વિવિધતામાં એકતા એ જ તો ભારતની આગવી ઓળખ છે

26 April, 2020 08:28 PM IST  |  Mumbai | Rajni Mehta

વિવિધતામાં એકતા એ જ તો ભારતની આગવી ઓળખ છે

સુનો સુનો, ઓ ભાઈઓ, બહેનો

અરે મગનભાઈ, છગનભાઈ, સાંભળો રે સાંભળો

ઓ રાઘોબા, ઓ ઢોંઢીબા, આઇકા ઓ આઇકા

ઓય કર્નલસિંગ, ઓય જર્નલસિંગ, અરે તુસી ભી સૂણો પાપે

અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ

 આંખ જીસસે લડી હૈ વો પાસ મેરે ખડી હૈ 

- (કહાની કિસ્મત કી – કલ્યાણજી આણંદજી – રાજેન્દ્ર ક્રિષ્ણ – કિશોરકુમાર)

૧૯૭૩ની ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. તમે નોટિસ કર્યું હશે કે આ ગીતના મુખડામાં હિન્દી સાથે ગુજરાતી, મરાઠી અને પંજાબી ભાષાનો પ્રયોગ થયો છે. આજે ભારતની અલગ-અલગ પ્રાદેશિક ભાષાના શબ્દપ્રયોગો થયેલાં હિન્દી ફિલ્મનાં ગીતોની વાત કરવી છે.

એક સમય હતો જ્યારે મોટા ભાગે હિન્દી અને ઉર્દૂ ભાષામાં ફિલ્મનાં ગીતો લખાતાં, પરંતુ આઝાદી પછી ભાષાઓના આધારે અલગ-અલગ રાજ્યોનું ગઠન થયું અને આમ પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ વધતું ગયું, ત્યારથી છૂટાંછવાયાં ગીતોમાં એનો પ્રયોગ થવા લાગ્યો. એ દિવસોમાં હિન્દી અને ઉર્દૂ ભાષાના સમન્વય જેવી હિન્દુસ્તાની ભાષામાં મોટા ભાગનાં ગીતો લખાતાં હતાં.

વિખ્યાત ગીતકાર હસરત જયપુરી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હિન્દી અને ઉર્દૂ એ એકમેકથી છૂટી ન પડનારી  બે બહેનો છે. આ વાતની સાબિતી આપણને હિન્દી ફિલ્મોનાં ગીતોમાં મળે છે. બન્ને ભાષા એકમેકની પૂરક બનીને જેને આપણે હિન્દુસ્તાની જબાન કહીએ છીએ એ સ્વરૂપમાં સંગીતપ્રેમીઓને વર્ષોથી રીઝવતી આવી છે.’

હિન્દી ફિલ્મ સંગીતના ઇતિહાસ પર નજર નાખીએ તો હિન્દુસ્તાનીમાં લખાયેલાં અનેક અમર ગીતોની યાદ આવે. એ સાથે એક ખાસ વાતની નોંધ લેવી પડે કે હિન્દી ભાષાના કવિઓએ ચોટદાર ગઝલો લખી છે અને ઉર્દૂના શાયરોએ ભાવવાહી ભજનો લખ્યાં છે. રાજેન્દ્ર કૃષ્ણ, શૈલેન્દ્ર અને ઇન્દિવર જેવા ગીતકારોએ ઉત્તમ ગઝલો આપી; તો બીજી તરફ સાહિર લુધિયાન્વી, શકીલ બદાયુની અને મજરૂહ સુલતાનપુરીની કલમમાંથી ઉત્તમ ભજનો મળ્યાં છે. બે ગીત યાદ આવે છે. ફિલ્મ ‘અદાલત’ની સદાબહાર ગઝલ ‘ઉનકો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહેતે’ એ રાજેન્દ્ર કૃષ્ણ, મદન મોહન અને લતા મંગેશકરની કમાલ છે. એવી જ રીતે ફિલ્મ ‘બૈજુ બાવરા’નું લોકપ્રિય ભજન ‘મન તડપત હરિ દર્શન કો આજ’ શકીલ બદાયુની, નૌશાદ અને મોહમ્મદ રફીની ત્રિપુટીનું અમર સર્જન છે.    

