કર લો દુનિયા મુઠ્ઠી મેં: જાત પરનો વિશ્વાસ જ આખા વિશ્વનો શ્વાસ છે

26 November, 2024 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ-જેમ હું વધુ સખત મહેનત કરતો ગયો તેમ-તેમ હું વધુ નસીબદાર થતો ગયો...’ ગૉલ્ફર ગૅરી પ્લેયરના આ ઉદ્ગાર પ્રારબ્ધ ચડે કે પુરુષાર્થની ડિબેટ કરનારાઓ માટે દીવાદાંડી સમાન છે.

પ્રતીકાત્મક તસવીર

‘જેમ-જેમ હું વધુ સખત મહેનત કરતો ગયો તેમ-તેમ હું વધુ નસીબદાર થતો ગયો...’ ગૉલ્ફર ગૅરી પ્લેયરના આ ઉદ્ગાર પ્રારબ્ધ ચડે કે પુરુષાર્થની ડિબેટ કરનારાઓ માટે દીવાદાંડી સમાન છે. ચાવીના ઝૂડાની છેલ્લી ચાવીથી જ દરવાજો ખૂલે એવું તમારા પ્રારબ્ધમાં હોઈ શકે, પણ બીજી બધી ચાવીઓ ફેરવવાનો પુરુષાર્થ તો કરવો જ પડેને. અંગૂઠી માછલીના પેટમાંથી જ મળવાનું પ્રારબ્ધમાં લખેલું હોઈ શકે, પણ માછલી પકડવાનો પુરુષાર્થ તો કરવો જ પડેને. હથેળીમાં ચપ્પુથી રેખા દોરવાનું ઝનૂન હોય તો ભાગ્યને પણ ઝળહળવું પડે. સવારે ઊઠીને ‘કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી’ કહીને લાંબી-ટૂંકી રેખાઓ નથી જોવાની, પણ કલ્પનાની કલમે આખા દિવસનું ટાઇમટેબલ હથેળીમાં દોરી દેવાનું હોય છે. સપનાનાં ટીપાં આંખમાં આંજીને દિવસની શરૂઆત કરીએ તો જીવન જરૂર રંગીન લાગે. દીવાનગીનાં ચશ્માં પહેરીને બહાર નીકળીએ તો જ ખુશીની વાનગી સાંજ પડે પીરસાય. ઘોડો આડોઅવળો ન જાય એટલા માટે કપડાની પટ્ટીઓ એની આંખોની બન્ને બાજુએ બાંધવામાં આવે છે, પણ આપણા વિચારોના ઘોડાને તો આપણું ધ્યેય જ એક દિશામાં દોડતું રાખે છે. એ ધ્યેય કોઈ નક્કી કરેલી મીટિંગ હોય કે કોઈ પ્રેઝન્ટેશન કે પ્રોજેક્ટ ડેડલાઇન હોય કે કોઈ ટાર્ગેટલાઇન હોય, અંતે તો એ લક્ષ્ય જ આપણી ધમનીઓમાં ઍડ્રિનાલિનને ઝરતું રાખે છે. એ જ છેલ્લી સેકન્ડે ઊંચો કૂદકો મારવાનું બળ આપે છે.

જગજિત સિંહ ભલે ગાય કે ‘રેખાઓં કા ખેલ હૈ મુકદ્દર’, પણ આપણે એ ભૂલવું નહીં કે રેખાઓ આખરે છે તો આપણી જ મુઠ્ઠીમાંને. ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ એ સૂત્રના ચાબુકથી વિશ્વાસના અશ્વને દોડતો રાખીશું તો જાત સિવાય કોઈ પર ડિપેન્ડ રહેવું નહીં પડે. એ ન ભૂલવું કે જીવનમાં તક ઘણી વાર મહેનતનું મહોરું પહેરીને આવતી હોય છે.

હાથ વગરની વ્યક્તિને જોઈને એક જ્યોતિષીએ બહુ સુંદર વાત કહી કે તારી સફળતા તારા ચહેરા પર દેખાય છે અને એના માટે હાથની જરૂર નથી. લેખક ખુશવંત સિંહે એક વખત કહેલું કે તમારું ભવિષ્ય હાથની રેખાઓમાં નહીં પણ કપાળમાંથી પડતાં પરસેવાનાં ટીપાંઓમાં હોય છે. વિધાતાને ચૅલેન્જ આપતા એક ગીતમાં દિલીપકુમાર ગાય છે, ‘તકદીર હૈ ક્યા, મૈં ક્યા જાનૂં, મૈં આશિક હૂં તદબીરોં કા’ ત્યારે લાગે કે હા બરાબર, આ ગીત ટ્રેનના ધધકતા એન્જિનમાં જ ફિલ્માવી શકાય. એમાં સળગતા કોલસાનું ઈંધણ આખા અસ્તિત્વમાં અગ્નિ પ્રગટાવી દે. ‘અપને પે ભરોસા’ હોય તો જ `તદબીર સે બિગડી હુઈ તકદીર` બનાવી શકાય. જાત પરનો વિશ્વાસ જ આખા વિશ્વનો શ્વાસ છે.  -યોગેશ શાહ

Sociology columnists gujarati mid-day mumbai