01 June, 2025 04:53 PM IST | Mumbai | Priyanka Acharya
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજકાલ લગ્નની વિધિ વખતે સપ્તપદી પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી જેટલું પ્રી-વેડિંગ શૂટ પર આપવામાં આવે છે. વાત કરીએ પુણેના એક આધુનિક યુગલ રિયા અને કુણાલની. તેમણે લગ્ન વખતે સાત નાણાકીય વચનોની આપ-લે કરી. લોકોને એ સમગ્ર વ્યવહાર એટલો ગમી ગયો કે સંગીત કરતાં વધારે મજા આવી હોય એટલી બધી તાળીઓ પડી.
તેમની આ ‘સપ્તપદી’’માંથી બધાએ બોધ લેવા જેવો છેઃ
1) અમે નાણાકીય વિષયે ચર્ચા કરીશું, પરંતુ એમાં અમારા પૂર્વગ્રહને ક્યાંય વચ્ચે આવવા નહીં દઈએ.
નાણાકીય બાબતોમાં સાથે મળીને નિર્ણયો લેવાના હોય છે. એમાં કોઈ જ પૂર્વગ્રહ રાખવાનો હોતો નથી. સામેવાળાને શું લાગશે એવું વિચારીને ચૂપ રહેવાનો એમાં અવકાશ હોતો નથી.
2) અમે એકબીજાનાં સપનાં અને જવાબદારીઓનું ધ્યાન રાખવાનું વચન આપીએ છીએ.
પરિવારમાં ક્રેડિટ કાર્ડના બિલની કે ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)ની ચુકવણી અથવા સાથે મળીને કોઈ સ્ટાર્ટઅપ કર્યું હોય તો એની લોનની ચુકવણી એ બધી જવાબદારીઓનું પતિ-પત્નીએ સંપૂર્ણપણે ભાન રાખવાનું હોય છે.
3) અમે સમજી-વિચારીને ખર્ચ અને બચત કરવાનું વચન આપીએ છીએ.
ઘરનું બજેટ બનાવવાનું હોય ત્યારે રોમૅન્સ બાજુએ રહી જતો નથી. ઊલટાનું આ કામ રોમૅન્ટિક રીતે પણ થઈ શકે છે. દરેક ખર્ચ તથા બચત અને રોકાણ બાબતે ચર્ચા કરીને સહિયારો નિર્ણય લેવામાં શાણપણ છે.
4) અમે એકબીજાની નાણાકીય સ્વતંત્રતાનું માન જાળવીશું.
બન્ને કમાનાર વ્યક્તિમાંથી કોઈ એક જણ બ્રેક લે અથવા તો નોકરી છોડી દે તો એનો અર્થ એવો નથી કે નાણાકીય બાબતમાં તેનું કહેવાપણું જતું રહે છે. પહેલાં જેટલો જ અધિકાર જાળવવામાં આવે ત્યારે નાણાકીય સ્વતંત્રતાનું માન જળવાયું કહેવાય.
5) અમે તાકીદની જરૂરિયાતો માટે તથા ભવિષ્ય માટે નાણાકીય જોગવાઈ કરી રાખવાનું વચન આપીએ છીએ.
દંપતી જ્યારે સાથે મળીને ભવિષ્યની તાકીદની જરૂરિયાતો તથા ભાવિ પ્રસંગો માટેની નાણાકીય જોગવાઈ કરે છે ત્યારે દામ્પત્યજીવનનું સુખ વધારે ભાસે છે.
6) અમે ફક્ત બોલવા માટે નહીં પરંતુ લેખિતમાં વસિયતનામું બનાવવા જેવું અગત્યનું કામ પણ કરીશું.
વસિયતનામું દરેક વ્યક્તિ માટે અગત્યનો દસ્તાવેજ હોય છે અને એ બનાવી લીધાથી ઘણું જ સુખ અનુભવાય છે.
7) અમે દર મહિને મની ડેટ પર જવાનું વચન આપીએ છીએ.
કૅન્ડલ લાઇટ ડિનર, કૉફી ડેટ, ફિલ્મ જોવા કે શૉપિંગ કરવા જવું એ બધાં કામની વચ્ચે દર મહિને ‘મની ડેટ’ પર જઈને નાણાકીય લક્ષ્યોની અને નાણાકીય પરિસ્થિતિની ચર્ચા કરવી એ પણ એક જલસો જ ગણવો.
જો નાણાકીય સપ્તપદીને પણ લગ્નની રીલ્સમાં સ્થાન મળે તો એ ચોક્કસપણે ઢગલાબંધ લાઇક્સ મેળવી શકે છે એ યાદ રહે. પરસ્પર આદર રાખીને અને પારદર્શકતા જાળવીને સપ્તપદીને અમલમાં મૂકવામાં આવે તો જીવન ખરેખર આનંદિત બને છે.