શરૂઆતમાં એક સમય હતો જ્યારે કેવળ શુદ્ધ હિન્દી ભાષામાં ગીતો લખાતાં. એ દિવસોમાં મોટા ભાગે ધાર્મિક ફિલ્મો બનતી એટલે આવું બનતું. સમય જતાં હિન્દુસ્તાની ભાષાનો પ્રયોગ વધતો ગયો. છેલ્લાં થોડાં વર્ષોથી સમય, સબ્જેક્ટ અને સ્થળને અનુસાર ભોજપુરી, અવધિ, ગુજરાતી, મરાઠી, બંગાળી, તામિલ, તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ભાષાના શબ્દોનું ચલણ ગીતોમાં શરૂ થયું છે. આ દરેક ભાષાના શબ્દપ્રયોગના કારણે આ ગીતોની મધુરતામાં ઉમેરો થયો છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

અવધિ, ભોજપુરી અને બીજી ઉત્તર ભારતીય ભાષાઓના શબ્દોનો ઉપયોગ થયેલાં ગીતો અનેક છે. ‘બિના  બદરા કે બિજુરિયા કૈસે ચમકે’ (બંધન — લક્ષ્મીકાંત-પ્યારેલાલ  – અનજાન) ‘બીડી જઈલ લે જિગર સે પિયા, જિગરમાં બડી આગ હૈ (ઓમકારા – વિશાલ ભારદ્વાજ—ગુલઝાર) જેવાં ગીતો તરત યાદ આવે.  દિલીપકુમારની ‘ગંગા જમુના’માં તો મોટા ભાગના સંવાદો ભોજપુરી ભાષામાં હતા. બિગ બજેટ ફિલ્મ હોવા છતાં એક મોટું જોખમ લઈને આ અખતરો કરવામાં આવ્યો હતો. ‘નૈન લડ જઈ હૈં તો મનવા માં કસક હોઇબે કરી (નૌશાદ – શકીલ બદાયુની) આ ગીત બેહદ લોકપ્રિય થયું હતું. ‘સજનવા બૈરી હો ગયે હમાર, ચીઠિયા હો તો હર કોઈ બાંચે, ભાગ ન બાંચે કોઈ’ (તિસરી કસમ – શંકર-જયકિશન – શૈલેન્દ્ર)  ભુલાય એમ નથી.

અંગ્રેજી શબ્દોનો ઉપયોગ બહુ શરૂઆતથી હિન્દી ફિલ્મોનાં સંવાદ અને ગીતોમાં કરવામાં આવતો હતો. ‘Darling, My Love, I love you, Bye – Bye, Sorry, Happy Birth Day, Come On,  Hello અને બીજા અનેક શબ્દો સહજ રીતે સંવાદો અને ગીતોમાં જોવા મળે છે. અત્યારે તો અમુક દૃશ્યોમાં આખા ને આખા સંવાદો અંગ્રેજીમાં હોય છે. અમુક ફિલ્મોનાં નામ જ અંગ્રેજી હતાં અને ટાઇટલ સૉન્ગ્સમાં એ શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ‘An Evening In Paris’, ‘Love In Tokyo’, ‘Don’, ‘Mr. India’, ‘Disco Dancer’, ‘All the Best’ અને બીજી અનેક ફિલ્મોનાં ઉદાહરણ આપી શકાય.‍

અંગ્રેજી શબ્દપ્રયોગો થયા હોય એવાં થોડાં ગીતોનું લિસ્ટ જોઈએ... 

