26 September, 2021 06:05 PM IST | Mumbai | Aashutosh Desai
શ્રદ્ધાથી થાય એ જ શ્રાદ્ધ
હાલમાં પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને દરેક હિન્દુ ઘરમાં પૂર્વજોની મૃત્યુતિથિ મુજબ કાગવાસ, બ્રહ્મભોજન, પિંડપૂજન જેવી વિધિઓ થશે. જેઓ આ પૃથ્વી પરથી વિદાય લઈ ચૂક્યા છે તેમને શા માટે વારંવાર યાદ કરવાના? પૂર્વજો માટે કરવામાં આવતી આ પ્રક્રિયા પાછળની પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ શું છે એના પર નજર માંડીએ
મૃત્યુ વિશેની માન્યતાઓને આપણે ધર્મ અને વિજ્ઞાન બન્નેના સંયોજન સાથે જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે કોઈ પણ જીવનાં હાથ-પગ વગેરે અંગો નિશ્ચેતન બની જાય; ઇન્દ્રિયોની જોવાની, સાંભળવાની, અનુભવવાની શક્તિઓ ક્રમશઃ નાશ પામવા માંડે અને શરીરમાં વિદ્યમાન એવા પાંચ પ્રાણ - પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એક પછી એક શરીર છોડીને ફરી પોતાના સ્થાને જવા માંડે એને મૃત્યુ કહેવાય છે. એટલે કે અપાન અને ઉદાનવાયુનું તારતમ્ય અથવા મેળ તૂટે અને એને કારણે પ્રાણવાયુમાં અવરોધ ઊભો થાય. આ અવસ્થાનું નામ જ મૃત્યુ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભૌતિકશાસ્ત્રનું એક સૂત્ર છે. પદાર્થ શાશ્વત છે (Matter is Eternal), કોઈ પણ વસ્તુ કદાપિ નષ્ટ થતી નથી, પરિવર્તન પામે છે. જેવી રીતે વૃક્ષ સેંકડો વર્ષ પછી લાકડું બને છે, લાકડું બાળીને કોલસો બને છે, કોલસો બાળીને રાખ અને રાખના નાના સૂક્ષ્મ કણો હવામાં ફેલાઈ જઈને વાતાવરણમાં ભળી જાય છે. આ પ્રકારે વૃક્ષનું માત્ર સ્વરૂપ બદલાયું છે, એ નષ્ટ નથી થયું. આ સૂત્ર દ્વારા વિજ્ઞાન પણ માને છે કે આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ ક્યારેય નષ્ટ પામતી નથી, એનું માત્ર સ્વરૂપ બદલાય છે. આ વાત આપણો ધર્મ પુરાણકાળથી કહેતો આવ્યો છે. સમયાંતરે આપણી આ વાત વિશ્વના બીજા તમામ ધર્મોએ પણ સ્વીકારવી પડી જ છે.
તો જો મનુષ્ય, પ્રાણી, પક્ષી કે બીજા જીવો મૃત્યુ પામવાથી નષ્ટ નથી થતાં તો ક્યાંક ને ક્યાંક તેઓ કોઈક ને કોઈક સ્વરૂપમાં છે એ વાત સાચી માનવી પડશે? આ વાતનો જવાબ હિન્દુ ધર્મના અદ્વૈત વેદાન્તની પરંપરા સમજાવતા ગ્રંથ વિવેક ચુડામણીમાં મળે છે. વિવેક ચુડામણીમાં કહેવામાં આવ્યું છે કે જીવાત્મા જ્યારે સ્થૂળ શરીર છોડીને અલગ થાય છે ત્યારે એને મૃત્યુ કહેવામાં આવે છે. આપણું ભૌતિક શરીર કુલ ૨૭ તત્ત્વોના મિશ્રણનું બનેલું હોય છે. આ સ્થૂળ શરીર પંચમહાભૂતમાં ભળી જાય છે. એમાં પાંચેય ઇન્દ્રિયો અને પાંચેય તત્ત્વો પૃથ્વી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ પાછળ છૂટી જાય છે; પરંતુ બાકીનાં સત્તર તત્ત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર વિદ્યમાન રહે છે. એનો સીધો અર્થ એ થયો કે આપણા પ્રિયજન જે મૃત્યુ પામ્યા છે તે કોઈ ને કોઈ સ્વરૂપમાં આ અમાપ વિશ્વમાં મોજૂદ છે. હવે જો તેમને પીડા થાય કે પરમ શક્તિમાન એવા ઈશ્વર સામે નીચા જોવાપણું થાય એ આપણને નહીં જ ગમે. આથી જ તેમની શાંતિ, સદ્ગતિ, કર્મફળની પીડામાંથી મુક્તિ તથા તેમના હયાત કુટુંબ પર તેમની કૃપાદૃષ્ટિ સદૈવ રહે એવા આશય અને લાગણી સાથે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે. વાસ્તવમાં તો આપણા હિન્દુઓ માટે શ્રાદ્ધપક્ષ એ એક શ્રાદ્ધપર્વ તરીકે ઊજવાવો જોઈએ. જોકે આવી ઉજવણી આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે એ વિશે આપણને સમજ હોય અને ખબર હોય.
