25 August, 2024 12:39 PM IST | Mumbai | Heena Patel
નાઇરોબીમાં કુંજન ધોળકિયાના ‘મહાભારત’ની ભવ્ય ભજવણી.
કૃષ્ણનું પાત્ર ભજવવું એ મારી ડેસ્ટિની છે : કુંજન ધોળકિયા
‘મહાભારત’માં કૃષ્ણનું પાત્ર ભજવવા વિશે કુંજન ધોળકિયા કહે છે, ‘મને હંમેશાં કૃષ્ણ ભગવાન મારા હૃદયની નજીક લાગ્યા છે. આપણે તેમના જીવન પર એક નજર ફેરવીએ તો આપણને જણાય કે તેમણે બાળપણમાં મસ્તી પણ ખૂબ કરી છે અને યુવાનીમાં પ્રેમ પણ એટલો જ કર્યો છે. ધર્મ માટે લડવાની વાત આવી ત્યારે પણ તેઓ મોખરે હતા. ઘણી વાર એમ પણ લાગે કે કૃષ્ણનું પાત્ર ભજવવું એ મારી ડેસ્ટિની છે. મારાં મમ્મી ઘણી વાર મને કહેતાં હોય કે હું જ્યારે ફક્ત બે મહિનાનો હતો ત્યારે બાળકૃષ્ણ બનેલો. મોમ્બાસામાં ભાગવત સપ્તાહનું આયોજન થયેલું એમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવવાનો હતો. એ વખતે મને બાળકૃષ્ણ બનાવવામાં આવ્યો હતો. મને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે એટલો પ્રેમ અને લાગણી છે કે મેં મારા દીકરાનું નામ પણ કૃદય રાખ્યું
છે. કૃષ્ણ અને હૃદયને સાથે જોડીને આ નામ રાખવામાં આવ્યું છે જેનો અર્થ કૃષ્ણનું હૃદય એવો થાય છે. હું છેલ્લાં આઠ વર્ષથી વીગન ડાયટનું અનુકરણ કરું છું. દૂધ માટે ગાયોને ઘણી યાતનામાંથી પસાર થવું પડે છે એના કરતાં આપણે જ જો દૂધ અને એમાંથી બનતી વસ્તુઓ ખાવાનું બંધ કરી દઈએ તો એમના પર થતો અત્યાચાર આપોઆપ બંધ થઈ જાય.’
ભારતીયો ભલે વિશ્વના કોઈ પણ ખૂણે જઈને વસે, પણ પોતાની ભારતીય સંસ્કૃતિ અને વારસાનું જતન કરવામાં તેઓ પાછા પડે એમ નથી. કદાચ એટલે જ આફ્રિકન દેશ કેન્યામાં મહાભારત-રામાયણના ભવ્ય સ્ટેજ-શો થઈ રહ્યા છે એટલું જ નહીં, એમાં કામ કરનારા કલાકારોમાં કેન્યાના મૂળ રહેવાસીઓથી લઈને વિવિધ ધર્મને અનુસરતા લોકો ભાગ લઈ રહ્યા છે. હવે તમે જ વિચાર કરો કે આ લોકોને હિન્દુ ગ્રંથોનાં પાત્રો ભજવતા કરવાનું કામ લોઢાના ચણા ચાવવાથી ઓછું છે? અશક્ય લાગતા આ કામને શક્ય બનાવવાનું કામ કરી દેખાડ્યું છે ગુજરાતી કુંજન ધોળકિયાએ. કુંજનનો જન્મ અને ઉછેર નાઇરોબીમાં થયો છે, પણ ભારતીય સંસ્કૃતિ સાથેનો તેનો ગાઢ નાતો રહ્યો છે. કુંજન બહુમુખી પ્રતિભાનો ધણી છે અને એટલે જ તેણે ‘મહાભારત’ શોની સ્ક્રિપ્ટ લખવાથી માંડીને એનું દિગ્દર્શન કરવાનું અને એમાં કૃષ્ણનું પાત્ર ભજવવાનું કામ કર્યું છે.