આના મેરી જાન સન્ડે કે સન્ડે (શહેનાઈ - સી. રામચંદ્ર -- પ્યારેલાલ સંતોષી), ‘સન્ડે કો પ્યાર હુઆ, મન્ડે ઇકરાર હુઆ, વનડે ના જાને ક્યા હોગા (કન્યાદાન – શંકર-જયકિશન – નીરજ), ફિલ્મ ‘જુલી’માં એક  ગીત અંગ્રેજીમાં જ લખાયું હતું. My heart is beating, keeps on reapeating’ (રાજેશ રોશન – હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય-પ્રીતિ સાગર).

અંગ્રેજી સિવાય વિદેશની બીજી ભાષાના શબ્દોનો પ્રયોગ થયો હોય એવાં ગીતો પણ છે. ફિલ્મ ‘સંગમ’ના એક ગીતમાં જર્મન ભાષાનો ફ્રેઝ ‘Ich liebe dich’ ( I Love You)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીત યુરોપમાં ફરતાં હીરો-હિરોઇન પરનાં દૃશ્યોમાં બૅકગ્રાઉન્ડમાં વાગતું હોય છે. ફિલ્મ ‘લવ ઇન ટોક્યો’માં એક ગીતના મુખડામાં જૅપનીઝ શબ્દ ‘Sayonara’ (આવજો)નો સરસ ઉપયોગ થયો છે. (સાયોનારા સાયોનારા, વાદા નિભાઉંગી સાયોનારા). ફિલ્મ ‘ધ ગ્રેટ ગૅમ્બલર’માં ઇટાલિયન ગીત ‘Amore Mio, Dove stai tu, Sto cercando, Sio solo mio’ (My Love, where are you, I am looking for you)ની ધૂન પરથી આનંદ બક્ષીએ ગીત લખ્યું ‘દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની’ જેમાં શરૂઆતમાં આ આખો ઇટાલિયન ફ્રેઝ મૂકવામાં આવ્યો છે.

બીજી એક ભાષા છે જેનો ભરપૂર પ્રયોગ હિન્દી ગીતોમાં થાય છે અને એ છે પંજાબી. કેચી ટ્યુન અને સૉન્ગ સિક્વન્સ માટે પંજાબી શબ્દો ખૂબ કામ આવે છે. ‘સોહણીએ’ (sweathart) માહી (Love) રબ્બા (God) ગલ (story) કૂડી (Young girl) જેવા શબ્દો એકદમ સહજ રીતે ગીતોમાં સમાવાય છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષોથી એવું બનતું આવ્યું છે કે પૂરેપૂરું ગીત પંજાબીમાં લખવામાં આવે છે. નૉન-પંજાબી ઑડિયન્સને આ વિશે ફરિયાદ હોઈ શકે, પરંતુ ધમાલમસ્તી અને ફાસ્ટ બીટ પર વાગતાં આ ગીતોને કારણે એ લોકપ્રિય થાય છે. એક વિવેચકે તો ત્યાં સુધી કહ્યું કે આજકાલ હિન્દી ફિલ્મોમાં એટલાં પંજાબી ગીતો આવે છે કે હવે પંજાબી ફિલ્મોમાં હિન્દી ગીતો હોવાં જ જોઈએ.

હિન્દી ફિલ્મોમાં પંજાબી ગીતોનો ટ્રેન્ડ શરૂ થવાનાં અનેક કારણો છે. દ્લેર મહેંદી, મીકા સિંગ અને બીજા પંજાબી ગાયકોનો ફિલ્મોમાં પ્રવેશ બાદ આ સ્વાભાવિક હતું. ફિલ્મોનું ઓવરસીઝ માર્કેટ મોટું થવા લાગ્યું. ફિલ્મોમાં નાચ, ગાન અને હલ્લા ગુલ્લાનાં દૃશ્યો વધવા લાગ્યાં. પ્રેક્ષકોમાં મોટા ભાગના યુવાનો હોવાને કારણે અત્યારે આવી પરિસ્થિતિ છે. ગીતકાર ગુલશન બાવરા ૨૦૦૮ના એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું પંજાબી છું. પાર્ટીશન પછી હું મુંબઈ આવ્યો. એ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગના પ્રોડ્યુસર, રાઇટર્સ, કલાકારો અને ફિલ્મનાં પાત્રો, આ દરેક પંજાબી હતા. મેં આજ સુધી એક પણ પંજાબી ગીત લખ્યું નથી, જ્યારે હવે હિન્દી અને ઉર્દૂ ગીતોને બદલે પંજાબી અને અંગ્રેજીનું ચલણ વધતું જાય છે.