શ્રાદ્ધ એટલે શું?
‘શ્રધામ ક્રિયતે ઇતિ શ્રાદ્ધ:’ અર્થાત પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એ શ્રાદ્ધ છે. મતલબ કે આપણા મૃત વડીલો કે પ્રિયજનો માટે આપણે જે પણ કોઈ કાર્ય પૂરી શ્રદ્ધાપૂર્વક કરીએ એ ‘શ્રાદ્ધ’ તરીકે ગણાવું જોઈએ. પૂજાથી લઈને આહુતિ આપવી, તર્પણ કરવું, પિંડદાન, દ્રવ્યદાન, ઈશ્વરજાપ, ઉપવાસ વગેરે અનેક પ્રવૃત્તિઓ જેનો લાભ, સંતોષ અથવા શુભ ફળની પ્રાપ્તિ આપણને નહીં પરંતુ આપણા પિતૃઓને થાય એવી નિઃસ્વાર્થ લાગણી સાથે કરવામાં આવે એ દરેક પ્રવૃત્તિ શ્રાદ્ધ છે.
શ્રાદ્ધના પ્રકાર કેટલા?
નિત્ય શ્રાદ્ધ : તર્પણ કરવું; ગાય, કૂતરા, કાગડા વગેરેને ભોજન અર્પણ કરવું આ બધું જ નિત્ય શ્રાદ્ધ કહેવાય જે વાસ્તવમાં રોજ કરવું જોઈએ.
નૈમિત્તિક શ્રાદ્ધ : આપણા ઘરમાં કોઈકનું મૃત્યુ થયું હોય અને તેમના માટે આપણે જે શ્રાદ્ધ કરીએ અથવા કરાવીએ છીએ એ નૈમિત્તિક શ્રાદ્ધ કહેવાય.
કામ્ય શ્રાદ્ધ : આપણે આપણી કોઈ ઇચ્છાપૂર્તિ માટે જે શ્રાદ્ધ કરીએ છીએ એને કામ્ય શ્રાદ્ધ કહેવાય છે. જેમ કે સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે અથવા નારાયણબલિ શ્રાદ્ધ કરવામાં આવે. આવા ઇચ્છાપૂર્તિના હેતુથી કરવામાં આવતા શ્રાદ્ધને કામ્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.
પિતૃને પ્રિય પદાર્થનું દાન
આપણાં ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે એ અનુસાર શ્રાદ્ધકલ્પમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત પિતરોના નિમિત્તે જે પોતાના પ્રિય પદાર્થ બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક પ્રદાન કરે છે તે અનુષ્ઠાનનું નામ શ્રાદ્ધ, જ્યારે કાવ્યાયન સ્મૃતિના ૧૩મા અને ૧૪મા અધ્યાયમાં કહ્યું છે કે પિતૃયજ્ઞનું બીજું નામ એટલે શ્રાદ્ધ. અથર્વવેદમાં એવો ઉલ્લેખ છે કે હું આ ચોખાનું ભોજન બ્રાહ્મણોને ખવડાવું છું, જે સૂક્ષ્મરૂપે અતીવ વિસ્તરીને લોક-લોકાંતરને જીતતું-જીતતું સ્વર્ગ સુધી પહોંચે છે.
