ધ ગ્રેટ ઇન્ડિયન સેક્સ સ્કૅમ

23 January, 2022 07:10 PM IST  |  Mumbai | Rashmin Shah

ફ્રૉડ ફોન પર ઓટીપી માગીને બૅન્કના અકાઉન્ટમાંથી પૈસા પડાવી લેવાનું સ્કૅમ હજી તો માંડ લોકોના ગળે ઊતર્યું છે ત્યાં મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવાં સ્ટેટ્સમાં રહેતી ગોરખમંડળીઓએ નવું સ્કૅમ શરૂ કરી દીધું છે.

ધ ગ્રેટ ઇન્ડિયન સેક્સ સ્કૅમ

ફ્રૉડ ફોન પર ઓટીપી માગીને બૅન્કના અકાઉન્ટમાંથી પૈસા પડાવી લેવાનું સ્કૅમ હજી તો માંડ લોકોના ગળે ઊતર્યું છે ત્યાં મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવાં સ્ટેટ્સમાં રહેતી ગોરખમંડળીઓએ નવું સ્કૅમ શરૂ કરી દીધું છે. અજાણી છોકરીને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલો કે તરત તે સામેથી વૉટ્સઍપ નંબર મોકલી દે અને તમે જેવું હલો મોકલો કે તરત વિડિયો કૉલ કરીને તમારી સામે કપડાં ઉતારવા માંડે. શરૂઆતમાં તે કપડાં ઉતારે અને થોડી વાર પછી તમારાં (આબરૂનાં) કપડાં ઊતરવા માંડે

ઘટના પહેલી
‘ટાઇપ’ નામની એક મોબાઇલ ઍપ્લિકેશન પર સુરતના ડાયમન્ડના બિઝનેસમૅનને મેસેજ આવ્યો. મેસેજમાં સીધો વૉટસઍપ નંબર આપવામાં આવ્યો હતો. બત્રીસ વર્ષના બિઝનેસમૅને વૉટસઍપ નંબર સેવ કરીને હલો મોકલ્યાની ચાર જ મિનિટમાં એ નંબર પરથી વિડિયો કૉલ આવ્યો અને વિડિયો કૉલમાં દેખાતી યુવતીએ ઉપરનાં કપડાં કાઢવાનું શરૂ કરી દીધું. બિઝનેસમૅન હેબતાઈ ગયા, પણ પુરુષસહજ જિજ્ઞાસા સાથે તેમણે નજર વિડિયો કૉલની સ્ક્રીન પર રાખી. લાઇવ પૉર્ન ફિલ્મ જેવું એ દૃશ્ય આગળ વધતું રહ્યું. પહેલાં ટી-શર્ટ અને પછી ફોન કરનારી યુવતી જીન્સ ઉતારવા સુધી પહોંચી ગઈ. પેલા બિઝનેસમૅનના મનમાં લાળ ટપકતી હતી. મફતમાં આવું અંગપ્રદર્શન જોવા મળે એવું તો તેમણે સપને પણ વિચાર્યું નહોતું.
તેમની આંખો સ્ક્રીન પરથી હટતી નહોતી. ભુખાવળી નજરે સ્ક્રીનને તાકતા તે ડાયમન્ડ બિઝનેસમૅનને ખબર નહોતી કે આ નિઃશુલ્ક અંગપ્રદર્શન કેવું મોંઘું પડવાનું છે?