યોગાનુયોગ ગુલશન બાવરા લિખિત ફિલ્મ ‘હકીકત’નું ‘લે પપ્પીયાં ઝપ્પીયાં પાલે હૂન’ (સમીર સેન- દિલીપ સેન) એ તેમનું લખેલું અંતિમ ફિલ્મીગીત હતું જેનું મુખડું પંજાબી હતું.

રાજસ્થાની લોકગીતો અત્યંત મીઠાં હોય છે. ‘કેસરિયા બાલમા પધારો મ્હારે દેશ’ની લોકપ્રિયતા અજાણી નથી. એ ભાષાના શબ્દપ્રયોગ થયેલાં થોડાં ગીતો જોઈએ...

‘સુનિયો જી અરજ મ્હારીયો બાબુલ હમાર, સાવન આઇયો ઘર લે જાઈહો’ ( લેકિન - હૃદયનાથ મંગેશકર -- ગુલઝાર)

 ‘મોરની બાગામા બોલે આધી રાતમા, છનનછન ચૂડીયાં ખનક ગઈ દેખો સાહીબા’ ( લમ્હે - શિવ હરિ  - આનંદ બક્ષી)

 ‘પલ્લો લટકે જી મારો પલ્લો લટકે’ ( નૌકર - આર. ડી. બર્મન -- મજરૂહ સુલતાનપુરી)

‘ઢોલી તારો ઢોલ બાજે’ અને ‘નિમ્બુડા નિમ્બુડા, કાચા કાચા છોટા છોટા નિમ્બુડા લઈ દે’ (હમ દિલ દે ચૂકે સનમ – ઇસ્માઇલ દરબાર – મહેબૂબ)

દક્ષિણ ભારતની ચાર મુખ્ય ભાષા છે તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આપણા માટે આ ભાષા સમજવી થોડી અઘરી છે એ છતાં એ ભાષાના શબ્દપ્રયોગો હિન્દી ફિલ્મનાં ગીતોમાં થયા છે.

‘બડક્મ્મા બડક્મ્મા એકડ પોથવ રા’ ( Oh Lady, where will you go away from me?) (શતરંજ -- શંકર-જયકિશન - કિરણ કલ્યાણી) આ ગીતનું પૂરું મુખડું તેલુગુમાં છે અને બે અંતરા હિન્દીમાં લખાયા છે.

‘મુત્થુ કોડી કવારી હડા’ (Shall we go and swim in kisses?) (દો ફૂલ -- આર. ડી. બર્મન -  મજરૂહ સુલતાનપુરી) તામિલ શબ્દોથી શરૂ થતું આ ગીત અત્યંત લોકપ્રિય બન્યું હતું. ‘રમૈયા વસ્તાવૈયા (Ramaiya, won’t you come to me?), મૈંને દિલ તુજકો દિયા (શ્રી 420 – શંકર-જયકિશન – શૈલેન્દ્ર),  ‘તેરે મેરે બીચ મેં કૈસા હૈ યે બંધન અનજાના’ (એક દુજે કે લિયે – લક્ષ્મીકાંત-પ્યારેલાલ – આનંદ બક્ષી), ‘જીયા જલે જાન જલે’ (દિલ સે – એ. આર. રહેમાન – ગુલઝાર ) અને બીજાં અનેક ગીતોમાં સાઉથ ઇન્ડિયન શબ્દોના પ્રયોગ કરવામાં આવ્યા છે.