એક નાની રમૂજ સાથે આપણી વાતની શરૂઆત કરીએ જેથી સમજવામાં પણ સરળતા રહે. આપણા ઘરમાં કોઈ નાનું છોકરું હોય એને તમે ૧૦૦ રૂપિયા આપીને બે-ચાર વસ્તુ લઈ આવવા માટે બાજુની દુકાનમાં મોકલો તો તે પાછો આવે ત્યારે તમે શું કરશો? તમે આપેલા ૧૦૦ રૂપિયાનો હિસાબ માગશો અથવા જાણશો, બરાબર? બસ, કંઈક આવું જ મૃત્યુ પછી ઈશ્વરદ્વારે પહોંચેલા આપણા સ્વજન સાથે થતું હશે એમ મનાય છે. મનુષ્યજન્મ આપીને મોકલેલા એ જીવ પાસે ઈશ્વર કર્મોનો હિસાબ નહીં માગતો હશે? અને જો કર્મોનો હિસાબ આપવો પડે તો દુષ્કર્મો કે જીવન દરમિયાન થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત પણ કરવું જ પડે. જોકે આપણું એ સ્વજન તો મૃત્યુ પામ્યું છે તો હવે તે પ્રાયશ્ચિત્ત કઈ રીતે કરી શકે? નહીં જ કરી શકે. જોકે આમાં આપણે એ જીવાત્માની મદદ જરૂર કરી શકીએ અને આ મદદ એટલે શ્રાદ્ધ.
આથી જ મૃત્યુ પામેલા સ્વજન માટે આપણે ત્યાં જ્યારે દસમા દિવસનું, અગિયારમા દિવસનું અને બારમા તથા તેરમા દિવસનું શ્રાદ્ધ કરવામાં આવે છે એને પ્રાયશ્ચિત્તનું શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. દસમાનું અને અગિયારમાનું શ્રાદ્ધ આપણે કરીએ ત્યાં સુધી આપણા સ્વજનને હજી પિતૃ યોનિ પ્રાપ્ત થઈ હોતી નથી, કારણ કે તેમનાં કર્મોનું હજી પ્રાયશ્ચિત્ત નથી થયું. આ બન્ને શ્રાદ્ધ દ્વારા આપણે તેમને પ્રાયશ્ચિત્ત કરાવીએ છીએ અને બારમાના શ્રાદ્ધ દ્વારા તેમને પ્રેત યોનિમાંથી પિતૃ યોનિમાં પ્રવેશ કરવામાં મદદ કરીએ છીએ. તો એટલી વાત તો આપણને સામાન્ય જ્ઞાન દ્વારા પણ સમજાવી જોઈએ કે કોઈ આપણું નાનુંસરખું કામ પણ કરી આપે તો આપણે તેમને ‘થૅન્ક યુ’ કહેતા હોઈએ છીએ. તો આપણે મૃતકને જો પ્રાયશ્ચિત્ત કરવામાં મદદ કરીએ તો તેમનો તૃપ્ત થયેલો આત્મા આપણા અને આપણા પરિવારને કેટલા નિર્મળ આશીર્વાદ આપતા હશે.
પિંડદાનનું મહત્ત્વ
શ્રાદ્ધ દરમિયાન પિંડ બનાવવાનું કે પિંડની પૂજા કરવા પાછળનું એક કારણ એ છે કે મનુષ્યનો જ્યારે જન્મ થાય છે ત્યારે માના ગર્ભમાં તેનો આકાર પહેલાં એક પિંડ જેવો જ હોય છે જેમાંથી ધીમે-ધીમે આખા શરીરનો આકાર જન્મે છે. એ જ રીતે આત્માએ જ્યારે હવે એનું શરીર છોડી દીધું છે ત્યારે એ ફરી પિંડ સ્વરૂપે નવું સ્વરૂપ ધારણ કરવાની તૈયારી કરશે. પિંડ એ શ્રદ્ધાપૂર્વક ઘડવામાં આવેલું એક પ્રતીક છે.
શ્રાદ્ધ ખરેખર પહોંચે ખરું?
શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એ શ્રાદ્ધ. જેમ ઑક્સિજન વાતાવરણમાં હાજર હોવા છતાં દેખાતો નથી એ જ રીતે શ્રાદ્ધ કાર્યનું ફળ પણ પિતૃઓ સુધી પહોંચ્યું જ છે એ સાબિત કરવું મુશ્કેલ છે. જોકે એમાં જરૂર કહી શકાય કે જ્યારે કોઈ વસ્તુ એના હકદાર વ્યક્તિના નામ, સરનામા અને પ્રૉપર પોસ્ટલ સ્ટૅમ્પ સાથે મોકલવામાં આવે ત્યારે વહેલી-મોડી એ ચીજ પોતાના માલિક સુધી પહોંચી જ જતી હોય છે. આથી જ શ્રાદ્ધ દરમિયાન મૃતકનું ગોત્ર, મૃતકનું નામ, શ્રાદ્ધકર્તા સાથે તેનો સંબંધ અને સરનામાનું જ નહીં પરંતુ જેનું મૃત્યુ થયું હોય તેના લિંગના ઉચ્ચારણ દ્વારા વ્યાકરણનું પણ સચોટ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે પુરુષનું મૃત્યુ થયું હોય તો તેના શ્રાદ્ધ દરમિયાન પ્રેતસ્ય અને સ્ત્રીનું મૃત્યુ થયું હોય તો પ્રેતાયાહા બોલવામાં આવે છે.
