19 October, 2025 03:41 PM IST | Mumbai | Rajani Mehta
કે દત્ત
દરિયાકિનારે મોજાની આવનજાવનમાં ટહેલતા ભીના પગે લટાર મારવાની મજા કૈં ઓર છે. અલભ્ય મોતી તો મઝધારે ડૂબકી મારનારને મળે પરંતુ ઓટ બાદ ભીની રેતીમાં ચાલતાં નાનાં-નાનાં શંખલાં અને છીપલાંનું સૌંદર્ય ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી. ફિલ્મસંગીતના મહાસાગરના કિનારે ચાલતા આવા કુદરતના કરિશ્મા મોટા ભાગે અણદેખા રહી જાય છે પરંતુ એની ઉપેક્ષા કરવામાં આપણું જ નુકસાન થાય છે.
અલ્પપ્રસિદ્ધ સંગીતકારોની આ શ્રેણી અનાયાસ શરૂ થઈ ત્યારે ખબર નહોતી કે એ નિમિત્તે અણમોલ ગીતોના ‘હમ ભી તો પડે હૈં રાહોં મેં’ જેવા સ્વરકારોના સંગીતને કાન અને ધ્યાન આપવાનો અવસર મળશે. જગજિત સિંહની ગમતી ગઝલ ‘બાત નિકલેગી તો બહોત દૂર તલક જાએગી’ની જેમ એ સિલસિલાને આગળ વધારતા એવા બીજા બે સંગીતકારોની વાત કરવી છે જેમનું નામ પણ દત્તારામ હતું.
નૂરજહાંના ચાહકોને ૧૯૪૫ની ફિલ્મ ‘બડી માં’ના ‘આ ઇન્તઝાર હૈ તેરા, દિલ બેકરાર હૈ મેરા’ અને ‘દિયા જલા કર આપ બુઝાયા’ યાદ હશે જ. આ ફિલ્મના સંગીતકાર હતા દત્તારામ કોરગાંવકર જેમણે કે. દત્તાના નામે ફિલ્મોમાં સંગીત આપ્યું. કબૂલ કે તેમની ફિલ્મોનાં ગણ્યાંગાંઠ્યાં ગીતો જ લોકપ્રિય થયાં પરંતુ જે લોકપ્રિય નથી એની ગુણવત્તા ઓછી હોય છે એમ માનવું ભૂલભર્યું છે.
આજની ક્રિકેટક્રેઝી નવી પેઢીને જૂના ક્રિકેટર તરીકે કેવળ સર ડૉન બ્રેડમૅન સિવાય કોઈ બીજાનો પરિચય નથી. તેમની સામે સર જૅક હોબ્સનું નામ લઈને તો એ વળી કોણ છે એવો પ્રશ્ન કરે ત્યારે તેમને કહેવું પડે કે તેમની રમતમાં પણ ડૉન બ્રેડમૅન જેવી ગ્રેસ અને સ્ટાઇલ હતી. એવી જ રીતે, ભલે મશહૂર ન થયા તો પણ કે. દત્તાના સંગીતમાં એટલું જ માધુર્ય હતું.
તેમનો જન્મ ૧૯૦૮ની ૪ જૂનના થયો. પિતા સરકારી નોકરી કરે એટલે થોડા-થોડા સમયે બદલી થાય. તેમનું બાળપણ મોસાળમાં સાવંતવાડીમાં વીત્યું. સંગીતની રીતસરની કોઈ તાલીમ નહોતી લીધી પરંતુ કુદરતે સારો કંઠ આપ્યો હતો અને સંગીતમાં રુચિ હતી એટલે મુંબઈ આવ્યા. પશ્ચિમી સંગીતમાં ઊંડો રસ હતો. મુંબઈ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાં જોડાયા અને પદ્ધતિસર સંગીત શીખ્યા.
૧૯૩૭માં માસ્ટર વિનાયક ‘ધર્મવીર’ બનાવતા હતા. ફિલ્મની હિરોઇન બરાબર ગાતી નહોતી એટલે તેમણે દત્તાને મોકો આપ્યો. ત્યાર બાદ માસ્ટર વિનાયક સાથે જોડાયા અને સંગીત વિભાગમાં જવાબદારી સાંભળી. ૧૯૩૮માં ‘બ્રહ્મચારી’માં તેમના કામથી ખુશ થઈને માસ્ટર વિનાયકે ૧૯૩૯માં ‘મેરા હક’માં સ્વતંત્ર સંગીતકાર તરીકે જવાબદારી સોંપી.