બૉલીવુડની મોટા ભાગની ફિલ્મો મુંબઈમાં બને છે એટલે સ્વાભાવિક છે કે મરાઠી, કોંકણીના શબ્દપ્રયોગ હિન્દી ફિલ્મી ગીતોમાં આવે જ. મહારાષ્ટ્રના લોકસંગીત પરથી સી. રામચંદ્ર, વસંત દેસાઈ અને બીજા સંગીતકારોએ અસંખ્ય ફિલ્મી ધૂનો બનાવી છે. ‘ગોવિંદા આલા રે આલા’ (બલ્ફ માસ્ટર - કલ્યાણજી આણંદજી – રાજેન્દ્ર ક્રિષ્ણ) તરત યાદ આવે. બીજાં ગીતો છે; ‘દરિયા કિનારે એક બંગલો ગો પોરી ઐ જો પૈ (સબ સે બડા રૂપૈયા -- બાસુ મનોહરી – મજરૂહ સુલતાનપુરી), ‘સોડા માહજા હાથ, માલા પીને દે (ફિફ્ટી ફિફ્ટી – લક્ષ્મીકાંત-પ્યારેલાલ - આનંદ બક્ષી), ‘પિંગા ગા પોરી પિંગા’ અને ‘ગજાનના ફિતૂરી (બાજીરાવ મસ્તાની – સંજય લીલા ભણસાલી – સિદ્ધાર્થ–ગરિમા).  

તમને થશે કે દરેક ભાષાની વાત થઈ, પણ ગુજરાતીનું શું? આપણી માતૃભાષા કેમ ભુલાય? ચાલો એ ગીતોને યાદ કરીએ...  

‘શિયાર રહેના ખબરદાર રહેના... તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી’ (વરદાન -- કલ્યાણજી-આણંદજી - વર્મા માલિક) 

‘નગાડા સંગ ઢોલ બાજે... લીલી લીમડી રે લીલો નાગરવેલનો છોડ’ (રામલીલા - સંજય લીલા ભણસાલી – સિદ્ધાર્થ-ગરિમા)     

‘હો આવી ગઈ રાત.... પ્રેમની આ મોસમ છે. છોગાળા તારા (લવ રાત્રિ - તનિષ્ક બાગચી - દર્શન રાવલ - શબ્બીર અહમદ)      

 ‘મજાની લાઇફ... સિંગલ રહેવા દે મને’ (સિમરન – સચિન જિગર - વાયુ)    

કોઈને એમ સવાલ થશે કે અમુક તમુક ગીતો રહી ગયાં. અનેક ગીતો મળી શકે. આ તો એક ઝાંખી છે. હિન્દુસ્તાનની સભ્યતાની આ જ તો તાસીર છે. વિવિધતામાં એકતા એ જ આપણી આગવી ઓળખ છે. તો પછી ફિલ્મો અને ગીતો એમાંથી બાકાત કેમ રહી શકે? આવું જ એક ગીત યાદ કરીને આ વાત પૂરી કરીએ.

અંગ્રેજીમાં કહેતે હૈ કે આઇ લવ યુ

ગુજરાતીમાં બોલે તને પ્રેમ કરું છું

બંગાલી મેં કહેતે હૈ આમિ તુમહારો ભાલો બાસી

ઔર પંજાબી મેં કહેતે હૈ, તેરી તો...  

 તેરે બિન મર જાણા, મૈં તેનું પ્યાર કર્ણા...

ઓ સાથી હો... 

( ખુદ્દાર - રાજેશ રોશન -- મજરૂહ સુલતાનપુરી)

આ લેખ માટેની પૂરક માહિતી આણંદજીભાઈએ મને ભેટ આપેલ રાજીવ વિજયકરના પુસ્તક ‘મૈં શાયર તો નહીં’માંથી લીધી છે. આ પુસ્તક તૈયાર કરવામાં આપેલા સહયોગ બદલ લેખકે આણંદજીભાઈનો ઋણ સ્વીકાર કર્યો છે.  

columnists entertainment news bollywood