શ્રાદ્ધમાં વાસ મૂકવાનું મહત્ત્વ
નિત્ય, નૈમિત્તિક અને કામ્ય ત્રણેય શ્રાદ્ધમાં વાસ મૂકવાનું મહત્ત્વ છે. શ્રાદ્ધપૂજા દરમિયાન અને ત્યાર બાદ પણ ગાય, કૂતરો અને કાગડાને વાસ એટલે કે ભોજન પીરસવામાં આવે છે. ગાયને શા માટે? શિવજીએ એક સંવાદ દરમિયાન પાર્વતીજીને કહ્યું હતું કે ગાયને જે પશુ તરીકે જુએ તેને જન્મોજન્મ સુધી પશુ યોનિ જ પ્રાપ્ત થાય છે. વળી ગાયને આપણાં શાસ્ત્રોમાં ત્રણે લોકમાં માતા તરીકે ગણાવવામાં આવી છે અને એમાં ૩૩ કોટિ દેવતાઓનો વાસ હોવાનું મનાય છે. વળી વિજ્ઞાનમાં એ વાત પુરવાર થયેલી છે કે ગાયના શરીરમાંથી જે વાઇબ્રેશન્સ નીકળે છે એને કારણે ઇમ્યુનિટી પાવર વધે છે. ગાયને સ્પર્શ કરવાથી કે એની નજીક સમય ગુજારવાથી સકારાત્મક ઊર્જા મહેસૂસ થાય છે.
કૂતરાને વાસ મૂકવા પાછળનું શાસ્ત્રોમાં કારણ એવું જણાવવામાં આવ્યું છે કે એમ કરવાથી આપણા કુળની વૃદ્ધિ થાય છે. એની પાછળનો એક તર્ક એવો છે કે કૂતરો આપણા ઘરની રક્ષા કરે છે. એક સમય એવો હતો જ્યારે દરેકના ઘરમાં અથવા ફળિયામાં કમસે કમ એક કૂતરો હતો જ જે ઢોરઢાંખરને ચરવા દરમિયાન છૂટા પડી જવાથી જંગલી પ્રાણીઓથી રક્ષા કરતો. વળી ઘરની પણ કાળજી લેતો. પહેલાંના સમયમાં જ્યારે હજી રસ્તાઓ પર વીજળી નહોતી ત્યારે કૂતરા વળી કે મહોલ્લાની કે ગામની બહાર સુધી આપણી સાથે ચાલતા રહીને પથદર્શક બનતા. કોઈ અજાણ્યું જણ સામે આવે કે કોઈ અડચણ જણાય ત્યારે એ સૌથી પહેલાં ભોંકીને આપણને સચેત કરે છે. એ જ રીતે જીવાત્માને પોતાના સદ્ગતિના માર્ગે અડચણ વિના દોરી જવામાં કૂતરો મદદ કરે છે.
કાગડાને આપણાં શાસ્ત્રોમાં યમના દૂત તરીકે ગણાવવામાં આવ્યો છે. બ્રાહ્મણોનું કહેવું છે કે કાગડાને વાસ મૂકવાથી અહોરાત્રિ (મોટી રાત્રિ જેમ કે નવરાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી, કાળરાત્રિ)માં થયેલાં પાપોમાંથી મુક્તિ મળે છે. તો વળી ઋષિઓએ જે વૈજ્ઞાનિક સંદર્ભ આપ્યો છે એમાં કહેવાયું છે કે કાગડાનું અસ્તિત્વ પૃથ્વી પર ટકી રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે વડ કે પીપળા જેવાં વૃક્ષ ક્યારેય રોપવાથી થતાં નથી, એ આપોઆપ જ ઊગી નીકળે છે અને એ કાગડાના મળ દ્વારા પૃથ્વી પર અલગ-અલગ જગ્યાએ ઉદિત થાય છે. આ બન્ને વૃક્ષો મહત્તમ પ્રાણવાયુ (ઑક્સિજન) આપનારાં છે અને શ્રાદ્ધ નિત્યકર્મ હોવાને કારણે રોજ કાગડાને વાસ મુકાશે અને આ રીતે એનું અસ્તિત્વ જળવાઈ રહેશે.
દર્ભનો ઉપયોગ કેમ?
