દિયો અભયનાં દાન

01 December, 2024 05:21 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

સર્પાકારે દોરડું પડેલું દેખાય તો પણ માણસ એ દોરડાને સર્પ સમજીને ભય પામે છે. હકીકતે જો ખરેખર સર્પ ત્યાં ગૂંચળું વળીને પડ્યો હોય અને એ થોડેક દૂર માણસની અવરજવર જુએ એટલે કે અવરજવરના તરંગો અનુભવે કે એ પોતે જ ભય પામે છે

પ્રતીકાત્મક તસવીર

સર્પાકારે દોરડું પડેલું દેખાય તો પણ માણસ એ દોરડાને સર્પ સમજીને ભય પામે છે. હકીકતે જો ખરેખર સર્પ ત્યાં ગૂંચળું વળીને પડ્યો હોય અને એ થોડેક દૂર માણસની અવરજવર જુએ એટલે કે અવરજવરના તરંગો અનુભવે કે એ પોતે જ ભય પામે છે. એને કોઈક શત્રુ તત્ત્વ થોડેક દૂર છે અને એ શત્રુ એની ઉપર હુમલો કરશે એવો ભય લાગે છે. આ હુમલાના ભયથી એ પ્રતિ હુમલો કરે છે અને આમ માણસ સર્પથી ભાગવા માંડે છે.

દુનિયામાં એવું એક પણ પ્રાણી નથી કે જે ભયભીત થતું ન હોય. અથર્વવેદમાં ઋષિ યજ્ઞદેવતા પાસે એવું વરદાન માગે છે કે ‘હે દેવ, હું કોઈથી ભય ન પામું એવું વરદાન આપો.’ માણસ વહેલી સવારે ઊઠીને પોતાના દૈનિક કાર્યમાં જોડાઈ જાય છે ત્યારથી તે પ્રત્યેક કર્મમાં વધતાઓછા અંશમાં ભયભીત જ હોય છે. સવારે ઊઠતાં વેંત દિવસભરના કાર્યક્રમની તે જે ગોઠવણ કરે છે એ ગોઠવણ પણ ભયથી દોરવાયેલી હોય છે. ફલાણી ગાડી મને મળશે, મારી આ નિશ્ચિત ગાડી સમયસર આવશે, એ ગાડીમાં મને બેસવાની જગ્યા મળશે... આ બધા વિચારો તેની જાણ બહાર જ તેના ચિત્તમાં ચકરાવા લેતા હોય છે. આજના વ્યવસાયિક કામ વિશે પણ તે ચિંતિત હોય છે. આ ચિંતા એ ખરેખર તો ભયની પ્રેરક જનેતા છે.

અથર્વવેદનો ઋષિ યજ્ઞદેવતા પાસે પ્રાર્થે છે કે હું કોઈથી ભય ન પામું. પણ એ સાથે જ પોતે અભય થાય એ પર્યાપ્ત નથી એની સમજણ તેને છે. એટલે વરદાનની સાથે જ એનો ઉત્તરાર્ધ પણ માગે છે. તે કહે છે કે ‘હે દેવ, હું અભય થાઉં એ પૂરતું નથી. મારાથી પણ કોઈ ભય ન પામે એ વરદાન આપો.’ આમ પૃથ્વી ઉપર વિહાર કરતાં પ્રાણીમાત્ર પરસ્પરથી ભયમુક્ત થાય એવી ભાવના અહીં પ્રગટ કરવામાં આવી છે.

માણસ કોઈથી ડરતો ન હોય એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે અભય નથી હોતો, નિર્ભય હોય છે. અભય અને નિર્ભય વચ્ચેનું જે અંતર છે એ સમજી લેવા જેવું છે. એક પોલીસ- ઇન્સ્પેક્ટર હાથમાં હથિયાર લઈને ટોળાંઓને દૂર હડસેલતો રસ્તા પર ચાલે છે ત્યારે ભલે તેને નિર્ભય કહેવાય, પણ અભય ન કહેવાય. તેની પાસે હથિયાર છે એટલું જ નહીં, આસપાસ ઊભેલા ટોળાને ડરાવી શકે એવી શક્તિ પણ તેની પાસે છે. લોકો તેનાથી ડરે છે માટે તે નિર્ભય છે. ભય પેદા થવાનું કારણ માણસમાં રહેલી અસત્ય વૃત્તિ છે. કોઈ ને કોઈ કારણથી માણસ ક્યાંક ને ક્યાંક અસત્ય વર્તન કરે છે. ખોટું બોલે છે, ખોટું વિચારે છે અથવા કોઈક ખોટી પ્રવૃત્તિ માટે તે જાણેઅજાણે પણ સંકળાઈ જાય છે. આ અસત્ય તેના પર એવું સવાર થઈ જાય છે કે તે અસત્યને જ સત્ય ઠરાવવા માટે પોતાના હવે પછીના પ્રત્યેક ડગલાને ગોઠવે છે. આ ગોઠવણ ભયની જનેતા છે. સવારે જે માણસ ઘરેથી વ્યવસાયિક કામે બહાર નીકળે છે એ માણસ રાત્રે ઘરે પાછો ફરે ત્યાં સુધીમાં અનેક નાનાં-મોટાં અસત્ય આચરણો કરતો હોય છે. આ અસત્ય આચરણોને તે અસત્ય કહેતો નથી, પણ તેને સત્ય ઠરાવવા માટે પોતાની બધી પ્રવૃત્તિઓ સાંકળતો હોય છે. આ રીતે પ્રવૃત્તિઓને સાંકળવાની પ્રક્રિયા એ ભયથી દોરવાઈને જ થતી હોય છે. એ સતત ભય હેઠળથી પસાર થતો હોય છે કે પોતાનું અસત્ય આચરણ ક્યાંક પકડાઈ ન જાય.