ઘટના બીજી
વાત છે કાંદિવલીના રેડીમેડ ગાર્મેન્ટ્સના એક વેપારીની. ફેસબુક પર અજાણી છોકરીને મોકલેલી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટનો સ્વીકાર થયાની ખુશી હજી તો તે વેપારી માણે એ પહેલાં તો તે છોકરીએ મેસેન્જરમાં મેસેજ કરીને વૉટસઍપ નંબર આપ્યો. ઑફિસમાં બીજા સ્ટાફની હાજરી હતી એટલે વેપારીએ નંબર સેવ કરીને રાખી દીધો, પણ સાંજે ઑફિસ વધાવતી વખતે યાદ આવ્યું એટલે પેલા વૉટ્સઍપ નંબર પર હાય લખીને મોકલી ઘરે પહોંચી ગયા. ઘરે ગયાના અડધા કલાક પછી વૉટ્સઍપ જોયું તો પેલીનો રિપ્લાય આવ્યો હતો. રિપ્લાયનો જવાબ આપવા માટે જેવી વૉટ્સઍપ વિન્ડો ખોલી અને મેસેજ બ્લુ માર્ક થયો કે તરત એ નંબર પરથી વિડિયો કૉલ આવ્યો. નસીબજોગે રૂમમાં એકલા હતા એટલે કુતૂહલ સાથે તેમણે કૉલ રિસીવ કર્યો અને સામે રહેલી યુવતીએ પોતાની છાતીનો ઉન્નત ઉભાર દેખાડવાનું શરૂ કર્યું. વિડિયો કૉલ કોઈ જોઈ ન જાય એ હેતુથી વેપારી વૉશરૂમમાં ચાલ્યો ગયો અને ત્યાં કમોડ પર બેસીને તેણે મફતમાં મળતું અંગપ્રદર્શન જોવાનું ચાલુ રાખ્યું. 
આંખોમાં ભટકતાં વાસનાનાં સાપોલિયાં તેના શરીરમાં આગ લગાડવાનું કામ કરતાં હતાં, પણ તેને ક્યાં ખબર હતી કે એ સાપોલિયાં કેવું વિકરાળ રૂપ ધારણ કરવાનાં છે?
ઘટના ત્રીજી
ગુજરાત ગવર્નમેન્ટમાં મિનિસ્ટર રહી ચૂકેલા એક મહાનુભાવના ટ્વિટર મેસેન્જરમાં એક યુવતીનું હલો આવ્યું. જેવો એ હલોનો જવાબ આપ્યો કે થોડી વારમાં એ અકાઉન્ટ પરથી વૉટ્સઍપ નંબર આપવામાં આવ્યો. મહાનુભાવે નંબર સેવ કરી લીધો, પણ પછી કામમાં લાગી ગયા એટલે વાત વિસરાઈ ગઈ. થોડા સમય પહેલાં અચાનક એ નંબર ફરી આંખ સામે આવ્યો એટલે તેમણે મેસેજ કર્યો અને વળતી મિનિટે તેમની સાથે એ જ બન્યું જે અગાઉની ઘટનાઓમાં બન્યું હતું. વિડિયો કૉલ આવ્યો અને ઓળખાણ-પિછાણ વિના જ સ્ક્રીન પર દેખાતી પેલી છોકરીએ કપડાં ઉતારવાનું શરૂ કરી દીધું. પુરુષની જાત. જાહેર જીવન ભૂલીને એ મહાનુભાવ પણ ચક્ષુસુખ માણવામાં લાગી ગયા.
સાતેક મિનિટનાં એ જીવંત દૃશ્યો જોવાથી એ મહાનુભાવને માનસિક શાંતિ ચોક્કસ મળી, પણ એ શાંતિ જીવનમાં કેવી અશાંતિ લાવશે એનો તેમને અણસાર નહોતો.
lll
આ કિસ્સાઓમાં ક્યાંય કોઈ કલ્પના નથી. આ સત્ય ઘટનાઓ છે અને આ તમામ સત્ય ઘટનાઓનું એક પરિણામ કૉમન છે. યુવતીનાં નગ્ન થતાં દૃશ્યો દેખાડતા એ જે વિડિયો હતા એ વિડિયો જોનારાઓએ પાંચ લાખથી બાર લાખ રૂપિયા જેવી રકમ સેટલમેન્ટના ભાગરૂપે ચૂકવવી પડી છે. આ એક સ્કૅમ છે અને આ સ્કૅમ માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રમાં જ નહીં, દેશભરમાં ચાલે છે અને દરરોજ બ્લૅકમેઇલના નામે લાખો રૂપિયા પડાવવામાં આવે છે. આ સ્કૅમનો ભોગ બની ગયેલા દિલ્હીસ્થિત ફાયર સેફ્ટી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીના માલિક કહે છે, ‘તમને અણસાર પણ ન હોય એ આ રીતે કૉલ આવી જાય તો નૅચરલી કોઈ પણ માણસ અટકી જાય. હું તો કહીશ કે જો સામે બન્ને પક્ષે છોકરીઓ હોય તો છોકરીઓ પણ એક મિનિટ તો એ જોવામાં રોકાઈ જ જાય અને એ એક મિનિટ આ સ્કૅમસ્ટર્સ માટે બસ છે.’
