28 May, 2023 03:47 PM IST | Mumbai | Ashok Patel
વીર સાવરકર
હું માફીવીર નથી કે માફી માગું
રાહુલ ગાંધીના આ હુંકારમાં માફીવીર શબ્દમાં વીર સાવરકરની અંગ્રેજોની માફી માગવાનો ઉપહાસ પડઘાતો હતો. એ ખરું કે વીર સાવરકરની સાથે-સાથે અંગ્રેજોની માફી માગી એ વાત સતત ચર્ચાતી રહી છે. પરંતુ અંગ્રેજોની માફી માગવાથી તેમની દેશભક્તિની સામે શંકા કરી શકાય એમ નથી એ પણ એટલું જ સત્ય છે. વાસ્તવમાં તેમને કાળાપાણીની સજા થઈ એ જ તેમની દેશભક્તિનો મોટો પુરાવો છે.
આઝાદીની લડાઈનો પાયો તો ૧૮૫૭ના બળવા સાથે જ નખાઈ ગયો હતો. એ સમયથી ગુલામીની ઝંજીર તોડવા માટેના પ્રયાસો થતા રહ્યા હતા પરંતુ એ છૂટાછવાયા હતા. એ પ્રયાસોએ દેશવાસીઓમાં આઝાદી માટે જાનની બાજી લગાવી દેવાનું પણ ઝનૂન પેદા કર્યું હતું. કેટલાય યુવાનો એ લડાઈમાં જોડાયા તો કેટલાક પરિવારો તો આખા જ આઝાદી માટે જંગે ચડ્યા હતા. એવો જ એક પરિવાર એટલે સાવરકર પરિવાર. કોંકણ પ્રદેશથી મહારાષ્ટ્રમાં આવીને વસેલા પંડિત દામોદર પંત અને પત્ની રાધાબાઈની કૂખેથી ત્રણ પુત્રો - ગણેશ, વિનાયક અને નારાયણ જન્મ્યા હતા. આ ત્રણે પુત્રો આઝાદી માટે બધું ન્યોચ્છાવર કરવા તૈયાર હતા. એ ત્રણ પૈકી ગણેશ અને વિનાયક સાવરકરને તો કાળાપાણીની સજા થઈ હતી. ગણેશનો કસૂર તો એટલો જ હતો કે તે લોકોમાં આઝાદીની ચેતના જગાવવા ક્રાન્તિકારી કવિતાઓ લખતા હતા. તો બીજી તરફ વિનાયકની તો વાત જ જુદી હતી.
૨૮ મે, ૧૮૮૩ના દિવસે નાશિકના ભાગુર ગામમાં જન્મેલા વિનાયક દામોદર સાવરકરના દેશપ્રેમ વિશે શંકા કરી શકાય એમ નથી. પરિવારમાં ક્રાન્તિ માટેનું ઝનૂન તો હતું જ, એમાંય માતાપિતાના અવસાન બાદ આ વિનાયક સાવરકર માટે જાણે આઝાદી એક માત્ર જ લક્ષ્ય બની ગયું હતું. ૧૯૦૧માં યમુના સાથે લગ્ન કર્યા બાદ પણ તેમની દેશની આઝાદી માટેની આગ ઠંડી પડી નહોતી. ૧૯૦૪માં અભિનવ ભારત નામનું સંગઠન શરૂ કર્યું હતું. બીજા જ વર્ષે સ્નાતક થયા બાદ લંડનમાં વકીલાતનું ભણવા માટે ઊપડ્યા હતા. ત્યાં સુધીમાં તો તેમનામાં ક્રાન્તિનું રણશિંગું ફૂંકાઈ ગયું હતું. લંડનમાં તેમણે કહ્યું હતું કે ૧૮૫૭ની લડાઈ સૈનિકોનો બળવો નહોતો, પણ આઝાદીની લડાઈ હતી. તેમણે ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ ૧૮૫૭ નામનું પુસ્તક પણ લખ્યું હતું, જે હોલૅન્ડ એટલે કે નેધરલૅન્ડ્સમાં પ્રકાશિત થયું હતું. સાવરકર જ્યારે લડતા હતા ત્યારે ગાંધીજીનું આગમન દેશમાં થયું નહોતું. દેશભરમાં ક્રાન્તિવીરો પોતાને સૂઝે એ રીતે આઝાદીની લડાઈ લડતા હતા. સ્વાભાવિક છે કે ગાંધીજીની અહિંસાનો વાયરો તો ફૂંકાયો જ નહોતો. અંગ્રેજોને મારીને જ ભગાવી શકાય એવી સામાન્ય દેશદાઝ બધામાં જોવા મળતી હતી અને વિનાયક સાવરકરમાં પણ એ જોવા મળતી હતી.