ભયને સત્ય સાથે સાંકળી શકાય
માણસ પોતે જે કોઈ આચરણ કરે છે એને સત્ય જ ઠરાવતો હોય છે. સત્ય શું છે એની તેને કોઈ વિશેષ ખબર હોતી જ નથી. પોતે જે કરી રહ્યો છે એ વાસ્તવમાં તેના પોતાના હિત માટે જ હોય છે, પણ એ હિતને સત્ય ઠરાવવા માટે તે જુદાં-જુદાં આચરણો કરે છે. આચરણોને સત્ય ઠરાવવા માટે તેને સતત પ્રતિ આચરણોમાં વ્યસ્ત રહેવું પડે છે. આમ સત્ય નહીં પણ અસત્યથી પ્રેરાઈને તે રોજિંદાં કામોમાં ગૂંચવાડા પેદા કરે છે. વાસ્તવમાં સત્ય બહુ સહેલું છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે

नासतो विद्यते भावो

नाभवो विद्यते सत।

સત્ય એટલે છે અને જે સત્ય છે એના વિશે કહેવાનું શું હોય? એનો કોઈ ભય શી રીતે હોઈ શકે? અને જે નથી એ તો નથી જ. આ નથી વિશે કોઈ પણ પ્રકારના ભય પેદા જ શી રીતે થાય? આમ ભય અને અભય બન્ને વિભાવનાઓ શ્રીકૃષ્ણે અહીં સહજતાથી સમજાવી દીધી છે.

રોજિંદા વ્યવહારિક જીવનમાં ભયભીત રહેવાનો અનુભવ આજે યાદ આવે છે. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં વિરમગામની પેલી તરફ એટલે કે જ્યાં દેશી રજવાડાંઓ હતાં એ વિસ્તારમાં બાજરો છૂટથી મળતો હતો અને વિરમગામથી આ તરફના વિસ્તારમાં એટલે કે બ્રિટિશ અમલમાં કાપડ છૂટથી મળતું. આમ દેશી રજવાડાંઓમાં કાપડ સંતાડી રાખવામાં આવતું અને બ્રિટિશ અમલમાં અનાજનું હોવું એ ભયનું કારણ ગણાતું. આવા સંજોગોમાં અમે ભાવનગર-મુંબઈ વચ્ચે જ્યારે અવરજવર કરતા ત્યારે કાપડને ગોદડા તરીકે સિવડાવી નાખતા અને બાજરાને એક પોટકી બનાવીને આમતેમ સંતાડી રાખતા. રેલવેની મુસાફરી દરમિયાન આ કાપડનું ગોદડું અને બાજરાની પોટકી બન્નેનું સતત સંરક્ષણ કરતા. એમાંય જ્યારે રેલવેના ડબ્બામાં કોઈક ટિકિટચેકર આવે અથવા તો પ્લૅટફૉર્મ પર ઊભેલી ગાડીમાંથી અમે જો કોઈ ટિકિટચેકરને જોતા ત્યારે ભયભીત થઈ જતા. હમણાં આ ટિકિટચેકર અમારો સામાન ચેક કરશે અને અમને પકડશે એ ભયથી ક્યાંય સુધી ટગર-ટગર જોયા કરતા. આ ડરનું કારણ પેલું અસત્ય આચરણ હતું. સરકારી કાયદાથી વિરુદ્ધ કાપડ અને બાજરાની જે હેરફેર અમે કરી રહ્યા હતા એ અપરાધ હતો. જો એ અપરાધ કર્યો ન હોત તો ભયનું કોઈ કારણ જ નહોતું.

દિયો અભયનાં દાન
સત્યનું આચરણ માણસને અભય તરફ દોરી જાય છે પણ સત્યને સમજવું સહેલું નથી. એનું આચરણ પ્રમાણમાં સહેલું છે. માણસ સત્યના આચરણને સમજી જાય તો તે ભયમુક્ત થઈ જાય છે. અથર્વવેદના ઋષિએ ભયમુક્તિ માટે જે પ્રાર્થના કરી છે એમાં માત્ર પોતે જ મુક્ત થાય એમ નથી કહ્યું. બીજાઓ પણ પોતાથી ડરે નહીં એવી પ્રાર્થના ઋષિએ કરી છે. ભયવિહીન સમગ્ર સમાજની આ ઝંખના છે.

columnists dinkar joshi gujarati mid-day mumbai