ત્યાર બાદની તેમની ફિલ્મો હતી ‘યાદ’ (૧૯૪૨), ‘ઝમીન’(૧૯૪૩), ‘નાદાન’ (૧૯૪૩), ‘બદમાશ’ (૧૯૪૪), ‘બડી માં’ (૧૯૪૫), ‘યતીમ’ (૧૯૪૫), ‘શાહકાર’ (૧૯૪૭), ‘રંગમહલ’ (૧૯૪૮), ‘મેરી કહાની’ (૧૯૪૮), ‘હરિહર ભક્તિ’ (૧૯૪૮), ‘દામન’ (૧૯૫૧), ‘ગુમાસ્તા’ (૧૯૫૧), ‘રિશ્તા’ (૧૯૫૪) અને ‘અજનબી’ (૧૯૬૬) જે અધૂરી જ રહી ગઈ.
‘નાદાન’ ‘બડી માં’ અને ‘દામન’નાં ગીતો લોકપ્રિય થયાં પરંતુ સંગીતકાર તરીકેની તેમની કારકિર્દી ઊંચકાઈ નહીં. એનું કારણ શું એના જવાબમાં કે. દત્તા કહે છે, ‘નસીબ. નૂરજહાં (પાકિસ્તાન) ગઈ ઔર મેરા સાજ લે કર ગઈ. દૂસરા મેરે પ્રોડ્યુસર ફટાફટ મર ગએ ઔર સાથ મેં મૈં ભી મર ગયા.’
કે. દત્તાના ઘરે મહેફિલ જામતી ત્યારે અનિલ બિસ્વાસ, નૌશાદ, રોશન અને બીજા સંગીતકારો તેમની રચનાઓ માણવા જતા. સુરૈયાના સ્વરમાં ‘જાનેવાલે ઝરા દુનિયા કા ચલન’ની (‘રંગમહલ’) ધૂનથી પ્રભાવિત થઈને બડે ગુલામ અલી ખાન ખાસ તેમને મળવા આવ્યા હતા. નામ પરથી તેમને લાગ્યું કે કોઈ બંગાળી સંગીતકાર હશે. ‘એક અનોખા ગમ, અનોખી સી મુસીબત હો ગઈ’ (નાદાન – નૂરજહાં- ઝિયા સરહદી) સાંભળી સંગીતકાર રફીક ગઝનવી પાગલ થઈને કહે, ‘અરે યાર, ખુદા કે દરબાર મેં બૈઠ કે ગઝલ બનાઈ હૈ.’ નૂરજહાં મળે ત્યારે એક નાના બાળકની ઉત્સુકતાથી પૂછે, ‘દાદા, કોઈ નયી ચીઝ બનાઈ હૈ?’
નૂરજહાં તેમની ફેવરિટ સિંગર હતી. નૂરજહાંને દાદાની કાબેલિયત પર અને કે. દત્તાને નૂરજહાંના કંઠ પર વિશ્વાસ હતો. કે. દત્તા નૂરજહાંને યાદ કરતાં કહેતા, ‘નૂરજહાં એટલે બોલતું ચાલતું સંગીત. કેળવાયેલો બુલંદ સ્વર. તેની તાન બંદૂકની ગોળીની જેમ સનન.. જતી. હૃદયને ડોલાવી જતી. પોતે અભિનેત્રી હતી એટલે તેના ભાવ સૂરમાંથી નીકળતા. શિષ્ય ગુરુ પાસે બેસીને શીખે એવી નમ્રતાથી ગીત શીખતી. વચ્ચે ‘ઠીક ગા રહી હૂં ના?’ એમ પૂછતી. રેકોર્ડીંગ માટે આવે ત્યારે હાર્મોનિયમ વગાડે, ગપ્પાં મારે, સાથીદારોના ખબરઅંતર પૂછે. પણ આ બધું તેનો વર શૌકત હુસેન ન હોય ત્યારે. તેની હાજરીમાં તે ચૂપચાપ મૂંગા માણસની જેમ બેસી રહેતી.’