કુશપવિત્રી અથવા કુશનું ગ્રાસ એટલે કે દર્ભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. દાનવી વૃત્તિ, પાશવી માનસિકતા કે શક્તિઓ, અશુભકર્તા જેવાં અનેક પરિબળોથી દર્ભ આપણું રક્ષણ કરે છે. દર્ભને સીધો પકડી તમે ઉપરથી નીચે તરફ આંગળી કે હાથ ફેરવો તો તમારી આંગળી કે હાથ કપાઈ જશે અને લોહી નીકળવા માંડશે. ‘દર્ભમ રક્ષતો રાક્ષતાત!’ દર્ભ દરેક પ્રકારની નકારાત્મકતાથી રક્ષણ આપે છે. આથી જ મૃતકને આપણે જે પિંડદાન કરીએ છીએ એ પણ જમીન પર એક પૂર્ણ દર્ભ મૂકી એના પર પિંડ મૂકવામાં આવે છે, કારણ કે બ્રહ્મનો વાસ એવા દર્ભ દ્વારા મૃતકનો આત્મા પણ બ્રહ્મમાં ભળી જાય અને દર્ભ એમાં મદદ કરે. આ જ કારણથી આપણા ગુજરાતીમાં એક કહેવત પણ પ્રચલિત થઈ છે, ‘સળી (દર્ભ) વગરનું શ્રાદ્ધ નકામું!’
પુત્રએ શ્રાદ્ધ શા માટે?
આ માટે ‘પુત્ર’ શબ્દનો અર્થ સમજવાની જરૂર છે. હિન્દુ ધર્મ અનુસાર ‘પુ’ નામના નર્કમાંથી ‘ત્ર’ ત્રાણનાર એટલે પુત્ર. વિજ્ઞાને પણ એ વાત સ્વીકારી છે કે પુત્ર વીર્યઅંશ રૂપમાં માતા અને પિતાનું પ્રતિનિધત્વ કરે છે. વળી હિન્દુ શાસ્ત્રોમાં સ્ત્રીઓને શારીરિક સંજોગો અને મર્યાદાઓને કારણે આહુતિ વગેરે આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી પણ પુત્ર જો માતા કે પિતાનું શ્રાદ્ધ કરે તો સૌથી ઉત્તમ ગણવામાં આવ્યું છે.
સપિંડીકરણ શ્રાદ્ધ
મૃત્યુના એક વર્ષ પછીનું શ્રાદ્ધ એટલે કે ડેથ ઍનિવર્સરી શ્રાદ્ધ એટલે સપિંડીકરણ શ્રાદ્ધ. જેને આપણે બારમાનું શ્રાદ્ધ કહીએ છીએ એ વાસ્તવમાં મૃત્યુના બારમા દિવસે નહીં પરંતુ મૃત્યુના બાર મહિના પછી માસિક સોળસી શ્રાદ્ધ કર્યા પછી કરવાનું શ્રાદ્ધ છે. એના દ્વારા જ પ્રેત યોનિમાંથી આપણા મૃતકને આપણે પિતૃ યોનિમાં મોકલતા હોઈએ છીએ. જોકે હમણાંના સમયમાં હવે આપણે મૃત્યુના બારમા દિવસે જ આ શ્રાદ્ધ કરી નાખતા હોવાને કારણે આપણે એને બારમું અથવા બારમાનું શ્રાદ્ધ કહીએ છીએ, જે વાસ્તવમાં સપિંડીકરણનું શ્રાદ્ધ છે.
તેરમાનું શ્રાદ્ધ
બારમાનું શ્રાદ્ધ કર્યા પછીના દિવસે શ્રાવણિક શ્રાદ્ધ કરવાનું હોય અને ત્યાર બાદ ફરી એક વર્ષ સુધી માસિક શ્રાદ્ધ કરવાનું હોય છે. એને શુદ્ધ સોળસી શ્રાદ્વ પણ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ શુદ્ધ શ્રાદ્ધ છે, કારણ કે અગિયારમા સુધી જે મૃતક પ્રેતયોનિમાં હતો એને આપણે બારમાના શ્રાદ્ધ દ્વારા પિતૃ યોનિમાં પ્રયાણ કરવામાં મદદ કરી અને હવે તે પિતૃ થયા જેમને માટે શુદ્ધ સોળસી શ્રાદ્ધ કરવામાં આવશે. એ ફરી એક વર્ષ સુધી કરવાનું હોય છે. જોકે આજકાલ એક મૃત વ્યક્તિ પાછળ સગો દીકરો પણ બે-બે વર્ષ જેટલો સમય આપવા માટે નવરો નથી તો બ્રાહ્મણ તો ક્યાંથી હોય કે આ બધું સમજાવે અને કરાવે.
