30 July, 2024 07:00 AM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
‘પપ્પા, મારી હૉસ્ટેલની ફી તેમ જ જમવા-ખાવાના પૈસા માટે ૫૦૦ ડૉલર મોકલી આપજો’ એવું અમેરિકા ભણવા ગયેલા દિનેશે તેના મુંબઈ રહેતા ઉદ્યોગપતિ પિતા ઉમાશંકરને વૉટ્સઍપ-કૉલ કરીને જણાવ્યું.
‘દીકરા, હવેથી હું તને પૈસા નહીં મોકલાવું. અહીંથી બૅન્ક મારફત જેટલા પૈસા મોકલાવું છું એ મેં ૩૩ ટકા ટૅક્સ ભરેલા હોય છે. અમેરિકા રહેતા મારા ફ્રેન્ડ સાથે મેં ગોઠવણ કરી છે. તેઓ તને ૫૦૦ ડૉલર અને હવેથી તારો જે ખર્ચો થાય એ બધી રકમ કૅશ આપી દેશે અને સાંભળ, આવતા મહિનાથી તું મારા એ ફ્રેન્ડ મદનલાલ પટેલ જેઓ અમેરિકન સિટિઝન છે અને તારા જ શહેરમાં તેમની ત્રણ મોટેલ છે. તેમની મોટેલની એક રૂમમાં રહેવા ચાલ્યો જજે. તને બધી સગવડ મળી રહેશે. જમવાનું પણ તેમના ઘરે જ મળશે. કૉલેજમાંથી છૂટે ત્યારે અને શનિ-રવિની રજામાં તેમની મોટેલનું ફ્રન્ટ ડેસ્ક સંભાળજે.’
આ ગોઠવણ બરાબર પાર પડી. દિનેશનો અભ્યાસ પૂરો થયો. હવે એનો ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ પિરિયડ, જે તેણે કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હતો એટલે ત્રણ વર્ષનો હતો એ શરૂ થયો. દિનેશને એક સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. કામ શરૂ કરે એ પહેલાં તે ૧૦ દિવસ તેનાં માતાપિતાને મળવા ભારત આવ્યો. પાછો જતો હતો ત્યારે કૅનેડી ઍરપોર્ટ પર તેની પૂછપરછ થઈ. ઇમિગ્રેશન ઑફિસરને જાણ થઈ કે તેના ખર્ચાની બધી રકમ તેના પિતાએ હવાલા મારફત પૂરી પાડી હતી. તે પોતે કૉલેજના સમય પછી અને શનિ-રવિની રજામાં જે મોટેલમાં રહેતો હતો એના ફ્રન્ટ ડેસ્ક પર કામગીરી બજાવતો હતો.
ઑફિસરે તેના F1 વીઝા કૅન્સલ કર્યા. તેને પાછો ભારત મોકલી આપ્યો. ઊંચા પગારની સારી કંપનીમાં કમ્પ્યુટર પ્રોફેશનલ તરીકે કામ કરવાનાં દિનેશનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં.
ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં ભણવા જાય છે. એમાંના ઘણાનાં માતાપિતા તેમના ખર્ચાના પૈસા હવાલા મારફત મોકલાવે છે. દરેક દેશ મની લૉન્ડરિંગનો વિરોધ કરે છે અને એને અટકાવવા ચાહે છે. જો તમે અમેરિકા યા કોઈ પણ દેશમાં ભણવા કે અન્ય કોઈ પણ કાર્યસર જતા હો તો ત્યાં કરવા પડતા ખર્ચાના પૈસા કાયદેસર બૅન્ક ટ્રાન્સફર મારફત જ મેળવજો, હવાલા મારફત નહીં. હવાલા ટ્રાન્ઝૅક્શન એક ખૂબ મોટો ગુનો છે.