આ મુદ્દે સૂર પુરાવતાં જાણીતા લેખક દિનદરભાઈ જોષી કહે છે, ‘વીર સાવરકરની દેશભક્તિ માટે કોઈ જ શંકા કરી શકાય નહીં. એ ખરું કે તેમનો આઝાદી મેળવવાની લડતનો માર્ગ અલગ હતો. આઝાદી મેળવવી એ મહત્ત્વનું હતું, એ મેળવવા માટેના સાધનનું મહત્ત્વ નહોતું.’
દિનકરભાઈ કહે છે એમ સાવકરના રાષ્ટ્રપ્રેમ સામે આજ સુધી કોઈએ આંગળી ચીંધી નથી. આંગળી ચીંધી શકાય એમ નથી. આંદામાનની સેલ્યુલર જેલની જે કોટડીમાં તેમને રાખવામાં આવ્યા હતા એ જોઈએ તો સમજાઈ જાય કે તેમની સજા કેવી આકરી હશે. એ સજા ભોગવવાનું કાચાપોચાનું કામ નથી.
કાળાપાણીની સજા પામ્યા પછી તેમણે અંગ્રેજો પાસે માફીની માગણી કરી હતી એ વિશે દિનકરભાઈ કહે છે, ‘એવું પણ તારણ નીકળ્યું છે કે જેલમાં જિંદગી પૂરી કરવા કરતાં જેલની બહાર નીકળાય તો આઝાદીની લડતમાં કશુંક યોગદાન આપી શકાય એવો તેમનો આશય રહ્યો હશે.’
વિનાયક સાવરકર લડાઈ માટેના વ્યૂહ ઘડવામાં ખૂબ જ ચતુર હતા. અંગ્રેજોની સામેની લડત ચલાવવાનું ઝનૂન તેમનામાં જોવા મળતું હતું. પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતામાં તેઓ માનતા હતા. ૧૮૫૭ના બળવા ઉપર તેમણે એક પુસ્તક લખ્યું હતું, જેની હિન્દુ-મુસ્લિમ એકતાના ઉદાહરણ તરીકે પ્રશંસા થઈ હતી. ૧૯૯૦ની પહેલી જુલાઈએ અભિનવ ભારતના સભ્ય મદનલાલ ઢીંગરાએ સર કર્જન વાઇલીની હત્યા કરી હતી. સાવરકરે ૨૦ બ્રાઉનિંગ પિસ્ટલ અને એક બૉમ્બ બનાવવા માટેની બુકલેટ મોકલી હતી. આ હત્યા સંદર્ભે તેમની લંડનમાં ૧૯૦૯માં ધરપકડ થઈ હતી. તેમના પર વિવિધ અંગ્રેજ અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાનો તથા ભારતમાં બ્રિટિશ સરકારને ઉખેડી ફેંકવાનો આરોપ લગાવાયો હતો. સ્વાભાવિક છે કે આ અંગ્રેજોની હત્યામાં તેમનો હાથ હોય તો એ પાછળ તેમની દેશભક્તિ જ કારણભૂત હતી. દેશને આઝાદ કરવા માટે જે માર્ગ અપનાવવો પડે એ અપનાવવામાં તેમને કોઈ છોછ નહોતો.
કાળાપાણીની સજા એટલે એવી આકરી સજા કે એનું નામ સાંભળીને પણ હાંજા ગગડી જાય. એવી સજા ભોગવવા માટે વિનાયક સાવરકરને મોકલાયા. 13.5 X 7.5 ફુટની કોટડીમાં એક જ બારી હતી. કોટડીમાં 6 X 3 ફુટની લાકડાની પથારી હતી. પછીથી સાવરકરે લખ્યું હતું કે કોટડીમાં ગયો ત્યારે જાણે મોતના મુખમાં ધકેલાઈ ગયો હોય એવી અનુભૂતિ થઈ. કોઈને મળી શકવાનું તો ઠીક જોવાનું પણ શક્ય ન હોય ત્યારે એકાકી કેદ ભોગવવી કેટલી મુશ્કેલ છે એ સમજાઈ જાય છે. ૧૯૧૧ની ૧૧ જુલાઈના દિવસે સાવરકર આંદામાન પહોંચ્યા હતા તો ૨૯ ઑગસ્ટે જ તેમણે પહેલી માફી માગી હતી. એ માફી જ તેમની દેશભક્તિ સામેનું હથિયાર બની ગઈ એમ કહીએ તો ચાલે. તેમના રાષ્ટ્રપ્રેમને એ જ માફીનામાઓએ ઝાંખો પાડી દીધો એમ કહી શકાય. પરંતુ વીર સાવરકરનો રાષ્ટ્રપ્રેમ સો ટચના સોના જેવો જ હતો.
