અદ્ભુત ફિલ્મો આપનારા ઍક્ટર સંજીવકુમાર વિશે કેટલું જાણો છો?

01 March, 2023 02:16 PM IST  |  Mumbai | Rashmin Shah

‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’ વાંચશો તો ખબર પડશે

‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’ વાંચજો

ભાગ્યે જ કોઈ એવું હશે જે આ સવાલના જવાબમાં પોતાની પાસે રહેલી ગાથા ખોલી નાખે પણ એનો બહુ અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે હરિભાઈ જરીવાલાના સગા ભત્રીજા ઉદય જરીવાલા અને રાઇટર રીટા રામમૂર્તિ ગુપ્તાએ ઍક્ટરના ફ્રેન્ડ્સ અને ફૅમિલી મેમ્બર પાસેથી નાનામાં નાની વાતો કઢાવી છે, જે ‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’માં વાંચવા મળે છે

માત્ર ૪૭ વર્ષની ઉંમરે ગુજરી ગયેલા હરિભાઈ જરીવાલા એટલે કે સંજીવકુમારની કરીઅરને જો તમે ધ્યાનથી જુઓ તો તમારે કબૂલવું પડે કે એ માણસનો આત્મવિશ્વાસ જબરદસ્ત હતો. જો તે લાંબું જીવ્યા હોત તો તેણે એવી-એવી ફિલ્મો આપી હોત જેની કોઈ કલ્પના સુધ્ધાં ન કરી શકે. આ જ વાતને લઈને સંજીવકુમારના ભત્રીજા ઉદય જરીવાલા અને રાઇટર રીટા રામમૂર્તિ ગુપ્તાએ ‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’ લખી છે. આ બુકમાં ક્યાંય ગૉસિપને સ્થાન આપવાને બદલે, એમાં માત્ર અને માત્ર સંજીવકુમારની નક્કર વાતોને સામેલ કરવામાં આવી છે અને એ જ ‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’ની સૌથી મોટી બ્યુટી છે. રીટા રામમૂર્તિ ગુપ્તા કહે છે, ‘સંજીવકુમારની સૌથી મોટી બ્યુટી એ હતી કે તે ડિરેક્ટરના ઍક્ટર હતા. એક પણ ડિરેક્ટર એવો નહીં હોય જે સંજીવકુમારને રિપીટ કરવા માટે તૈયાર ન હોય. જે સીનમાં કશું પણ ન થતું હોય એ સીનને પણ બેસ્ટ રીતે ફ્રેમમાં લઈ આવવાનું કામ સંજીવકુમાર કરતા. આ જ સંજીવકુમારની વાતને અમે સૌની સામે લાવ્યા છીએ.’

‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’માં ઍનૅલિસિસ તો છે જ પણ એની સાથોસાથ સંજીવકુમારના જે પરમ મિત્રો ગણાતા એવા ગુલઝાર, રણધીર કપૂરે પણ તેના વિશે લખ્યું છે તો સંજીવકુમાર સાથે કામ કરી ચૂકેલાં શર્મિલા ટાગોર, મૌસમી ચૅટરજી અને તનુજા જેવા કો-આર્ટિસ્ટે પણ પોતાના આ ફેવરિટ ઍક્ટર વિશે વાતો કરી છે. શર્મિલા ટાગોરે કહ્યું છે, ‘સંજીવકુમાર સાચા અર્થમાં લવેબલ વ્યક્તિ હતા. તે ચૂપ હોય તો પણ તેની આંખો બોલતી હોય, તેની આંખો શાંત હોય તો તેનો ફેસ વાતો કરતો હોય અને એ જ વાત ડિરેક્ટરને સૌથી વધારે ગમતી.’
શરૂઆત કરી થિયેટરથી | હા, સંજીવકુમારે પોતાની કરીઅરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી અને એ પછી તેણે ફિલ્મ કરીઅર પણ ગુજરાતી ફિલ્મોથી જ કરી. સંજીવકુમારે અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી. સંજીવકુમારનું સાચું નામ હરિભાઈ જરીવાલા હતું, તેમને સંજીવકુમાર નામ આપવાનું કામ પોતે કર્યું એવા અનેક લોકોએ દાવા કર્યા છે એટલે એ ક્યારેય જાણવા મળ્યું નથી કે સંજીવકુમારને એ નામ કોણે આપ્યું. ઇન્ડિયન નૅશનલ થિયેટરના એક સમયના જનરલ સેક્રેટરી સ્વ. દામુભાઈ ઝવેરીએ એક વાર કહ્યું હતું, ‘નામ કોણે આપ્યું એ મહત્ત્વનું નહોતું, મહત્ત્વનું એ હતું કે નામ એકદમ પર્ફેક્ટ આપ્યું હતું. સંજીવકુમાર પાસે સંજીવદૃષ્ટિ હતી અને તેણે એ સ્ક્રિપ્ટ પસંદ કરવામાં સતત વાપરી હતી.’

ગુલઝાર જેવા દિગ્ગજના ફેવરિટ બનવું એ જરા પણ સહેલું નથી પણ સંજીવકુમાર ગુલઝારના પણ ફેવરિટ બન્યા અને એટલે જ ગુલઝારે તેમની સાથે અનેક લૅન્ડમાર્ક ફિલ્મો પણ કરી.
અર્ધસત્યથી રહ્યા જોજનો દૂર | ‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’ના બન્ને ઑથરની એક વાત નક્કી હતી કે જે કંઈ લખવું છે એ સત્ય જ હોવું જોઈએ. અસત્ય કે અર્ધસત્યના આધાર પર ક્યાંય ભૂલથી પણ પબ્લિસિટી મેળવવી નથી. જો ધાર્યું હોત તો એવું થઈ શક્યું હોત, કારણ કે સંજીવકુમારના કોઈ વારસદાર છે નહીં અને સંજીવકુમારનાં સિસ્ટર ગાયત્રી જરીવાલા પણ બુક પબ્લિશ થાય એ પહેલાં જ મૃત્યુ પામ્યાં પણ સેન્સેશન જન્માવવાને બદલે રીટા રામમૂર્તિ ગુપ્તા અને ઉદય જરીવાલાએ માત્ર અને માત્ર ફૅક્ટ્સનો જ ઉપયોગ કર્યો.

ઉદય જરીવાલા કહે છે, ‘અગાઉ પણ ફૅમિલી મેમ્બર તરીકે અમને પણ ઘણા લોકોએ કૉન્ટૅક્ટ કર્યો હતો પણ અમારી ઇચ્છા એવી વ્યક્તિ સાથે જોડાવાની હતી જે આ આખી વાતને ધીરજપૂર્વક હૅન્ડલ કરે અને એટલે જ અમે રીટા રામમૂર્તિ ગુપ્તા સાથે આગળ વધવાનું નક્કી કર્યું.’

સંજીવકુમારે બહુ ટૂંકા ગાળામાં એટલું અદ્ભુત કામ કર્યું કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય એટલે સ્વાભાવિક રીતે ઘણા રાઇટર-જર્નલિસ્ટની ઇચ્છા હતી કે સંજીવકુમાર પર બુક લખે. ‘સંજીવકુમારઃ ધી ઍક્ટર વી ઑલ લવ્ડ’ પહેલાં એક બુક ઑલરેડી આવી પણ ખરી પણ એમાં અઢળક વાતો એવી છે જેનો જવાબ આપવા માટે સંજીવકુમારથી માંડીને સામેના પક્ષની પણ કોઈ વ્યક્તિ હયાત નથી.

columnists Rashmin Shah