‘મહાભારત’ પાછળની મહેનત
નાઇરોબીના જૈન ભવન થિયેટરમાં ગયા મહિને ડાન્સ, મ્યુઝિક, લાઇટ, પ્રૉપ્સ સાથેના ‘મહાભારત’ના ચાર ભવ્ય શો થયા અને જોયા બાદ પ્રેક્ષકો આફરીન પોકારી ગયા. ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ નાટકને સાકાર સ્વરૂપ આપવામાં કુંજનને ૧૨ વર્ષની મહેનત લાગી હતી જે સફળ થઈ અને તેનું ‘મહાભારત’ નાટક થિયેટરમાં એટલું ગાજ્યું કે પ્રેક્ષકોના મનમાં એ એક ન ભૂંસાય એવી છાપ છોડી ગયું. કુંજન ‘મિડ-ડે’ને કહે છે, ‘મેં ભૂતકાળમાં રામાયણ અને કૃષ્ણના જીવન પર નાટકો કર્યાં છે, પણ મહાભારતને સ્ટેજ પર સજીવન કરવાનું કામ ખૂબ અઘરું છે. એક તો મહાભારત મહાકથા છે અને એને સાડાત્રણ કલાકના સ્ટેજ-શોમાં દેખાડવી અને એ પણ એવી રીતે કે એમાં કોઈ વિગત છૂટી ન જાય. ‘મહાભારત’ માટે કાસ્ટિંગ કરવાની વાત આવી ત્યારે પણ મૂંઝવણનો પાર નહોતો. સૌથી પહેલાં તો અમારા શોમાં ફક્ત ગુરુ દ્રોણનું પાત્ર ભજવનાર વ્યક્તિ જ પ્રોફેશનલ ઍક્ટર છે. બાકી બધા નૉન-ઍક્ટર. બીજું એ કે અમારી ટીમમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ ધર્મના લોકો હતા. હું એમ કહું તો ખોટું નહીં ગણાય કે ‘મહાભારત’નાં મોટા ભાગનાં મુખ્ય પાત્રો મુસ્લિમ વ્યક્તિઓએ જ ભજવ્યાં છે. અમારી ટીમમાં વિશ્વના વિવિધ દેશોમાંથી કેન્યા આવીને વસેલા અને ત્યાંના મૂળ રહેવાસીઓ હતા. તેમને મહાભારત શું છે એ સમજાવવું, એક-એક પાત્રની ગંભીરતા સમજાવવી, પાત્રને કઈ રીતે ભજવવું એ શીખવાડવાનું કામ ખૂબ ધીરજ માગી લે એવું છે. એમાં પણ યુદ્ધનું દૃશ્ય ભજવાતું હોય ત્યારે સ્ટેજ પર એકસાથે ૮૦-૯૦ પાત્રોને મૅનેજ કરતાં-કરતાં નાકે દમ આવી જાય. શરૂઆતમાં તો કોણે શું કરવું અને કઈ રીતે કરવું એની ગતાગમ જ ન પડે એટલે સ્ટેજ પર રીતસર અફરાતફરીનો માહોલ સર્જાય એટલે દરેક વ્યક્તિ તેના પાત્રને ન્યાય આપે એની ખાતરી કરવા તમારે મહિનાઓ સુધી પ્રૅક્ટિસ કરાવવી પડે. મહાભારત રજૂ કરતા હોઈએ એટલે તમારે દરેકેદરેક પાત્રના કૉસ્ચ્યુમ ડિઝાઇન કરવામાં વિશેષ ધ્યાન રાખવું પડે. એ માટે અમે ભારતથી કાપડના તાકા, ૧૫ કિલો મોતી, કપડાની લેસના રોલ, મુગટ-બાજુબંધ બધું જ બૅગમાં ભરીને લાવ્યા હતા. એ સિવાય મ્યુઝિક, પ્રૉપ્સ અને બીજી ઘણી ઝીણી-ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે.’