જોકે માફી માગવાને કારણે જેલમાં પણ કેટલીક છૂટ મળી શકે એમ હતી. વીર સાવરકરે આત્મકથામાં લખ્યું છે કે જો તેમણે જેલમાં હડતાલ પાડી હોત તો મને મળેલો પત્ર લખવાનો અધિકાર છીનવાઈ ગયો હોત. વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાય કહે છે, ‘વીર સાવરકર ચતુર ક્રાન્તિકારી હતા. તેમનો પ્રયાસ એવો રહેતો કે ભૂગર્ભમાં રહીને કામ કરવાની જેટલી તક મળે એટલી સારી. માફી માગવાથી લોકો તેમના વિશે શું કહેશે એ વિશે સાવરકરને કશી ચિંતા નહોતી. તેઓ એમ માનતા કે જેલની બહાર રહેવાય તો જે કરવા ઇચ્છે એ કરી શકાશે. એ કારણે જ તેમણે માફી માગી હશે.’
આઝાદીની લડાઈ તેઓ કરતા રહ્યા પરંતુ શરૂઆતમાં તો તેઓ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના સમર્થક હતા. ૧૮૫૭માં તેમના પુસ્તકમાં ભાઈચારાની વાત લખી છે. ૧૯૨૪માં કાળાપાણીની ૯ વર્ષની સજા ભોગવ્યા પછી રાજકારણમાં ભાગ નહીં લેવાની અને રત્નાગિરિ જિલ્લામાંથી બહાર નહીં જવાની શરતે તેમને છોડી મૂક્યા એ પછીના સાવરકરમાં મુસલમાનો પ્રતિ ક્રોધ અને બદલાની ભાવના પેદા થઈ હતી એમ લાગે છે. વીર સાવરકરે હિન્દુત્વ – હુ ઇઝ હિન્દુ? પુસ્તક લખ્યું, જેમાં તેમણે પહેલી વખત હિન્દુત્વનો એક રાજકીય વિચારધારા તરીકે ઉપયોગ કર્યો હતો. એ પણ નોંધવું પડે કે ગાંધીજીએ અસ્પૃશ્યતાની લડાઈ શરૂ કરી હતી તો સાવરકર પણ અસ્પૃશ્યતાના વિરોધી હતા. તેમણે સામાજિક દૂષણો સામે લડવા પતિત પાવન સંગઠન પણ શરૂ કર્યું હતું.
એ દરમ્યાન આઝાદીની લડતના કેન્દ્રમાં ગાંધીજી આવી ગયા હતા. ગાંધીજીએ આઝાદીની લડતને અહિંસાના પ્રયોગ તરીકેનો ઓપ આપ્યો હતો. પરંતુ બીજી તરફ સાવરકર તથા સુભાષચંદ્ર બોઝ જેવા અનેક ક્રાન્તિવીરો આઝાદી મળતી હોય તો હિંસા કરવાથી પરહેજ રાખતા નહોતા. એ દરમ્યાન ગાંધીજીની અહિંસક લડત તથા હિન્દુ મુસ્લિમ ભાઈચારાના વિચારોથી સાવરકર દૂર હતા. એ સંજોગોમાં જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે પણ તેમને ગાંધીજીની હત્યા બદલ ૮ આરોપીઓ સાથે પકડવામાં આવ્યા હતા. પરંતુ નક્કર પુરાવાના અભાવે વીર સાવરકરને છોડી મુકાયા હતા. પરંતુ ત્યારથી જ વીર સાવરકર ઉપેક્ષિત રહ્યા. આજે પણ માફીનામા અને ગાંધીજીની હત્યાનો આરોપ તેમનો પીછો છોડતો નથી અને તેથી જ આઝાદીની તેમની લડાઈમાં રહેલી દેશભક્તિ કે રાષ્ટ્રપ્રેમ પર ગ્રહણ લાગતું રહ્યું છે, પરંતુ તેમની દેશભક્તિ સામે શંકા રાખી ન શકાય એ પણ સત્ય જ છે. તેઓ કેટલા દૃઢ નિશ્ચયી હતા એ પણ જાણવા જેવું છે. ૧૯૬૬ની પહેલી ફેબ્રુઆરીના દિવસે તેમણે જૈનોની ભાષામાં કહીએ તો સંથારો લેવાનું નક્કી કર્યું હતું. તેમણે મૃત્યુ થાય ત્યાં સુધી મોંમાં અન્નનો દાણો નહીં મૂકવાનો નિશ્ચય કર્યો અને ૨૬મા દિવસે તેમનું નિધન થયું. આવું નોતરીને મોત કોણ માગે?