ખેર, આખરે તો શ્રદ્ધાથી કરવામાં આવે તે જ શ્રાદ્ધ, બાકીનું બધું તો મહારાજે કહ્યું એટલું કરવાનું. તેમણે કહ્યું, ત્રણ ચમચી પાણી ચઢાવો એટલે અમે લોટામાંથી ત્રણ ચમચી પાણી લઈ તરભાણામાં રેડી મૂકી... કોઈએ પૂછ્યું, એ શા માટે? અમે કહ્યું, મહારાજે કહ્યું એટલે... બાકી કારણ જાણવાની કોને પડી છે, હેં?
વિશ્વમાં ઊજવાતી ડેથ ઍનિવર્સરી અથવા શ્રાદ્ધ વિચિત્રતાથી ભયાનકતા સુધી ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં ઉત્તર તોરાજા વિસ્તારમાં રહેતા લોકોને તોરાજન તરીકે ઓળખવામાં આવે છે. તોરાજન લોકો પ્રાણીઓ (ભેંસ અથવા બળદ)નો નિર્દય બલિ આપીને ડેથ ઍનિવર્સરી અને અંતિમ સંસ્કાર ઊજવે છે. તોરાજનની મૃત્યુ પછીની વિધિઓ અને માન્યતાઓ આખા વિશ્વથી ભિન્ન અને વિચિત્ર છે. તોરાજન લોકો માટે દસમું, અગિયારમું કે બારમું-તેરમુનું શ્રાદ્ધ જેવું કંઈ નથી કે નથી તેમને ત્યાં કોઈ વાર્ષિક શ્રાદ્ધ જેવી માન્યતા, કારણ કે તેમને ત્યાં મૃત્યુ પામેલું સ્વજન એક-દોઢ કે બે વર્ષ સુધી તો મૃત્યુ પામેલું હોતું જ નથી. કન્ફ્યુઝ્ડ? ઇન્ડોનેશિયાના બોનોરાન ગામમાં રહેતા તોરાજન લોકો પોતાના મૃત સ્વજનના અંતિમ સંસ્કાર એ જ દિવસે નથી કરતા. દસ દિવસથી લઈને દસ મહિના સુધી તો કેટલાક કિસ્સાઓમાં તો ત્રીસ-ચાલીસ મહિનાઓ સુધી પણ તે મૃત સ્વજન જે-તે તોરાજનના ઘરે જ રહે છે. તે લોકો એને મૃત તરીકે નહીં પરંતુ બીમાર વ્યક્તિ તરીકે ટ્રીટ કરે છે અને તે મૃત શરીરને ખાવાનું, પીવાનું પાણી, શરાબ કે સિગારેટ સુધ્ધાં પણ ઑફર કરતા હોય છે. મહેમાનો તેમને મળવા આવતા હોય છે. તોરાજન પ્રજા તે મૃતદેહને નવાં કપડાંઓ પહેરાવીને તેમની સાથે ફોટો પણ પડાવતી હોય છે. એક વર્ષથી લઈને દોઢ-બે વર્ષ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને તોરાજન લોકો માટે એ જ શ્રાદ્ધ છે અથવા ફર્સ્ટ ડેથ ઍનિવર્સરી છે. આ સમયે તે લોકો એકસાથે લગભગ ૭ ભેંસ અથવા બળદને મારી નાખે છે. તેમનું માનવું છે કે ભેંસ કે બળદ મરનારને નિર્વાણ સુધી લઈ જવામાં મદદ કરે છે.
દર વર્ષના ઑગસ્ટ મહિનામાં તોરાજા લોકો મૃત્યુ પામેલા સ્વજનોનું એ કૉફિન ફરી ખોલે છે અને તેમને નવાં કપડાં પહેરાવીને સજાવે છે, તેમની સાથે ફોટોગ્રાફ લે છે અને વાતો પણ કરે છે.
