મોબાઇલની લત એ સ્તર પર ભયજનક છે કે ઍડિક્શન સેન્ટરની જરૂર પડશે

11 April, 2024 07:29 AM IST  |  Mumbai | Umesh Shukla

મોબાઇલ અનિવાર્ય છે ત્યારે એનો ઉપયોગ અનિવાર્યતા મુજબ થાય એ પ્રકારનું કામ આપણે કરવું પડશે અને એની શરૂઆત પેરન્ટ્સે જ કરવી પડશે.

પ્રતીકાત્મક તસવીર

આજે જ્યારે LGBTની બાબતમાં અનેક દેશોએ લિબરલ થઈને એ લોકોને તેમનો હક આપવાનું શરૂ કર્યું છે ત્યારે આપણે ત્યાં ઘણા લોકો એવું માનવા માંડ્યા છે કે આ વધારે પડતી છૂટછાટ છે. જોકે મને લાગે છે કે લેસ્બિયન હોવું કે ગે હોવું એ કદાચ બાયોલૉજિકલ ઇશ્યુ છે, એના તાર ક્યાંક શરીર સાથે જોડાયેલા છે એટલે એનો સ્વીકાર કરવા સિવાય છૂટકો નથી. જોકે એની સામે સાવ સામાન્ય લાગે એવા મોબાઇલની લત એ સ્તર પર વધી ગઈ છે કે ખરેખર મને ભયજનક લાગે છે. મેં એવાં અનેક બાળકોને જોયાં છે કે તેમની પાસેથી મોબાઇલ લઈ લેવામાં આવે તો તેઓ લિટરલી વિધડ્રૉઅલ સિન્ડ્રૉમ પર આવી જાય છે. તેમનામાં ઍન્ગર જોવા મળે અને તેઓ ડિપ્રેસ થઈ જાય. અરે, રડવા માંડે. હું સેવન્થ અને એઇટ્થ સ્ટૅન્ડર્ડમાં ભણતાં બાળકોની વાત કરું છું, મોટાંની નહીં. આ આપણા માટે વૉર્નિંગ છે, કારણ કે મોબાઇલને અને હવે ઇનથિંગ થતા Chat-GPT કે આ​ર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને આપણે સ્વીકારવા માંડ્યા છીએ. આપણા પછીની જનરેશન આના પર એ હદે આધારિત થઈ જશે કે એ પોતાનું દિમાગ વાપરતાં ભૂલી જશે. સામાન્ય ઍપ્લિકેશન લખવાની આવશે તો પણ તેઓ સીધા Chat-GPT કે AI પાસે પહોંચી જશે. દિમાગનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એનાથી ખરાબ વાત બીજી કઈ હોય.

રીલ્સ અને શૉર્ટ્સ જેવા એકેએક મિનિટના ​વિડિયો જોવા બેઠા પછી બાળકો એકેએક કલાક એમાં પસાર કરી નાખે છે. તેમને હસવું આવતું હોય કે પછી તેઓ આનંદ લેતાં હોય એટલે પેરન્ટ્સ પણ એવું માની લે કે તેઓ રિલૅક્સ થાય છે; પણ ના, હકીકતમાં તેઓ એવા સ્ટ્રેસમાં આવતા જાય છે જેની તમને ખબર નથી પડતી. મોબાઇલની આ જે લત છે એના માટે હું કહીશ કે એ ​સિગારેટ કરતાં પણ વધારે ભયાનક છે, કારણ કે મોબાઇલની લત એવી છે જે તમે હૉલમાં બેસીને પેરન્ટ્સની સામે પણ સંતોષી શકો. જોકે આપણે વડીલો સામે હૉલમાં બેસીને આમન્યા રાખીને સિગારેટની તલપ પૂરી નથી કરતા.

મોબાઇલ અનિવાર્ય છે ત્યારે એનો ઉપયોગ અનિવાર્યતા મુજબ થાય એ પ્રકારનું કામ આપણે કરવું પડશે અને એની શરૂઆત પેરન્ટ્સે જ કરવી પડશે. મોબાઇલથી લાભ થાય છે એ આજની જનરેશનને ખબર છે, પણ એના ગેરફાયદા કેટલા છે એના વિશે એ લોકોને અવેર કરવા પડશે અને ગવર્નમેન્ટે પણ ઇન્વૉલ્વ થઈને મોબાઇલના અતિરેક માટે જાગૃતિ લાવવી જોઈશે.

columnists