પૈસો અને સેક્સ હંમેશાં પુરુષોની નબળાઈ રહી છે. એક સમય હતો કે બૅન્ક અને ક્રેડિટ કાર્ડ કંપનીના નામે કૉલ કરીને લોકોનાં બૅન્ક અકાઉન્ટ ખાલી કરવામાં આવતાં હતાં તો એ પછી એક સમય એ પણ આવ્યો કે ઑનલાઇન લોન માટે અપ્લાય કરનારાઓને ફસાવીને તેમની પાસેથી મૅક્સિમમ પૈસા કઢાવી લેવા પણ આ સ્કૅમમાં પૈસો નહીં, સેક્સનો ઉપયોગ કરવામાં આવે છે.
કેવી રીતે આ આખું સ્કૅમ વર્ક કરે છે એ જાણવા જેવું છે.
મોડસ ઑપરેન્ડી
સોશ્યલ મીડિયા અકાઉન્ટનો અહીં ભરપૂર ઉપયોગ થાય છે. ટિન્ડર અને વાઇબ્સ જેવી ઑનલાઇન ફ્રેન્ડશિપ માટેની મોબાઇલ ઍપથી લઈને ફેસબુક, ટ્વિટર અને હવે તો લિન્ક્ડઇન જેવી પ્રોફેશનલ કહેવાય એવી સોશ્યલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ પણ થાય છે. સારો ફેસ જોઈને જો વ્યક્તિ ફ્રેન્ડ્સ કે કનેક્શન રિક્વેસ્ટ મોકલે એટલે એ રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરીને એ છોકરી તરત જ મેસેજમાં પોતાનો વૉટ્સઍપ નંબર મોકલે છે. વૉટ્સઍપ નંબર આવે એટલે નૅચરલી સકારાત્મકતા જોઈને કૉન્ટૅક્ટ કરવાનું મન થાય અને પછી જેવો કૉન્ટૅક્ટ કરવામાં આવે કે તરત જ વિડિયો કૉલ કરીને સ્ક્રીન સામે કપડાં ઉતારીને છોકરી બીભત્સ ચેનચાળા શરૂ કરી દે.
એ ચેનચાળા જોઈને જો તમે થોડી સેકન્ડ માટે પણ અટકી ગયા તો મર્યા, કારણ કે તમને નથી ખબર કે સામે એ છોકરી સ્ક્રીન રેકૉર્ડિંગ કરી રહી છે. અહીં વાતને જરા ટેક્નિકલી સમજવાની જરૂર છે.
વૉટ્સઍપ વિડિયો કૉલ સમયે મોબાઇલ પર બે વિન્ડો બને. મોટી વિન્ડોમાં કૉલ કરનારી વ્યક્તિ દેખાય તો નાની વિન્ડોમાં કૉલ રિસીવ કરનારી વ્યક્તિ પણ દેખાય. એ નાની સ્ક્રીનમાં તમે લાળ પાડતી અવસ્થામાં દેખાતા હો એવું રેકૉર્ડિંગ મળી ગયા પછી પેલી છોકરી કૉલ કટ કરીને સીધો મેસેજ કરે છે કે આ રેકૉર્ડિંગ હું ફેસબુક-યુટ્યુબ પર અપલોડ કરી દઉં છું અને મેસેજ લખું છું કે તમે આ બધી મજા માણ્યા પછી પણ મને પેમેન્ટ ચૂકવવા રાજી નથી. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કહે છે, ‘નૅચરલી આવી વાતો સાંભળીને ફોન રિસીવ કરનારો ગભરાઈ જાય અને તે તરત કમ્યુનિકેશન શરૂ કરી દે અને વાત સીધી પૈસા પર આવી જાય.’