ચાઇનીઝ લોકોનું રૂપિયાવાળું વરસી શ્રાદ્ધ
ચાઇનામાં લોકો પોતાના સ્વજનના મૃત્યુની યાદમાં રૂપિયા બાળે છે. ના... ના, સાચકલા રૂપિયા નહીં, પેલા મોનોપૉલીની રમતમાં આવે છે તે. હં, બસ તેવા જ. ચાઇનામાં એને જોશપેપર કહેવામાં આવે છે. આવા જોશપેપર રૂપિયાના બંડલનાં બંડલ તે લોકો પોતાના સ્વજનના મૃત્યુની યાદમાં બાળી નાખતા હોય છે. વર્ષોથી ચાલી આવતી આ ટ્રેડિશનમાં સમયાંતરે થોડો બદલાવ આવ્યો અને લોકોએ જોશપેપરની સાથે જે-તે મૃતકની પસંદગીની વસ્તુઓનાં પણ કાગળનાં રમકડાં બનાવવા માંડ્યા. સાઇકલથી લઈને રમકડાંનું ઘર, માનવાકૃતિ, ઢીંગલી વગેરે રમકડાંઓ બનાવીને એને બાળવામાં આવે છે. એમાં ચાઇનીઝ લોકો જે એક સ્વરૂપને દયાની દેવી તરીકે પૂજે છે તે દેવીના ફોટોગ્રાફ્સ પણ હોય છે. ફળોમાં અગરબત્તી ખૂંપાવીને સળગાવવામાં આવે છે અને ત્યાર બાદ મૃતાત્માને બોલાવવામાં આવે છે અને ત્યાર બાદ તેમની સામે જોશપેપર અને રમકડાંઓ વગેરે સળગાવવામાં આવે છે. ચાઇનીઝ લોકોનું માનવું છે કે મૃતકને પસંદ હોય એવી વસ્તુઓ બાળીને તેમના સુધી પહોંચાડવામાં આવે છે, તેમને ભેટ ધરવામાં આવે છે જેથી તેમને ખુશી થાય, સંતોષ થાય અને તેમના બીજા જન્મમાં તે ઉપયોગમાં આવે.
જપાનનો ઓબોન ફેસ્ટિવલ
જપાનનો ઓબોન બોન ફેસ્ટિવલ અથવા ઉરાબોન ફેસ્ટિવલ એ તેમનો મૃતકને શ્રદ્ધાંજલિ આપવાનો અથવા શ્રાદ્ધનો ફેસ્ટિવલ છે. આ ઉત્સવ એ એક બુદ્ધિઝ પંથમાં માનનારાઓનો ઉત્સવ છે અને લગભગ ૫૦૦ વર્ષથી જપાનમાં ઊજવાય છે. આ ઉત્સવ પાછળની એક કહાની છે. એક બુદ્ધિસ્ટ સાધુ મહા મોઉદગાલિયાના પોતાની શક્તિઓ તેમની મૃત માના આત્માને મળવામાં વાપરતા હતા અને એના દ્વારા જ તેમણે તેમની માને જે યાતના ભોગવી રહી હતી એમાંથી છોડાવીને મુક્તિ અપાવી હતી. ત્યાર બાદ મહા મોઉદગાલિયાના આનંદમાં નાચવા માંડ્યા હતા અને તેમણે કોઈ ઉત્સવની જેમ એની ઉજવણી કરી હતી. એમાંથી ઓબોન ડાન્સનો જન્મ થયો. જપાનમાં મૃતકોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હવે આ ઉત્સવ ત્રણ દિવસ સુધી ઊજવવામાં આવે છે. દારા વર્ષના સાતમા મહિનામાં એટલે કે જુલાઈની ૧૩થી ૧૫ તારીખ સુધી જપાનમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં આ ઉત્સવ ઊજવાય છે. આ સમય દરમિયાન મૃતકનાં સગાંવહાલાં ખાવાની અલગ-અલગ ચીજો અને બીજી ભેટો મંદિર કે બીજાં જાહેર સ્થળો પર ઑફર કરતાં હોય છે.
યહૂદીઓનું શ્રાદ્ધ
ઇઝરાયલ અનેક રીતે એક અનોખો દેશ છે. અહીં મૃત્યુને શોકમગ્ન રાખવા કરતાં ઊજવવામાં વધુ માનવામાં આવે છે. તેમનું માનવું છે કે ઘરના નજીકના લોકોને જેટલા વહેલા આ દુઃખના વાતાવરણમાંથી બહાર કાઢી લેવામાં આવે એટલું વધુ સારું. આથી જ મૃત્યુ થયેલા ઘરમાં આવનારા લોકો માટે તેઓ વાઇન, શરાબ વગેરે સાથે ભાત-ભાતનું ખાવાનું ઑફર કરતા હોય છે અને મૃતકના શ્રાદ્ધ સ્વરૂપે તે લોકો ક્યારેક ડાન્સ-પાર્ટી તો ક્યારેક મહેમાનોથી ભરેલા ઘરમાં કાળાં કપડાં પહેરી સાથે ડ્રિન્ક લેવાનું અને ખાવાનું આયોજન કરતા હોય છે.
