑનલાઈન શૉપિંગ સાઇટ પર જઈને વસ્તુ ઑર્ડર કરે અને ખુશ ખુશ થઈ જતા હોય છે. જેવો મેસેજ આવે કે તમારો ઑર્ડર ડિલિવરી માટે ડિસ્પૅચ થઈ ગયો છે અને જેવી વસ્તુ આવે કે પૅકેટ ખોલીને જોવામાં ઉત્સાહ વધી જતો હોય છે. પૈસાની ચિંતા કર્યા વગર બિનજરૂરી ખરીદી કરનારને કદી પસ્તાવો પણ નથી થતો. પણ શું આ લાંબા ગાળાની ખુશી છે? તો જવાબ છે ના! જરૂરી શૉપિંગ અને બિનજરૂરી શૉપિંગની પાતળી રેખા સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે રીટેલ થેરપી માનસિક તાણ મુક્ત કરવા ગમે એટલી સારી હોય, પણ આખરે તો વ્યસન જ કહેવાય. માટે આ થેરપીને દવા કહો કે વ્યસન, પણ એના આદિ બનવું ન જોઈએ. અને લોકોએ આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક તરફ આપણે મોંઘવારી માટેના આરોપ-પ્રત્યારોપ કરતા હોઈએ છીએ, પરંતુ મોંઘવારીની સૌથી મોટી જડ આ આપણી જીવનશૈલીનો બિનજરૂરી ખર્ચો છે એ મોટું કારણ છે.

જેવું તમે ઑનલાઇન શૉપિંગની સાઇટ પર જઈ સ્ક્રૉલ કરવાનું શરૂ કરો અને તમારો મૂડ સારો થવા માંડે, તમે ખુશ થવા માંડો કે તરતજ ત્યાંથી સ્ટૉપ થઈ જાઓ અને બીજી પ્રવૃત્તિમાં લાગી જાઓ. બિનજરૂરી વસ્તુને ઍડ કાર્ટમાં ઍડ ન કરો. એ જ પ્રમાણે મૉલમાં ગયા હો કે માર્કેટમાં, જેવો મૂડ સારો થવા માંડે કે તરત જ ત્યાંથી બહાર નીકળીને પછી બીજા કાર્યમાં વ્યસ્ત થઈ જાઓ. પણ બિનજરૂરી ખરીદી કરીને પછીથી આવનાર નાણાકીય સમસ્યાને આમંત્રણ ન આપો. નહીંતર એક સમસ્યા માટે ખુશ થઈ સ્ટ્રેસ અને ડિપ્રેશનનાં બીજાં કારણો આવીને ઊભાં રહેશે અને આમ તમે ક્યારેય માનસિક તાણમાંથી બહાર નહીં આવી શકો. રીટેલ થેરપીને ઍડિક્શન બનતાં અટકાવો.

શબ્દાંકન : ભાવિની લોડાયા

columnists