પણ ખમૈયા કરો સાહેબ. તે એમ જ પૈસાની વાત નહીં કરે તમને. તે છોકરી તો તમને બ્લૉક જ કરી દેશે. બ્લૉક થઈ જવાને કારણે હવે વ્યક્તિ રઘવાટ દેખાડશે અને એ રઘવાટ કિંમત વધારવામાં કામ લાગશે. થોડી જ મિનિટમાં તમને યુટ્યુબડૉટકૉમના નામે  કોઈ સૉફિસ્ટિકેટેડ વ્યક્તિ ફોન કરશે અને કહેશે કે સર, તમારી તમામ આઇડી સાથે બહુ ગંદો એક વિડિયો કોઈએ અપલોડ કરવા મૂક્યો છે, શું કરું હું?
હા, અત્યારે આ સંવાદ હાસ્યાસ્પદ લાગી શકે, પણ એ સમયે પરસેવો છૂટવાની માત્રા વધી જાય છે. એ અધિકારી સામેથી જ તમને મધ્યસ્થી કરવાની તૈયારી દેખાડશે અને પછી એ જ મધ્યસ્થી પણ કરીને તમારી ક્ષમતા મુજબ તમારી સાથે ડીલ કરશે. આ બધું પણ એ વિડિયો કૉલમાં જ કરશે. જેમાં તમે નગ્ન થતી અપ્સરા જોઈ હતી એ જ યુવતી હવે સન્નારી બનીને બેસશે, વાતો કરશે અને ફાઇનલી ડીલ ફાઇનલ થશે. આ પેમેન્ટ તમારે ગૂગલ પે કે પેટીએમથી મોકલવાનું હોય છે. તમને સવાલ થાય કે કૉન્ફરન્સ વિડિયો કૉલમાં શું કામ સેટલમેન્ટની વાત કરવાની? તો એ કૉન્ફરન્સ વિડિયો કૉલ પણ એક ટ્રૅપ છે.
ધારો કે તમે પેમેન્ટ આપવાની બાબતમાં ગલ્લાંતલ્લાં કરો તો વધુ એક પ્રૂફ આ સ્કૅમસ્ટર પાસે આવી જાય કે તમે સેટલમેન્ટ કરવા માટે બેઠા હતા. આ સેટલમેન્ટના કૉલ સમયે પણ પેલી યુવતી તો ખોટું જ બોલશે કે તમે તેને પેમેન્ટની વાત કરી હતી, લાંબા સમયથી ઓળખો છો, રૂબરૂ પણ મળ્યા છો. એ સાંભળીને તમે દેકારા કરો તો પણ એ તમારા અવાજને આગળ નહીં વધવા દે અને વાત બગડે એ પહેલાં જે પેલો બની બેઠેલો મીડિયેટર છે તે પેલીને ચૂપ કરી દેશે, પણ તે ચૂપ થાય એ પહેલાં એવું પિક્ચર ઊભું કરી દે કે વિડિયો જોનારી વ્યક્તિ એવું જ માને કે તમે લંપટ છો.
દાગ - ધ ફાયર
એક સામાન્ય અનુમાન મુજબ ગુજરાત અને મુંબઈમાં અત્યારે દરરોજ ઓછામાં ઓછા આવા પચ્ચીસ કેસ બને છે અને પચ્ચીસમાંથી વીસમાં સેટલમેન્ટ થાય છે. સેટલમેન્ટ માટે ફિગર્સને બહુ ખેંચવામાં નથી આવતો. એવી સ્કૅમ કરનારાની ઇચ્છા પણ નથી હોતી અને એવું જ જે ભોગ બન્યો હોય છે એનું પણ હોય છે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘બદનામીનો ડર અને એમાં પણ સેક્સવિષયક બદનામીનો ડર સૌથી મોટો છે એટલે નૅચરલી બાર્ગેઇન જો લેવલ પર ચાલતું હોય તો સારા ઘરની વ્યક્તિ બહુ સરળતાથી અને જેટલી ઝડપથી બને એટલી ઝડપથી પૂરી કરું નાખવાનું વિચારે છે અને એનો જ લાભ લેવામાં આવે છે.’