પરિવારનો સાથ મળ્યો
અહીં ઉલ્લેખનિય છે કે મૂળ ખંભાતનો આ પરિવાર ૧૯૭૬માં કુંજનના પિતાને કારણે કેન્યામાં સ્થાયી થયો છે. કુંજને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાંથી બિઝનેસ મૅનેજમેન્ટનો કોર્સ કર્યો છે. પાંચ વર્ષ સુધી EAST FM રેડિયોમાં રેડિયો જૉકી તરીકે કામ કરનારા કુંજને આ વર્ષે જુલાઈ મહિનામાં ‘મહાભારત’ના શોની શુભ શરૂઆત કરી છે. ‘મહાભારત’ શોની જર્નીમાં કુંજનને તેનાં મમ્મી, પત્ની અને ભાઈબંધનો ભરપૂર સાથ મળ્યો. તેઓ ન હોત તો કદાચ ‘મહાભારત’ને ભવ્ય રીતે સ્ટેજ પર રજૂ કરવાનું શક્ય ન બન્યું હોત. એ વિશે વાત કરતાં કુંજન કહે છે, ‘મારી પત્ની હિનલ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે, પણ તેની સાથે તે એક પ્રોફેશનલ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. ‘મહાભારત’ની આખી ડાન્સિંગ ટીમને નૃત્ય શીખવવાની બધી જવાબદારી તેણે જ ઉપાડી હતી. ઘરનું કામકાજ, ક્લિનિકમાં જવાનું હોય એ બધાની સાથોસાથ શો માટે સમય કાઢીને તેણે તેની જવાબદારી સુપેરે નિભાવી છે. ડાન્સમાં તેને કોઈ હરાવી ન શકે. અમારે ત્યાં નવરાત્રિ ઊજવાય એમાં પણ તે સ્પર્ધામાં ઇનામ જીતી આવે. આખા શોમાં અમારી ડાન્સિંગ ટીમને લીડ કરવાનું કામ તેણે જ કર્યું હતું. મારો મિત્ર સાહિલ ગડા જે આમ તો થોડાંક વર્ષોથી મુંબઈમાં છે પણ ‘મહાભારત’ શો થવાનો હોય એના એક મહિના અગાઉ તે નાઇરોબીમાં પહોંચી જાય. સાહિલનો ઉછેર પણ નાઇરોબીમાં જ થયો છે, પણ હાલમાં તે મુંબઈમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી જમાવી રહ્યો છે. ‘મહાભારત’ શો તેણે મારી સાથે મળીને કો-ડાયરેક્ટ કર્યો છે. તેણે એમાં શકુનિનું પાત્ર પણ ભજવ્યું હતું. મારાં મમ્મી સીમાબહેન ગૃહિણી છે, પણ કૉસ્ચ્યુમ ડિઝાઇન કરવાનું કામ તેમણે જ સંભાળ્યું છે. તેમનામાં ગજબની ક્રીએટિવિટી છે. કૃષ્ણનો જે મુગટ છે એ મારી મમ્મીએ તેમના હાથે ડિઝાઇન કર્યો હતો. ‘મહાભારત’ને સફળ બનાવવામાં અમારી ૧૨૦ સભ્યોની ટીમનો મને સાથ-સહકાર મળ્યો છે. તેમણે ‘મહાભારત’માં રસ દેખાડ્યો, પાત્ર ભજવવા માટેની તૈયારી દેખાડી, ડાયલૉગ અને ઍક્ટિંગ શીખવા માટે જે મહેનત કરી એ પ્રશંસનીય છે. એમાં ગુરુ દ્રોણ, અશ્વત્થામા જેવાં પાત્રોના ભાગે થોડા સંસ્કૃત ડાયલૉગ પણ આવેલા, જે તેમણે એટલી સારી રીતે બોલી દેખાડ્યા કે તમે વિશ્વાસ નહીં કરો કે એ બોલનાર મૂળ કેન્યાના વતનીઓ છે.’
કૃષ્ણ છે પ્રેરણાસ્રોત
કુંજન છેલ્લાં ૧૧ વર્ષથી વિબગ્યૉર નામની કંપની ચલાવે છે, જેના હેઠળ તે થિયેટરના શો કરે છે. હિન્દુ ધર્મગ્રંથો પરના શો કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે કુંજન કહે છે, ‘રામાયણ અને મહાભારતને હું કોઈ ધર્મ સાથે જોડીને નથી જોતો. હું એ તરફ એટલા માટે આકર્ષાયો હતો કારણ કે એની જે સ્ટોરીલાઇન છે એ ખરેખર વ્યક્તિને જકડી રાખે એવી છે. આપણી પાસે એટલી સારી-સારી રસપ્રદ વાર્તાઓ છે જેને વિશ્વફલક પર લાવવાની મારી તીવ્ર ઇચ્છા હતી. કિંગ ઑફ લાયન અને અલાદીનથી પ્રેરિત શો પણ મેં ભૂતકાળમાં કર્યા છે. મને હંમેશાં લાગતું કે આપણા ગ્રંથોમાં જે વાર્તાનો ખજાનો છે એ આ બધાથી અનેકગણો ચડિયાતો છે. આપણે શા માટે એનો ઉપયોગ ન કરવો જોઈએ?’