સંગીતપ્રેમીઓએ લતા મંગેશકર અને આશા ભોસલેના સ્વરમાં ‘ક્યા હુઆ યે મુઝે ક્યા હુઆ, ક્યા પતા’ (જિસ દેશ મેં ગંગા બહતી હૈ - શંકર જયકિશન – શૈલેન્દ્ર ), ‘ઓ ચાંદ જહાં વો જાએ’ (શારદા – સી. રામચંદ્ર – રાજેન્દ્ર કૃષ્ણ), ‘મન ક્યૂં બહકા રે બહકા આધી રાત કો’ (ઉત્સવ – લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – વસંત દેવ ) અને બીજાં ડ્યુએટ ગીતો સાંભળ્યાં જ હશે. પરંતુ મંગેશકર બહેનોનું સર્વપ્રથમ ડ્યુએટ કે. દત્તાના સંગીતમાં ‘દામન’ માટે રેકૉર્ડ થયું હતું. આ ગીતની તરજ કે. દત્તાએ જુહુના એક બંગલાની અગાસી પર બનાવી હતી. બન્યું એવું કે વાતાવરણમાં ગરમી હતી. હવાનું નામોનિશાન નહોતું. કે. દત્તાએ રાજા મહેંદી અલી ખાનના ગીતના મુડને પકડી પાંચ મિનિટમાં આ ગીતની તરજ બનાવી.
યે રુકી રુકી હવાએં, યે બૂઝે બૂઝે સિતારે
મેરી રાત કટ રહી હૈ, તેરી યાદ કે સહારે
મંગેશકર બહેનોના વિન્ટેજ સ્વરમાં આ ગીત સાંભળવા જેવું છે.
કે. દત્તાને કુંડળી જોવાનો શોખ હતો. તેમનું ભવિષ્યકથન સાચું પડતું એટલે જ તો ફિલ્મી દુનિયાની નામી હસ્તીઓ તેમની પાસે આવતી. એક સમય આવ્યો કે ઘરમાં સાંઈબાબાની નિયમિત પૂજા કરતા કે. દત્તા ઘરઆંગણે મોટા માણસોને આવતા જોઈ વિચારતા કે નવી ફિલ્મની ઑફર હશે. હકીકત એ હતી કે મોટા ભાગે એ લોકો પોતાના ગ્રહોની ચાલ જોવા આવતા. લાગે છે કે. દત્તાએ પોતાની કુંડળીનો પૂરતો અભ્યાસ નહીં કર્યો હોય. હિન્દી અને મરાઠી ફિલ્મોના આ સંગીતકારે ૧૯૭૮ની ૨૩ ડિસેમ્બરના વિદાય લીધી એની નોંધ ફિલ્મી દુનિયાએ લીધી કે નહીં એ ખબર નથી.
લેખમાં કે. દત્તાનાં જે ગીતોનો ઉલ્લેખ કર્યો છે એ ઉપરાંત તેમની કારીગરીને માણવા જેવાં મારાં ગમતાં ગીતો છે ‘તુમ હમ કો ભૂલ બૈઠે હો’ (બડી માં – નૂરજહાં – ઝિયા સરહદી), ‘કિસી તરહ સે મોહબ્બત મેં ચૈન પા ન સકે’ (બડી માં – નૂરજહાં – ઝિયા સરહદી), બેદર્દ ઝમાને સે શિકવા ન શિકાયત હૈ’ (રિશ્તા – લતા મંગેશકર – પંડિત ફણી), ‘ચકોરી કા ચંદા સે પ્યાર’ (દામન – લતા મંગેશકર -રાજા મહેંદી અલી ખાન), ‘સાજન સે પહલી બાર, કૈસે બોલે હાય’ (રિશ્તા – લતા મંગેશકર – પંડિત ફણી) અને ‘નન્હી મુન્ની બૂંદિયા મેરા જિયા લહરાએ’ (મેરી કહાની–લતા મંગેશકર-ઝિયા સરહદી). શક્ય છે તમને આ ગીતો ઓછાંવત્તાં અથવા જરાય ન ગમે. આ તો ‘પસંદ અપની અપની, ખયાલ અપના અપના’ જેવી વાત છે. મારું કામ આંગળી ચીંધવાનું છે. હું કાનસેન છું. આ ગીતો મને સ્પર્શે છે, દિલમાં મીઠો સણકો ઊપડે છે અને મન બાગ-બાગ થઈ જાય છે, બસ એટલું જ.
આવતા રવિવારે એક બીજા (કે ત્રીજા) સંગીતકાર જેમનું નામ હતું દત્તારામ, તેમની વાત કરીશું.