મારા લગ્ન માંડ માંડ થયા,હવે મારા કઝિન-નણંદ વચ્ચે સંબંધથી સ્થિતિ કથળી છે

30 July, 2019 01:42 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

મારા લગ્ન માંડ માંડ થયા,હવે મારા કઝિન-નણંદ વચ્ચે સંબંધથી સ્થિતિ કથળી છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારાં લગ્નને હજી સાત વર્ષ થયાં છે અને એક દીકરી પણ છે. ઇન્ટરકાસ્ટ મૅરેજ હોવાથી વડીલોનો ઘણો વિરોધ હતો છતાં અમે પાંચ વર્ષ સુધી રાહ જોઈ. આખરે થાકીને તેમણે લગ્ન કરાવી આપવાની હામી ભરી. મનથી હામી ભરી ન હોવાથી શરૂઆતમાં કનડગત પણ ઘણી થઈ, પણ અમે બેઉ હુતોહુતી મક્કમ હતાં એટલે વાંધો ન આવ્યો. સસરાની માંદગીમાં મેં ખડેપગે કરેલી ચાકરીને કારણે આખરે સાસુમા પીગળી ગયાં અને મને દિલથી વહુ સ્વીકારી લીધી. માંડ લાગતું’તું કે બધું ઠેકાણે પડ્યું છે ત્યાં મારા મામાના દીકરા ભાઈનું હસબન્ડના નજીકના સગાની દીકરી સાથે અફેર હોવાનું બહાર આવ્યું. આ બન્ને અમારાં લગ્નમાં પહેલી વાર મળેલાં. છેલ્લા દોઢેક વર્ષથી તેઓ ચોરીછૂપી મળતાં હતાં. અમારાં લગ્નમાં પડેલી મુશ્કેલીઓ વિશે તેઓ જાણે છે એટલે તેમણે મારા હસબન્ડને વાત કરી જેથી તેઓ ઘરમાં વાત કરે. હજી તો આગળ કઈ રીતે વાત કરવી એ વિશે વિચારીએ ત્યાં તો તેમને અમારા કોઈ સંબંધીએ રેસ્ટોરાંમાં મળતાં જોઈ લીધાં અને વાતનું વતેસર થઈ ગયું. પેલા બે જણના પ્રેમ માટે સૌથી પહેલાં અમને બન્નેને જ શકના ઘેરામાં લેવામાં આવ્યાં. મારા મસિયાઈ ભાઈ અને દૂરની નણંદને અમે લોકોએ ભેગાં કર્યાં છે એવી વાતો થાય છે. તેમના પરિવાર અમને ધમકી આપે છે કે જો તેમનાં લગ્ન થયાં તો તેઓ અમારી સાથે સંબંધ તોડી નાખશે. ભાઈ અને નણંદને આ વાતની ખબર પડી તો તેમનું કહેવું છે કે જો અમે હા પાડીશું તો જ તે લગ્ન કરશે, બાકી નહીં. તેને હા પાડી શકું એમ નથી ને ના પાડતાં જીવ નથી ચાલતો. અમે પણ પ્રેમલગ્ન કર્યાં છે તો તેને પણ પોતાની પસંદ સાથે લગ્ન કરવાની ના કેવી રીતે પાડું? હા પાડીશ તો ઘરમાં તકલીફનો પાર નથી.

જવાબ : તમારી અત્યારે જબરી સૅન્ડવિચ થઈ છે. ભાઈને લગ્ન માટે હા પાડો તો તમે પરિવારમાં કડવા થઈ જાઓ અને ના પાડો તો ભાઈને તેનો પ્રેમ ન મળે. સમસ્યા તેમને પ્રેમ થયો છે એની નથી, પરંતુ તમે તેમને પ્રેમમાં પાડવાનાં નિમિત્ત બન્યાં છો એવી મિસઅન્ડરસ્ટૅન્ડિંગ મૂળ છે. મને લાગે છે કે તમારે તમારા ભાઈ અને દૂરની નણંદનાં લગ્નના નિર્ણયમાંથી સાવ જ હટી જવું જાઈએ. તમે કોઈ જ સપોર્ટ ન આપ્યો હોવા છતાં તેમણે પ્રેમ કર્યો છે તો તેમને તેમની લડાઈ આપમેળે જ લડવા દો. આમ કરવાથી બે ફાયદા થશે. એક તો તમારા પરિવારજનોને વિશ્વાસ બેસી જશે કે તમારો કે તમારા હસબન્ડનો આ બે પ્રેમીઓના મિલનમાં કોઈ જ હાથ નથી અને બીજું કે એ બે પ્રેમીઓએ પોતાના પ્રેમ માટે જાતે જ લડવાની તાકાત કેળવવી પડશે. જો તેમના પ્રેમમાં દમ હશે તો તેઓ જરૂર તમારી જેમ સફળતા મેળવશે અને કચાશ હશે તો આપમેળે સંજાગોની કઠણાઈ અનુસાર તૂટી જશે.

જેમ તમે અને તમારા હસબન્ડ તમારાં લગ્ન વખતે થયેલી ધમાલનો સામનો કરીને જાતે જ કસોટીની એરણ પર પાર પડ્યાં એમ તમારા ભાઈ અને નણંદને પણ થવા દો. લગ્નની હા કે ના પાડવાની જવાબદારીમાંથી છટકવા માટે નહીં, પરંતુ તે બન્નેમાં પોતાનો પ્રેમ પામવા માટે જરૂરી સ્ટ્રેન્ગ્થ કેળવાય એ માટે પણ એ જરૂરી છે.

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

તમે પોતે લગ્નના નિર્ણયમાંથી હટી જશો એટલે આપમેળે સાસરિયાંઓ તરફથી આવતી કડવાશ પણ ઘટશે જ. તમારે તેમનાં લગ્નનો વિરોધ પણ નથી કરવાનો અને સપોર્ટ પણ નથી આપવાનો.

sex and relationships life and style columnists