હજી સુધી કોઈએ એવી કમ્પ્લેઇન નથી કરી કે એક વખત સેટલમેન્ટ થયા પછી બીજી વખત એ જ ટોળકીએ ફરીથી બ્લૅકમેઇલ કરવાની કોશિશ કરી હોય. સૌરાષ્ટ્રના એક જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પણ આ જ સ્કૅમનો ભોગ બન્યા હતા. તેમણે અઢી લાખ રૂપિયામાં છુટકારો કરાવી લીધો, પણ એ પછી ક્યારેય તેમને કોઈ ફોન આવ્યા નથી. ઊલટું તેમણે જિજ્ઞાસાવશ ફરીથી પેલી છોકરીને વૉટ્સઍપ પર મેસેજ કર્યો તો તે છોકરીએ એવી જ રીતે વિડિયો કૉલ કરી દીધો જાણે કે પહેલી વારનો શિકાર હોય. મુંબઈના એક સિનિયર પોલીસ ઑફિસર કહે છે, ‘લોકો આ કમ્પ્લેઇન કરવા આવતા નથી, જેનું કારણ છે બદનામી. છોકરીની વાત આવે ત્યારે નૅચરલી પુરુષોનો જ વાંક જોવામાં આવે અને એમાં પણ આ પ્રકારના વિડિયો જો કોઈને દેખાડવામાં આવે અને એ ફીમેલ મેમ્બર હોય તો એ પોતાના પતિ, પિતા કે ભાઈનો જ દોષ માને એટલે જે આ રીતે વિડિયોમાં આવી ગયા હોય તેઓ નિર્દોષ હોય તો પણ તે જલદી ચૅપ્ટર ક્લોઝ કરવાના જ મૂડમાં હોય છે.’
ધ સેવન સિસ્ટર્સ
બૅન્ક અને ક્રેડિટ કાર્ડ ફ્રૉડ માટે જામતારા જેટલું બદનામ થયું હતું એટલા જ બદનામ આ સ્કૅમમાં સેવન સિસ્ટર્સ સ્ટેટ તરીકે ઓળખાતાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, નાગાલૅન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ થયાં છે. આ સેવન સિસ્ટર્સમાં પણ ખાસ કરીને મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને ત્રિપુરા. રૂપાળી અને સ્ક્રીન-પ્રેઝન્સ ધરાવતી છોકરીઓને ત્યાંના સ્થાનિક છોકરાઓ તૈયાર કરે છે અને તેમને ટ્રેઇન કરીને તેમની પાસે આ કામ કરાવવામાં આવે છે. જે સ્કૅમ થાય છે એમાંથી અડધી રકમ એ છોકરીઓને આપવામાં આવતી હોવાનું કહેવાય છે. 
દેશના જાણીતા સાઇબર ક્રાઇમ એક્સપર્ટ મુકેશ ચૌધરી આને સાઇબર ક્રાઇમ તરીકે નથી જોતા. મુકેશ ચૌધરી સમજાવે છે કે અહીં લોકોની જે ઇચ્છા છે એનો ગેરલાભ લેવામાં આવે છે અને એના દ્વારા બ્લૅકમેઇલ કરીને પૈસા કઢાવવામાં આવે છે. હા, મોબાઇલ નંબરની બાબતમાં હજી પણ આપણે ત્યાં જે ટ્રાન્સપરન્સી નથી આવી એનો દુરુપયોગ આ પ્રકારના લોકો કરે છે, પણ ડૉક્યુમેન્ટ્સ આપ્યા પછી મોબાઇલનો શું ઉપયોગ થાય છે એ સેલ્ફ ડિસિપ્લિનની વાત છે, એમાં કોઈ કશું કરી ન શકે.