ઇસ્લામમાં શ્રાદ્ધ કે વરસી નથી
ઇસ્લામમાં ક્યાંય પણ વરસી કે ચાલીસ દિવસની ઉજવણી કે શ્રાદ્ધ જેવો કોઈ ઉલ્લેખ નહીં હોવાનું કેટલાક ઇસ્લામિક સ્કૉલર્સ જણાવે છે. તેઓ કહે છે કે વર્ષો પહેલાં જ્યારે રેસ્ટોરાં વગેરે નહોતું ત્યારે મૃત્યુ થયું હોય એવા ઘરમાં આજુબાજુના ઘર તરફથી ખાવાનું વગેરે પહોંચાડીને મદદ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે ત્યાં જઈ બેસવાનું કે ત્રણ, પાંચ, દસ કે ચાલીસ દિવસ પછી તે મૃતકને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થવાનું કે એવું ક્યાંય કશે કહેવામાં આવ્યું નથી. હવે ક્યાંક કોઈ આ પ્રમાણે માનતું હોય તો એ બીજા ધર્મોમાં જોઈને અનુકરણ કરવામાં આવી રહ્યું હોય એવું બને.
મેક્સિકોનો નવેમ્બર ફેસ્ટિવલ
મેક્સિકોના હવાકા શહેરમાં ઑક્ટોબર મહિનાના અંત ભાગથી જ નવેમ્બરમાં આવનારા ફેસ્ટિવલની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ ફેસ્ટિવલ છે, ‘ધ ડે ઑફ ધ ડૅડ’. મેક્સિકન લોકો આ ઉત્સવને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોની યાદમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઊજવે છે. તેમના માટે આ એક પ્રકારનું શ્રાદ્ધ છે. આ ફેસ્ટિવલ દરમિયાન કેટલાક લોકો હાડપિંજરનો વેશ બનાવીને તો કેટલાક લોકો વળી ડરામણા વેશ બનાવીને ડાન્સ કરતા, રસ્તા પર ફરતા, પોતાના સ્વજનની કબરો પર જઈને સમય વિતાવતા તો વળી કૅન્ડલ સળગાવીને પોતાનાં સગાંવહાલાં કે મિત્રો સાથે મૃતકની કબર પર જઈને બેસતા કે ઘરે રહીને તેમની યાદમાં અંગત ભોજન સમારંભ રાખતા જોવા મળે છે. આ મૃત્યુને અને મૃતકની સદ્ગતિને ઊજવવાનો પ્રસંગ એટલે મેક્સિકન લોકો દ્વારા પોતાના મૃતક સ્વજન માટે કરવામાં આવતું શ્રાદ્ધ.
૩૧ ઑક્ટોબરથી બીજી નવેમ્બર સુધી ઊજવવામાં આવતો ઉત્સવ મેક્સિકોમાં લગભગ છેલ્લાં ૫૦૦ વર્ષથી ઊજવાય છે. પોતાના સ્વજનનો ફોટો મૂકી ત્યાં ક્રૉસ અને ફૂલો દ્વારા સજાવટ કરવામાં આવે છે. તે ફોટો સામે કલાકો સુધી બેસી જૂની યાદોને વાગોળવામાં આવે છે, તેમની સાથે વાતો કરવામાં આવે છે અને સાંજ થતાં આખું શહેર જાણે પોતાના મૃતક સ્વજન સાથે ફરવા નીકળ્યું હોય એમ બધા નીકળીને ઉજવણી કરે છે.
જન્મ છે તેનું મૃત્યુ છે અને મૃત્યુ છે તેનો પુનર્જન્મ છે. આ શાસ્ત્રોક્ત વિધાન એક એવું સત્ય છે જેને હરઘડી નજર સામે રાખીને જીવીએ તો કદાચ આપણે જિંદગીને નવી નજરે જોઈ શકીએ. શ્રાદ્ધ ક્રિયા એ આપણા જ પિતૃઓની શાંતિ માટે, તેમની સદ્ગતિ માટે કરવામાં આવતી ક્રિયા છે. માનો તો સુપુત્ર હોવાની રૂએ મૃતકનું શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ એ તેમના શ્રેષ્ઠ ચરણસ્પર્શ છે અને ન માનો તો કોઈ તમને કહેવા પણ ક્યાં આવે જ છે. હા, એટલું ખરું કે ખુદ ભગવાન રામ તેમના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ‘ગયા’ તીર્થ ગયા હતા અને ગયામાં તેમને રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું.
શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન
શ્રાદ્ધ એ પિતૃઓની શાંતિ માટે, તેમની સદ્ગતિ માટે કરવામાં આવતી ક્રિયા છે. ખુદ ભગવાન રામ પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરવા માટે ‘ગયા’ તીર્થ ગયા હતા અને તર્પણ કર્યું હતું.