થોડા સમય પહેલાં દિલ્હી પોલીસે આ પ્રકારના સ્કૅમના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી અને મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને ત્રિપુરામાંથી ચાલીસેક જેટલી છોકરીઓ અને વીસ છોકરાઓની અરેસ્ટ કરી હતી, પણ ઓળખ કરવા કોઈ આવ્યું નહીં એટલે તેમને છોડી મૂકવા પડ્યાં હતાં.
આખિર ક્યોં?
આ સ્કૅમનો આરંભ પૅન્ડેમિક પછી થયો છે અને એની પાછળ જવાબદાર લૉકડાઉનને માનવામાં આવે છે. દેશભરમાં ચાલતાં મસાજ પાર્લરમાં મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને ત્રિપુરા જેવાં સ્ટેટ્સની યુવતીઓ કામ કરતી હતી; પણ લૉકડાઉન પછી તે છોકરીઓ પાછી પોતાના ગામ ગઈ અને એ પછી પૅન્ડેમિકની અસર વચ્ચે ઑલમોસ્ટ નેવું ટકા મસાજ પાર્લર હજી પણ બંધ જ રહ્યાં છે જેને લીધે એ યુવતીઓ આ કામ તરફ વળી હોય એવું અનુમાન દિલ્હી પોલીસનું છે. 
દિલ્હી પોલીસનું માનવું છે કે મસાજ પાર્લરમાં સાચા અર્થમાં ખોટું કામ કરવું પડતું હતું, પણ અહીં તો કૅમેરા સામે અને એ પણ રૂમમાં કોઈ ન હોય ત્યારે કપડાં ઉતારીને બીભત્સ ચેનચાળા કરવાથી જો મોટી રકમ મળતી હોય તો એમાં કશું ખોટું નથી એવું ધારીને યુવતીઓ સરળતાથી આ કામ તરફ વળી જાય છે. જોકે એ કામની દિશામાં વાળવાનું કામ તો પુરુષોની ગૅન્ગ દ્વારા જ થાય છે. આ જ પ્રકારનું કામ કરતી તટીની અહમદ કહે છે, ‘ઘણા સોબર કહેવાય એવા પુરુષો પણ હોય છે જેઓ આ જોઈને તરત મોઢું ફેરવી લે, કૉલ કટ કરી નાખે કે પછી તરત જ અમને રોકે. એવી વ્યક્તિનું સ્ક્રીન રેકૉર્ડિંગ પ્રૉપર રીતે અમને મળી જાય તો પણ અમે એ સિનિયર્સને આપતા નથી, જેથી તેણે હેરાન ન થવું પડે.’

બોક્સઃ
ધ્યાન શું રાખવું?
આખી ગાથા પછી પહેલો પ્રશ્ન એ આવે કે આ બધું તો આમ જ ચાલુ રહેવાનું છે, એને રોકી શકાવાનું નથી તો કરવું શું?
પોલીસ ડિપાર્ટમેન્ટ અને જાણીતા સાઇકોલૉજિસ્ટ દ્વારા સૂચવવામાં આવેલા ઉપાયો આ રહ્યા...
૧. અજાણી વ્યક્તિને કોઈ પણ પ્રકારના સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલવી નહીં.
૨. મોકલો તો એની સાથે તમારા ઑફિશ્યલ મોબાઇલ નંબરથી કોઈ પ્રકારનો સંપર્ક કરવો નહીં.
૩. સીધી વાત છે કે અજાણી યુવતીના વિડિયો કૉલ રિસીવ કરવા નહીં.
૪. ધારો કે જિજ્ઞાશાવશ એ કૉલ રિસીવ કરવાનું મન થાય તો તમારો સેલ્ફી કૅમેરા ઑફ રાખો અને જો એ ઑફ થઈ શકે એમ ન હોય તો સેલ્ફી કૅમેરા તમારા ચહેરા સામે રાખવાને બદલે છતની તરફ રાખવો, જેથી સામેવાળી વ્યક્તિને તમે નહીં પણ તમારા ઘરનો ફૅન દેખાય.

columnists Rashmin Shah